લેવીય
૨૦ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “તું ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ ઇઝરાયેલી અથવા ઇઝરાયેલીઓ વચ્ચે રહેનાર કોઈ પરદેશી પોતાનું કોઈ પણ બાળક મોલેખને* અર્પી દે, તો તે માણસને ચોક્કસ મારી નાખવો.+ લોકો તેને પથ્થરે મારી નાખે. ૩ હું મારું મોં તે માણસથી ફેરવી લઈશ અને તેને મારી નાખીશ, કેમ કે તેણે પોતાનાં અમુક બાળકો મોલેખને અર્પી દીધાં છે, મારી પવિત્ર જગ્યા ભ્રષ્ટ કરી છે+ અને મારા પવિત્ર નામનું અપમાન કર્યું છે. ૪ તે માણસે મોલેખને પોતાનું બાળક અર્પી દીધું છે એ જાણવા છતાં, જો લોકો આંખ આડા કાન કરે અને તે માણસને મારી ન નાખે,+ ૫ તો હું મારું મોં તે માણસથી અને તેના કુટુંબથી ફેરવી લઈશ.+ હું તે માણસને અને જે લોકો તેની સાથે મોલેખની ભક્તિ કરીને* મને બેવફા બન્યા છે, એ બધાને મારી નાખીશ.
૬ “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવા+ અથવા ભવિષ્ય ભાખનાર+ તરફ ફરીને જો કોઈ માણસ મને બેવફા બને,* તો હું મારું મોં તે માણસથી ચોક્કસ ફેરવી લઈશ અને તેને મારી નાખીશ.+
૭ “‘તમે શુદ્ધ અને પવિત્ર થાઓ,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. ૮ તમે મારા નિયમો પાળો અને એ પ્રમાણે ચાલો.+ હું યહોવા છું, જે તમને પવિત્ર કરે છે.+
૯ “‘જો કોઈ માણસ પોતાના પિતાને કે માને શ્રાપ આપે, તો તેને ચોક્કસ મારી નાખવો.+ તેણે પોતાના પિતાને કે માને શ્રાપ આપ્યો હોવાથી તેનું લોહી તેને માથે.
૧૦ “‘જો કોઈ માણસ બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરે, તો તેને ચોક્કસ મારી નાખવો. હા, વ્યભિચાર કરનાર તે બંને સ્ત્રી-પુરુષને મારી નાખવાં.+ ૧૧ પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ બાંધનાર પુરુષ પોતાના પિતાનું અપમાન કરે છે.*+ તે બંને સ્ત્રી-પુરુષને ચોક્કસ મારી નાખવાં. તેઓનું લોહી તેઓને માથે. ૧૨ જો કોઈ માણસ પોતાની પુત્રવધૂ સાથે જાતીય સંબંધ બાંધે, તો તેઓ બંનેને મારી નાખવાં. તેઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કામ કર્યું છે. તેઓનું લોહી તેઓને માથે.+
૧૩ “‘જો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ બાંધે, તો તેઓએ ધિક્કારને લાયક કામ કર્યું છે.+ તેઓ બંનેને ચોક્કસ મારી નાખવા. તેઓનું લોહી તેઓને માથે.
૧૪ “‘જો કોઈ માણસ કોઈ સ્ત્રીને પરણે અને એ સ્ત્રીની મા સાથે પણ જાતીય સંબંધ બાંધે, તો એ અશ્લીલ કામ* છે.+ એ ત્રણેયને મારી નાખીને આગમાં બાળી નાખવાં,*+ જેથી એવું અશ્લીલ વર્તન તમારામાં ચાલતું ન રહે.
૧૫ “‘જો કોઈ પુરુષ જાનવર સાથે જાતીય સંબંધ બાંધે, તો તે પુરુષને ચોક્કસ મારી નાખવો. એ જાનવરને પણ મારી નાખવું.+ ૧૬ જો કોઈ સ્ત્રી જાનવર સાથે જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી એની પાસે જાય,+ તો તે સ્ત્રી અને જાનવરને મારી નાખવાં. તેઓ બંનેને ચોક્કસ મારી નાખવાં. તેઓનું લોહી તેઓને માથે.
