તિતસ
૨ પણ, તું એવી વાતો જણાવતો રહેજે, જે લાભકારક શિક્ષણ પ્રમાણે હોય. ૨ મોટી ઉંમરના પુરુષો દરેક વાતમાં સંયમ રાખનાર, ઠરેલ સ્વભાવના અને સમજુ હોવા જોઈએ. તેઓ શ્રદ્ધામાં મક્કમ, પ્રેમથી ભરપૂર અને ખૂબ ધીરજવાન હોવા જોઈએ. ૩ વળી, મોટી ઉંમરની સ્ત્રીઓનાં વાણી-વર્તન ઈશ્વરને મહિમા મળે એવાં હોવાં જોઈએ. તેઓ નિંદા કરનારી નહિ, અતિશય દ્રાક્ષદારૂ પીનારી નહિ, પણ સારી વાતો શીખવનારી હોવી જોઈએ; ૪ જેથી યુવાન સ્ત્રીઓને સલાહ આપી શકે* કે તેઓ પોતાના પતિને પ્રેમ કરે અને બાળકોને ચાહે, ૫ સમજુ બને, ચારિત્ર શુદ્ધ રાખે, ઘરનું કામકાજ કરે,* ભલી બને અને પોતાના પતિને આધીન રહે. એમ કરવાથી ઈશ્વરના ઉપદેશ વિશે કોઈ ખરાબ બોલી નહિ શકે.
૬ એ જ રીતે, યુવાન ભાઈઓને અરજ કરતો રહેજે કે તેઓ સમજુ બને. ૭ તું પોતે દરેક બાબતમાં સારું કામ કરવાનો દાખલો બેસાડ. જે ખરું છે એ ગંભીર રીતે શીખવ, ૮ કોઈ દોષ કાઢી ન શકે એવું સારું જ બોલજે, જેથી આપણા વિશે કંઈ પણ ખરાબ બોલવાનું* નહિ મળવાથી વિરોધીઓ કદાચ શરમાઈ જાય. ૯ ચાકરો દરેક રીતે પોતાના માલિકોને આધીન રહે, તેઓને ખુશ રાખવાની કોશિશ કરે, સામું ન બોલે. ૧૦ તેઓ માલિકોને ત્યાં ચોરી ન કરે, પણ બતાવી આપે કે પોતે પૂરેપૂરા ભરોસાપાત્ર છે. આમ, ચાકરો દરેક રીતે આપણા તારણહાર ઈશ્વરનું શિક્ષણ દીપાવી શકશે.
૧૧ કારણ, ઈશ્વરની અપાર કૃપા પ્રગટ થઈ છે, જે સર્વ પ્રકારના લોકો માટે ઉદ્ધાર લાવે છે. ૧૨ એ કૃપા આપણને શીખવે છે કે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓનો ત્યાગ કરીએ. તેમ જ, આ દુનિયામાં* સમજુ વ્યક્તિને શોભે એ રીતે, ખરા માર્ગે ચાલીએ અને ભક્તિભાવથી જીવીએ. ૧૩ આપણે આ રીતે જીવીએ તેમ, એ સમયની રાહ જોઈએ જ્યારે આપણી સુંદર આશા પૂરી થશે અને મહાન ઈશ્વર તથા આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુ મહિમાપૂર્વક પ્રગટ થશે. ૧૪ ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો, જેથી આપણને હરેક પ્રકારની દુષ્ટતાથી આઝાદ કરી શકે* અને આપણને શુદ્ધ કરીને સારાં કામ માટે ઉત્સાહી હોય, એવા તેમના ખાસ લોક બનાવે.
૧૫ તું પૂરા અધિકારથી આ વાતો જણાવતો રહેજે, શિખામણ આપતો રહેજે* અને સુધારતો રહેજે. જોજે, કોઈ તને તુચ્છ ન ગણે.