૧ તિમોથી
૧ ઈશ્વર આપણા ઉદ્ધાર કરનારની આજ્ઞાથી અને ખ્રિસ્ત* ઈસુ, જે આપણી આશા છે તેમની આજ્ઞાથી હું પાઊલ, ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત* છું. ૨ શ્રદ્ધામાં મારા ખરા દીકરા, વહાલા તિમોથીને* હું લખું છું:
ઈશ્વર આપણા પિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ પાસેથી તને અપાર કૃપા, દયા અને શાંતિ મળે.
૩ હું મકદોનિયા જવાની તૈયારીમાં હતો ત્યારે, મેં તને એફેસસમાં રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. હવે, હું ફરીથી એમ કહું છું, જેથી તું કેટલાકને એવી આજ્ઞા આપે કે તેઓ જુદું શિક્ષણ શીખવે નહિ. ૪ તેમ જ, તેઓ ખોટી વાર્તાઓ અને વંશાવળીઓ પર ધ્યાન આપે નહિ. એનાથી કંઈ ફાયદો થતો નથી. પણ એનાથી તો ઈશ્વર પાસેથી શ્રદ્ધાને માટે કંઈ મળવાને બદલે, ફક્ત શંકાઓ ઊભી થાય છે. ૫ સાચે જ, હું જે સલાહ* આપું છું, એનું કારણ એ છે કે આપણામાં પ્રેમ હોય, એવો પ્રેમ જે શુદ્ધ હૃદયમાંથી અને સાફ અંતઃકરણમાંથી અને ઢોંગ વગરની શ્રદ્ધામાંથી આવે છે. ૬ એ બધાથી દૂર ચાલ્યા જઈને, અમુક લોકો નકામી વાતો તરફ વળ્યા છે. ૭ તેઓ નિયમના શિક્ષકો તો બનવા માંગે છે, પણ તેઓ જે કહે છે અથવા જે વિશે તેઓ પાકી ખાતરીથી બોલે છે, એ પોતે જ સમજતા નથી.
૮ હવે, આપણે જાણીએ છીએ કે જો કોઈ નિયમશાસ્ત્ર* બરાબર* પાળે તો નિયમશાસ્ત્ર સારું છે; ૯ આપણે એ પણ પારખીએ છીએ કે નિયમ નેક માણસ માટે નહિ, પણ આવા લોકો માટે છે: ખોટાં કામ કરનારા અને બંડખોરો, ઈશ્વર-વિરોધીઓ અને પાપીઓ, બેવફા અને જે કંઈ પવિત્ર છે એને અપવિત્ર કરનારા, પિતાઓના ખૂનીઓ અને માતાઓના ખૂનીઓ, હત્યારા, ૧૦ વ્યભિચારીઓ,* સજાતીય સંબંધ બાંધતા માણસો,* અપહરણ કરનારા, જૂઠું બોલનારા, સોગન તોડનારા* અને જે કંઈ લાભકારક શિક્ષણની વિરુદ્ધમાં છે, એ બધું કરનારા. ૧૧ એ શિક્ષણ આનંદી ઈશ્વરની ભવ્ય ખુશખબર પ્રમાણે છે, જે મને સોંપવામાં આવી છે.
૧૨ મને શક્તિ આપનારા આપણા પ્રભુ, ખ્રિસ્ત ઈસુનો હું આભારી છું, કેમ કે તેમણે મને ભરોસાપાત્ર ગણીને સેવાકાર્ય સોંપ્યું છે. ૧૩ એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને અભિમાની માણસ હતો. તોપણ, મારા પર દયા બતાવવામાં આવી, કારણ કે મેં અજાણતા અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું. ૧૪ પરંતુ, મને પુષ્કળ પ્રમાણમાં આપણા પ્રભુની અપાર કૃપા મળી. એની સાથે શ્રદ્ધા મળી અને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમ પણ મળ્યો. ૧૫ આ વાત ભરોસાપાત્ર છે અને પૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે: ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા. તેઓમાં હું સૌથી વધારે પાપી છું. ૧૬ તેમ છતાં, મારા પર દયા કરવામાં આવી, જેથી મારા જેવા સૌથી વધારે પાપી માણસના કિસ્સાથી, ખ્રિસ્ત ઈસુ પોતાની પૂરેપૂરી ધીરજ બતાવે; આમ, જેઓ હંમેશ માટેનું જીવન મેળવવા તેમનામાં શ્રદ્ધા મૂકવાના છે, તેઓ માટે તેમણે મને દાખલારૂપ બનાવ્યો.
૧૭ સનાતન યુગોના રાજા, અવિનાશી, અદૃશ્ય, એકમાત્ર ઈશ્વરને હંમેશાં ને હંમેશાં માટે માન અને ગૌરવ મળે. આમેન.
૧૮ મારા વહાલા દીકરા તિમોથી, તારા વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પ્રમાણે હું તને આ સલાહ* આપું છું. એ માટે કે તું એ ભવિષ્યવાણીઓ દ્વારા સારી લડાઈ લડતો રહે. ૧૯ એમ કરતી વખતે, તું શ્રદ્ધા અને સારા અંતઃકરણને વળગી રહેજે. કેટલાકે અંતઃકરણને બાજુ પર મૂકી દીધું છે, જેના લીધે તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું છે. ૨૦ હુમનાયસ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,* જેથી તેઓ શિક્ષાથી* શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.