પહેલો રાજાઓ
૧૬ એ પછી યહોવાએ હનાનીના+ દીકરા યેહૂને+ બાશા વિરુદ્ધ આ સંદેશો મોકલ્યો: ૨ “મેં તને ધૂળમાંથી ઉઠાવ્યો અને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન બનાવ્યો.+ પણ તું યરોબઆમના માર્ગે ચાલતો રહ્યો. તેં મારા ઇઝરાયેલી લોકો પાસે પાપ કરાવ્યું. તેઓએ પાપ કરીને મને રોષ ચઢાવ્યો.+ ૩ એટલે હું બાશાનો અને તેના કુટુંબનો પૂરેપૂરો વિનાશ કરી નાખીશ. હું તેના કુટુંબને નબાટના દીકરા યરોબઆમના કુટુંબ જેવું કરી નાખીશ.+ ૪ બાશાના કુટુંબમાંથી જે કોઈ શહેરની અંદર મરશે, તેને કૂતરાઓ ખાશે; જે કોઈ શહેરની બહાર મરશે તેને આકાશનાં પક્ષીઓ ખાશે.”
૫ બાશાનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું અને તેનાં પરાક્રમો વિશે એમાં જણાવ્યું છે. ૬ બાશાનું મરણ થયું અને તેને તિર્સાહમાં+ દફનાવવામાં આવ્યો. તેનો દીકરો એલાહ તેની જગ્યાએ રાજા બન્યો. ૭ બાશાએ યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કર્યું હતું. તેણે યરોબઆમના કુટુંબ જેવા બનીને પોતાનાં કામોથી ઈશ્વરને રોષ ચઢાવ્યો હતો. તેણે નાદાબનું* ખૂન કર્યું હતું.+ આ કારણોને લીધે યહોવાએ બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ હનાનીના દીકરા યેહૂ પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો હતો.
૮ યહૂદાના રાજા આસાના શાસનનું ૨૬મું વર્ષ ચાલતું હતું. એ સમયે તિર્સાહમાં બાશાનો દીકરો એલાહ ઇઝરાયેલ પર રાજા બન્યો. તેણે બે વર્ષ રાજ કર્યું. ૯ તિર્સાહમાં એલાહના ઘરનો કારભારી આર્સા હતો. આર્સાના ઘરમાં એલાહ દારૂ પીને ચકચૂર થયો હતો ત્યારે, એક સેવકે રાજા સામે કાવતરું ઘડ્યું. એ સેવક ઝિમ્રી હતો, જે અડધી રથસેનાનો આગેવાન હતો. ૧૦ ઝિમ્રીએ આવીને એલાહને મારી નાખ્યો+ અને તેની જગ્યાએ પોતે રાજા બની ગયો. એ સમયે યહૂદાના રાજા આસાના શાસનનું ૨૭મું વર્ષ ચાલતું હતું. ૧૧ ઝિમ્રી રાજા બન્યો અને રાજગાદીએ બેઠો કે તરત તેણે બાશાના કુટુંબના બધાની કતલ કરી નાખી. તેણે એકેય પુરુષને* જીવતો રહેવા દીધો નહિ, ભલે પછી એ બાશાનો સગો* હોય કે મિત્ર. ૧૨ ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો સફાયો કરી નાખ્યો. આ રીતે બાશા વિરુદ્ધ પ્રબોધક યેહૂ દ્વારા યહોવા જે બોલ્યા હતા એ પૂરું થયું.+ ૧૩ બાશા અને તેના દીકરા એલાહે કરેલાં બધાં પાપને લીધે એમ બન્યું. નકામી મૂર્તિઓની પૂજાથી તેઓએ ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું. તેઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.+ ૧૪ એલાહનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૧૫ યહૂદાના રાજા આસાના શાસનનું ૨૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે તિર્સાહમાં ઝિમ્રી સાત દિવસ માટે રાજા બન્યો. સૈનિકોએ પલિસ્તીઓના ગિબ્બથોન+ વિરુદ્ધ છાવણી નાખી હતી. ૧૬ સમય જતાં, છાવણીમાં સૈનિકોને ખબર પહોંચી કે, “ઝિમ્રીએ કાવતરું કરીને રાજાને મારી નાખ્યો છે.” એ દિવસે સૈનિકોએ* છાવણીમાં સેનાપતિ ઓમ્રીને+ ઇઝરાયેલનો રાજા બનાવી દીધો. ૧૭ ઓમ્રીએ અને સૈનિકોએ ગિબ્બથોનથી નીકળીને તિર્સાહને ઘેરી લીધું. ૧૮ ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનના હાથમાં ગયું છે ત્યારે, તે રાજમહેલના કિલ્લામાં નાસી ગયો. તેણે મહેલમાં આગ ચાંપી દીધી અને પોતે પણ એમાં બળી મર્યો.+ ૧૯ તેનાં પોતાનાં પાપોને લીધે એમ બન્યું. તેણે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું હતું. તે યરોબઆમના માર્ગે ચાલ્યો અને ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું.+ ૨૦ ઝિમ્રીનો બાકીનો ઇતિહાસ અને તેનાં કાવતરાં વિશે ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૨૧ એ સમયથી ઇઝરાયેલના લોકોમાં બે ભાગ પડી ગયા. એક ભાગ ગિનાથના દીકરા તિબ્ની પાછળ ગયો, જેને લોકો રાજા બનાવવા માંગતા હતા. બીજો ભાગ ઓમ્રી પાછળ ગયો. ૨૨ ઓમ્રી સાથેના લોકોએ ગિનાથના દીકરા તિબ્ની સાથેના લોકો પર જીત મેળવી. તિબ્ની મરી ગયો અને ઓમ્રી રાજગાદીએ બેઠો.
