હોશિયા
૭ “જ્યારે જ્યારે મેં ઇઝરાયેલને સાજો કરવાની કોશિશ કરી,
ત્યારે ત્યારે એફ્રાઈમની ભૂલો+
અને સમરૂનની દુષ્ટતા પણ ઉઘાડી પડી.+
તેઓ કપટ કરે છે,+
ચોર અંદર ઘૂસી જાય છે અને લુટારા બહાર ધાડ પાડે છે.+
૨ તેઓને એવો વિચાર સુદ્ધાં આવતો નથી કે હું તેઓની દુષ્ટતા યાદ રાખીશ.+
તેઓનાં દુષ્ટ કામો તેઓને ઘેરી વળ્યાં છે,
એ મારી નજર સામે જ છે.
૩ તેઓ પોતાની દુષ્ટતાથી રાજાને
અને કપટથી અધિકારીઓને ખુશ કરે છે.
૪ તેઓ બધા વ્યભિચારીઓ છે.
ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠીની જેમ તેઓ સળગે છે,
તે લોટ બાંધે અને એ ખમીરવાળો* ન થાય ત્યાં સુધી,
તે ભઠ્ઠીની આગને વધારે ભડકાવતો નથી.
૫ રાજાના ઉત્સવના દિવસે અધિકારીઓ બીમાર પડી ગયા.
દ્રાક્ષદારૂને લીધે તેઓ ગુસ્સે ભરાયા.+
મજાક ઉડાવનાર લોકો સાથે રાજાએ હાથ મિલાવ્યો.
૬ તેઓનાં હૃદયો ભઠ્ઠીની જેમ બળે છે.*
ભઠિયારો આખી રાત સૂઈ જાય છે,
ભઠ્ઠી સવારે ભડકે બળે છે.
૭ તેઓ બધા ભઠ્ઠીની જેમ તપી ગયા છે,
તેઓ પોતાના અધિકારીઓને* ભસ્મ કરી દે છે.
તેઓના રાજાઓની પડતી થઈ છે,+
તેઓમાંથી કોઈ પણ મને પોકાર કરતું નથી.+
૮ એફ્રાઈમ બીજી પ્રજાઓ સાથે ભળી જાય છે.+
એફ્રાઈમ એવી રોટલી જેવો છે, જેને ફેરવવામાં આવી નથી.
૯ અજાણ્યાઓએ તેની તાકાત ચૂસી લીધી છે,+ પણ એનું તેને ભાન નથી.
તેના વાળ સફેદ થઈ ગયા છે, પણ એ તેના ધ્યાનમાં આવ્યું નથી.
૧૦ ઇઝરાયેલના ઘમંડે તેની પોતાની વિરુદ્ધ સાક્ષી પૂરી છે,+
આટલું થયા છતાં તેઓ પોતાના ઈશ્વર યહોવા પાસે પાછા ફર્યા નથી,+
કે મદદ માટે તેમને પોકાર કર્યો નથી.
૧૧ એફ્રાઈમ ભોળા કબૂતર જેવો છે, તેનામાં જરાય બુદ્ધિ નથી.+
મદદ માટે તેઓએ ઇજિપ્તને પોકાર કર્યો છે+ અને આશ્શૂર પાસે ગયા છે.+
૧૨ ભલે તેઓ ગમે ત્યાં જાય, હું તેઓ પર મારી જાળ પાથરીશ.
આકાશનાં પક્ષીઓની જેમ હું તેઓને નીચે પાડીશ.
તેઓને* આપેલી ચેતવણીઓ પ્રમાણે હું તેઓને સજા કરીશ.*+
૧૩ તેઓને અફસોસ, કેમ કે તેઓ મારાથી દૂર જતા રહ્યા છે!
તેઓનો વિનાશ થાય, કેમ કે તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે!
હું તો તેઓને છોડાવવા તૈયાર હતો, પણ તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલ્યા છે.+
૧૪ તેઓ પલંગ પર વિલાપ કરતા રહ્યા,
પણ મદદ માટે મને દિલથી પોકાર કર્યો નહિ.+
અનાજ અને નવા દ્રાક્ષદારૂ માટે તેઓએ પોતાના શરીર પર કાપા પાડ્યા.
તેઓ મારી સામા થાય છે.
૧૫ મેં તેઓને તાલીમ* આપી, તેઓના હાથ મજબૂત કર્યા,
તોપણ તેઓ ખરાબ કામો માટે કાવતરું ઘડે છે અને મારી સામા થાય છે.
૧૬ તેઓએ પોતાનો રસ્તો બદલ્યો, પણ સાચી ભક્તિ માટે નહિ.
તેઓ ઢીલા ધનુષ્યની જેમ ભરોસાને લાયક ન હતા.+
તેઓના અધિકારીઓ તલવારથી માર્યા જશે, કેમ કે તેઓ પોતાની જીભથી વિરોધ કરે છે.
તેઓ ઇજિપ્ત દેશમાં મજાક બની જશે.”+