૧૭ “‘જો કોઈ માણસ પોતાની સગી બહેન સાથે કે પોતાના પિતાની દીકરી* સાથે કે પોતાની માની દીકરી* સાથે જાતીય સંબંધ બાંધે અને તેઓ એકબીજાની નગ્નતા જુએ, તો એ શરમજનક કામ છે.+ તેઓને લોકો આગળ લાવીને મારી નાખવાં. એ માણસે પોતાની બહેનનું અપમાન કર્યું છે.* તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.
૧૮ “‘જો કોઈ માણસ એવી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે, જે માસિક સ્રાવમાં હોય, તો તેઓ બંને રક્તસ્રાવનો અનાદર કરે છે.+ તેઓ બંનેને મારી નાખવાં.
૧૯ “‘તમે તમારી માસી સાથે કે ફોઈ સાથે જાતીય સંબંધ ન બાંધો, કેમ કે એવું કરવાથી નજીકના સગાનું અપમાન થાય છે.+ તે બંને સ્ત્રી-પુરુષે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે. ૨૦ પોતાની કાકી સાથે જાતીય સંબંધ બાંધનાર પુરુષ પોતાના કાકાનું અપમાન કરે છે.*+ તે બંને સ્ત્રી-પુરુષે પોતાના પાપની સજા ભોગવવી પડશે. તેઓ બંનેને મારી નાખવાં, જેથી તેઓને બાળક ન થાય. ૨૧ જો કોઈ માણસ પોતાની ભાભી સાથે જાતીય સંબંધ બાંધે, તો એ ઘૃણાસ્પદ કામ છે.+ તે પોતાના ભાઈનું અપમાન કરે છે.* તે બંને સ્ત્રી-પુરુષને મારી નાખવાં, જેથી તેઓને બાળક ન થાય.
૨૨ “‘તમે મારા બધા નિયમો અને કાયદા-કાનૂન પાળો+ અને એ પ્રમાણે ચાલો,+ જેથી જે દેશમાં હું તમને વસાવવા લઈ જઈ રહ્યો છું, એ દેશ તમને ઓકી ન કાઢે.+ ૨૩ તમે એ પ્રજાઓના નિયમો પ્રમાણે ન ચાલો, જેઓને હું તમારી આગળથી હાંકી કાઢું છું,+ કેમ કે તેઓએ એ બધાં અધમ કામો કર્યાં હતાં અને હું તેઓને ધિક્કારું છું.+ ૨૪ એટલે જ મેં તમને કહ્યું હતું: “તમે તેઓનો દેશ કબજે કરશો. હું તમને દૂધ-મધની રેલમછેલવાળો દેશ વારસા તરીકે આપીશ.+ હું યહોવા તમારો ઈશ્વર છું. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે.”+ ૨૫ તમે શુદ્ધ અને અશુદ્ધ પ્રાણી વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ પક્ષી વચ્ચે ફરક રાખો.+ જેને મેં અશુદ્ધ ઠરાવ્યું છે એવું કોઈ પણ પ્રાણી કે પક્ષી કે પેટે ચાલનાર પ્રાણી ખાઈને પોતાને ધિક્કારને લાયક ન બનાવો.+ ૨૬ તમે મારી નજરમાં પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું.+ હું તમને બીજી પ્રજાઓથી અલગ કરું છું, જેથી તમે મારા લોકો બનો.+
૨૭ “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવા અથવા ભવિષ્ય ભાખનાર સ્ત્રી કે પુરુષને ચોક્કસ મારી નાખો.+ લોકો એ સ્ત્રી કે પુરુષને પથ્થરે મારી નાખે. તેનું લોહી તેને માથે.’”