૨૩ યહૂદાના રાજા આસાના શાસનના ૩૧મા વર્ષે ઓમ્રી ઇઝરાયેલ પર રાજા બન્યો. તેણે ૧૨ વર્ષ રાજ કર્યું. એમાંના છ વર્ષ તેણે તિર્સાહમાં રાજ કર્યું. ૨૪ ઓમ્રીએ સમરૂન પર્વતના માલિક શેમેરને બે તાલંત* ચાંદી આપીને એ પર્વત ખરીદી લીધો. તેણે એના પર એક શહેર બાંધ્યું. તેણે પર્વતના માલિક શેમેરના નામ પરથી એ શહેરનું નામ સમરૂન*+ પાડ્યું. ૨૫ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઓમ્રી કરતો હતો. તેની અગાઉના બધા રાજાઓ કરતાં તેણે વધારે ખરાબ કામો કર્યાં હતાં.+ ૨૬ તે નબાટના દીકરા યરોબઆમના પગલે ચાલ્યો અને પાપ કર્યું. તેણે યરોબઆમની જેમ નકામી મૂર્તિઓની પૂજાથી ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.+ ૨૭ ઓમ્રીનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું અને તેનાં મોટાં મોટાં પરાક્રમો વિશે એમાં જણાવ્યું છે. ૨૮ ઓમ્રીનું મરણ થયું અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો આહાબ+ તેની જગ્યાએ રાજા બન્યો.
૨૯ યહૂદાના રાજા આસાના શાસનનું ૩૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે ઇઝરાયેલ પર ઓમ્રીનો દીકરો આહાબ રાજગાદીએ બેઠો. તેણે સમરૂનમાં+ રહીને ઇઝરાયેલ પર ૨૨ વર્ષ રાજ કર્યું. ૩૦ યહોવાની નજરમાં ઓમ્રીનો દીકરો આહાબ તેની અગાઉ થયેલા બધા રાજાઓ કરતાં સૌથી વધારે પાપી હતો.+ ૩૧ તે નબાટના દીકરા યરોબઆમના પાપી માર્ગે ચાલ્યો.+ એ જાણે ઓછું હોય તેમ, તેણે સિદોનીઓના+ રાજા એથબઆલની દીકરી ઇઝેબેલ+ સાથે લગ્ન કર્યા. તે બઆલને* નમન કરીને તેની ભક્તિ કરવા લાગ્યો.+ ૩૨ તેણે સમરૂનમાં બઆલ માટે જે મંદિર બાંધ્યું હતું, એમાં બઆલ+ માટે એક વેદી ઊભી કરી. ૩૩ આહાબે ભક્તિ-થાંભલો પણ ઊભો કર્યો.+ આહાબે પોતાની અગાઉ થયેલા ઇઝરાયેલના બધા રાજાઓ કરતાં વધારે ખરાબ કામો કર્યાં અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.
૩૪ આહાબના સમયમાં, બેથેલના હીએલ નામના માણસે યરીખો ફરીથી બાંધ્યું. હીએલે એનો પાયો નાખ્યો ત્યારે, તેનો મોટો દીકરો અબીરામ મરણ પામ્યો. એના દરવાજા ઊભા કર્યા ત્યારે, તેનો નાનો દીકરો સગૂબ મરણ પામ્યો. નૂનના+ દીકરા યહોશુઆ દ્વારા યહોવા જે બોલ્યા હતા એવું જ થયું.