૧ થેસ્સાલોનિકીઓ
૧ હું પાઊલ, સિલ્વાનુસ* અને તિમોથી સાથે મળીને થેસ્સાલોનિકાના મંડળને લખું છું, જે મંડળ ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત* સાથે એકતામાં છે:
તમને અપાર કૃપા અને શાંતિ મળે.
૨ અમે પ્રાર્થનામાં તમને બધાને યાદ કરીએ છીએ ત્યારે, હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ; ૩ શ્રદ્ધાને લીધે તમે કરેલાં કામને અને પ્રેમથી તમે કરેલી મહેનતને અમે ઈશ્વર આપણા પિતા આગળ કાયમ યાદ કરીએ છીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા હોવાથી તમે બતાવેલી ધીરજને પણ અમે ભૂલતા નથી. ૪ ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો. અમે જાણીએ છીએ કે તેમણે તમને પસંદ કર્યા છે, ૫ કેમ કે જે ખુશખબરનો અમે પ્રચાર કરીએ છીએ, એ તમને ફક્ત શબ્દોથી નહિ પણ અસરકારક રીતે, પવિત્ર શક્તિ સાથે અને પાકી ખાતરી સાથે આપવામાં આવી છે. તમે જાણો છો કે તમારા ભલા માટે અમે કઈ રીતે વર્ત્યા છીએ. ૬ તમે અમારા અને પ્રભુના પગલે ચાલનારા બન્યા છો. અને ઘણા સંકટો હોવા છતાં, તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે. ૭ આમ, તમે મકદોનિયા અને અખાયા પ્રદેશના શ્રદ્ધા રાખનારા બધા માટે નમૂનો બેસાડ્યો છે.
૮ હકીકતમાં, તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં યહોવાની* ખુશખબર જાહેર થઈ છે. એટલું જ નહિ, ઈશ્વરમાં તમે જે શ્રદ્ધા બતાવો છો એની વાતો પણ બધી જગ્યાએ ફેલાઈ છે, એ માટે અમારે કંઈ જણાવવાની જરૂર નથી. ૯ કેમ કે એ લોકો પોતે અમને જણાવે છે કે અમે કઈ રીતે પહેલી વાર તમને મળ્યા અને તમે કઈ રીતે મૂર્તિઓથી ફરીને જીવતા અને સાચા ઈશ્વરના દાસ બન્યા. ૧૦ તેઓ એ વિશે પણ જણાવે છે કે તમે સ્વર્ગમાંથી ઈશ્વરના દીકરાના આવવાની રાહ જોઈ રહ્યા છો, જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યા છે, એટલે કે ઈસુ, જે આપણને આવનાર કોપથી બચાવે છે.