ગલાતીઓ
૬ ભાઈઓ, જો કોઈ માણસ અજાણતા ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને સુધારવાનો નમ્ર રીતે પ્રયત્ન કરો. પરંતુ, પોતાના પર ધ્યાન આપો કે તમે પણ કસોટીમાં આવી ન પડો. ૨ એકબીજાનો ભાર ઊંચકતા રહો, આ રીતે તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો. ૩ જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં, પોતાને કંઈ સમજે છે, તો તે પોતાને છેતરે છે. ૪ પણ, દરેક પોતાનાં કાર્યોની તપાસ કરે અને આમ તેને પોતાના માટે આનંદ કરવાનું કારણ મળશે. તેણે પોતાનાં કાર્યોની સરખામણી બીજાઓ સાથે ન કરવી. ૫ કેમ કે દરેકે પોતાની જવાબદારીનો બોજો* જાતે ઊંચકવો પડશે.
૬ વધુમાં, જે કોઈને ઈશ્વરનો સંદેશો શીખવવામાં* આવે, તેણે એવું શિક્ષણ* આપનારને બધી સારી વસ્તુઓમાં હિસ્સો આપવો.
૭ છેતરાશો નહિ: ઈશ્વરની મશ્કરી કરાય નહિ. કેમ કે માણસ જે કંઈ વાવે છે, એ જ તે લણે છે; ૮ કારણ કે જે કોઈ પોતાના શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવે છે, તે પોતાના શરીરથી નાશ લણશે, પણ જે પવિત્ર શક્તિ પ્રમાણે વાવે છે, તે પવિત્ર શક્તિ દ્વારા હંમેશ માટેનું જીવન લણશે. ૯ તેથી ચાલો, સારું કરવાનું પડતું ન મૂકીએ, કેમ કે જો આપણે થાકીએ નહિ,* તો નક્કી કરેલા સમયે લણીશું. ૧૦ તો પછી, આપણી પાસે તક* છે ત્યાં સુધી, ચાલો સર્વનું અને ખાસ કરીને જેઓ શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો છે તેઓનું ભલું કરીએ.
૧૧ જુઓ, મેં મારા હાથે કેવા મોટા અક્ષરોથી તમને લખ્યું છે!
૧૨ જેઓ બહારના દેખાવથી બીજાઓને ખુશ કરવા માંગે છે, તેઓ તમને સુન્નત કરાવવાનું દબાણ કરે છે; આવું તેઓ એ માટે કરે છે, જેથી તેઓને ખ્રિસ્તના વધસ્તંભને* લીધે સતાવણી સહેવી ન પડે. ૧૩ કેમ કે જેઓ સુન્નત કરાવે છે, તેઓ પોતે નિયમશાસ્ત્ર પાળતા નથી. પરંતુ, તેઓ ચાહે છે કે તમે સુન્નત કરાવો, જેથી તમારા શરીર વિશે તેઓ બડાઈ મારી શકે. ૧૪ પણ, એવું કદી ન થાય કે હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય બીજા કશા માટે બડાઈ કરું, જેમના દ્વારા દુનિયા મારા માટે મરણ પામી* છે અને હું દુનિયા માટે મરણ પામ્યો છું. ૧૫ કેમ કે સુન્નત કરાવવી કે ન કરાવવી એ મહત્ત્વનું નથી, પણ નવું સર્જન મહત્ત્વનું છે. ૧૬ આ સિદ્ધાંત પ્રમાણે ચાલનારા સર્વ પર, હા, જેઓ ઈશ્વરનું ઇઝરાયેલ છે તેઓ પર શાંતિ અને દયા રહે.
૧૭ હવેથી, કોઈ મને હેરાન કરશો નહિ, કેમ કે મારા શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી છે.
૧૮ ભાઈઓ, તમે જે સારું વલણ બતાવો છો, એના પર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે. આમેન.