એસ્તેર
૩ થોડા સમય પછી, રાજા અહાશ્વેરોશે અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને+ ઊંચી પદવી આપી. હામાનને તેની સાથેના બીજા બધા રાજ્યપાલો કરતાં સૌથી ઊંચો હોદ્દો આપ્યો.+ ૨ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના બધા સેવકો હામાનને નમન કરતા અને ઘૂંટણિયે પડતા, કેમ કે રાજાએ એવો હુકમ આપ્યો હતો. પણ મોર્દખાયે નમન કરવાની કે ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી. ૩ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું: “તું રાજાનો હુકમ કેમ પાળતો નથી?” ૪ તેઓ રોજ મોર્દખાયને એ સવાલ પૂછતા, પણ તે તેઓનું સાંભળતો નહિ. પછી તેઓએ એ વિશે હામાનને ખબર આપી. મોર્દખાયે તેઓને જણાવ્યું હતું કે પોતે યહૂદી છે,+ એટલે તેઓ જોવા માંગતા હતા કે મોર્દખાયનું આવું વર્તન ચલાવી લેવામાં આવશે કે નહિ.+
૫ હામાને જોયું કે મોર્દખાય તેને નમન કરવાની અને ઘૂંટણિયે પડવાની ના પાડે છે. એટલે તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો.+ ૬ પણ એકલા મોર્દખાયને મારી નાખવો* હામાનને મામૂલી કામ લાગ્યું, કેમ કે તેઓએ તેને મોર્દખાયના લોકો વિશે પણ જણાવ્યું હતું. હામાન અહાશ્વેરોશના આખા સામ્રાજ્યમાંથી મોર્દખાયના બધા લોકોનું, એટલે કે સર્વ યહૂદીઓનું નામનિશાન મિટાવી દેવાની તક શોધવા લાગ્યો.
૭ રાજા અહાશ્વેરોશના શાસનના ૧૨મા વર્ષના પહેલા મહિનામાં,+ એટલે કે, નીસાન* મહિનામાં હામાન આગળ પૂર+ (એટલે કે, ચિઠ્ઠી*) નાખવામાં આવી. કયા દિવસે અને કયા મહિને એ યોજના પાર પાડવી એ નક્કી કરવા ચિઠ્ઠી નાખવામાં આવી. ચિઠ્ઠી ૧૨મા મહિનાની, એટલે કે, અદાર* મહિનાની નીકળી.+ ૮ હામાને રાજા અહાશ્વેરોશને કહ્યું: “તમારા સામ્રાજ્યના બધા પ્રાંતોમાં+ એક એવી પ્રજા ફેલાયેલી છે,+ જેના નિયમો બીજા બધા લોકો કરતાં અલગ છે. એ પ્રજાના લોકો રાજાના નિયમો પાળતા નથી. તેઓને ચલાવી લેવા રાજાના હિતમાં નથી. ૯ રાજાને ઠીક લાગે તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવામાં આવે. હું અધિકારીઓને ૧૦,૦૦૦ તાલંત* ચાંદી આપીશ, જેથી તેઓ શાહી ખજાનામાં એને જમા કરી શકે.”*
૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી વીંટી* કાઢી+ અને અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને આપી,+ જે યહૂદીઓનો દુશ્મન હતો. ૧૧ રાજાએ હામાનને કહ્યું: “જા, એ લોકો અને તેઓની ચાંદી* હું તને આપું છું. તને જે ઠીક લાગે એ કર.” ૧૨ પછી પહેલા મહિનાના ૧૩મા દિવસે રાજાના શાસ્ત્રીઓને*+ બોલાવવામાં આવ્યા. તેઓએ રાજાના સૂબાઓ,* પ્રાંતોના રાજ્યપાલો અને લોકોના અધિકારીઓ* માટે હામાનના બધા હુકમો લખ્યા.+ એ હુકમો દરેક પ્રાંતની લિપિમાં અને બધા લોકોની ભાષામાં હતા. એ હુકમો રાજા અહાશ્વેરોશના નામે લખાયા હતા અને એના પર રાજાની વીંટીથી મહોર* કરવામાં આવી હતી.+
૧૩ એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં સંદેશવાહકો દ્વારા મોકલવામાં આવ્યા. એમાં જણાવ્યું હતું કે ૧૨મા મહિનાની, એટલે કે, અદાર મહિનાની ૧૩મી તારીખે એક જ દિવસમાં બધા યહૂદી યુવાનો, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો.+ તેઓને કતલ કરીને મારી નાખવા અને તેઓની માલ-મિલકત લૂંટી લેવી.+ ૧૪ એ પત્રોમાં લખેલો એકેએક શબ્દ દરેક પ્રાંતમાં નિયમ તરીકે અમલમાં આવવાનો હતો અને બધા લોકો આગળ એ જાહેર કરવાનો હતો, જેથી લોકો એ દિવસ માટે તૈયાર રહે. ૧૫ રાજાનો આદેશ મળતાં જ સંદેશવાહકો ફરમાન લઈને નીકળી પડ્યા.+ શુશાન+ કિલ્લામાં એ નિયમ જાહેર કરવામાં આવ્યો. રાજા અને હામાન દ્રાક્ષદારૂ પીવા બેઠા, પણ આખા શુશાન શહેરમાં હાહાકાર મચી ગયો.