ગણના
૨૨ પછી ઇઝરાયેલીઓ આગળ વધ્યા અને તેઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.+ ૨ હવે સિપ્પોરના દીકરા બાલાકે+ જોયું કે, ઇઝરાયેલીઓએ અમોરીઓના કેવા હાલ કર્યા છે. ૩ ઇઝરાયેલીઓની સંખ્યા પુષ્કળ હોવાથી મોઆબીઓ ખૂબ ડરી ગયા હતા. ઇઝરાયેલીઓનો ડર મોઆબીઓ પર છવાઈ ગયો હતો.+ ૪ મોઆબીઓએ મિદ્યાનના વડીલોને કહ્યું:+ “જેમ બળદ* ખેતરનું બધું ઘાસ સફાચટ કરી દે છે, તેમ આ ટોળું આપણી આસપાસનું બધું ભરખી જશે.”
એ સમયે, સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. ૫ બાલાકે બયોરના દીકરા બલામને બોલાવવા સંદેશવાહકો મોકલ્યા. ત્યારે બલામ પોતાના વતન પથોરમાં+ રહેતો હતો, જે નદીને* કિનારે વસેલું હતું. બાલાકે આમ કહેવડાવ્યું: “જુઓ! ઇજિપ્તથી એક પ્રજા આવી છે. એ પ્રજા આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ છે+ અને હવે એણે મારી સામે પડાવ નાખ્યો છે. ૬ કૃપા કરીને અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો,+ કેમ કે તેઓ મારા કરતાં ખૂબ શક્તિશાળી છે. પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ. હું જાણું છું કે તમે જેને આશીર્વાદ આપો છો, તેના પર આશીર્વાદ આવે છે અને જેને શ્રાપ આપો છો, તેના પર શ્રાપ આવે છે.”
૭ તેથી મોઆબના વડીલો અને મિદ્યાનના વડીલો જોષ જોવાની કિંમત લઈને બલામ પાસે ગયા+ અને તેને બાલાકનો સંદેશો જણાવ્યો. ૮ બલામે તેઓને કહ્યું: “આજની રાત અહીં રોકાઈ જાઓ. યહોવા મને જે કંઈ જણાવશે, એ હું તમને જણાવીશ.” તેથી મોઆબના વડીલો બલામ સાથે રહ્યા.
૯ પછી ઈશ્વરે બલામ પાસે આવીને કહ્યું:+ “તારી સાથે આ માણસો કોણ છે?” ૧૦ બલામે સાચા ઈશ્વરને* કહ્યું: “સિપ્પોરના દીકરા બાલાક, જે મોઆબના રાજા છે, તેમણે મારા માટે આ સંદેશો મોકલ્યો છે: ૧૧ ‘જુઓ! ઇજિપ્તથી જે પ્રજા આવી રહી છે, એ આખી પૃથ્વી પર ફેલાઈ રહી છે. હવે અહીં આવો અને મારા માટે તેઓને શ્રાપ આપો.+ પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ.’” ૧૨ પણ ઈશ્વરે બલામને કહ્યું: “તારે તેઓ સાથે જવું નહિ. તારે આ લોકોને શ્રાપ આપવો નહિ, કેમ કે મેં તેઓને આશીર્વાદ આપ્યો છે.”+
૧૩ સવારે ઊઠીને બલામે બાલાકના વડીલોને કહ્યું: “તમે તમારા દેશ પાછા જાઓ, કેમ કે યહોવાએ મને તમારી સાથે આવવાની મના કરી છે.” ૧૪ એટલે મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ફર્યા. તેઓએ કહ્યું: “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”
૧૫ પણ બાલાકે પહેલાં કરતાં વધારે નામાંકિત અને વધારે સંખ્યામાં વડીલો મોકલ્યા. ૧૬ તેઓએ બલામ પાસે આવીને કહ્યું: “સિપ્પોરના દીકરા બાલાક જણાવે છે કે, ‘મારી પાસે આવવામાં તમને કશું અટકાવે નહિ, ૧૭ કેમ કે હું તમારું સન્માન કરીશ અને તમે જે કંઈ કહેશો એ બધું કરીશ. તમે અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો.’” ૧૮ પણ બલામે બાલાકના સેવકોને જવાબ આપ્યો: “જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ હું નાની કે મોટી કોઈ વાતમાં મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈ શકતો નથી.+ ૧૯ પણ આજની રાત તમે અહીં રોકાઈ જાઓ, જેથી યહોવા મને બીજું શું કહે છે એ હું જાણી શકું.”+
૨૦ પછી ઈશ્વરે રાતે બલામ પાસે આવીને કહ્યું: “જો આ લોકો તને લેવા આવ્યા હોય, તો તું તેઓ સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.”+ ૨૧ બલામ સવારે ઊઠ્યો અને તેણે પોતાની ગધેડી પર જીન બાંધ્યું અને તે મોઆબના વડીલો સાથે ગયો.+
૨૨ તે જઈ રહ્યો હતો, એટલે ઈશ્વરનો ક્રોધ તેના પર ભડકી ઊઠ્યો. તેને રોકવા યહોવાનો દૂત તેના રસ્તામાં ઊભો રહ્યો. બલામ પોતાની ગધેડી પર જઈ રહ્યો હતો અને તેના બે ચાકરો તેની સાથે હતા. ૨૩ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને હાથમાં તલવાર લઈને રસ્તામાં ઊભેલો જોયો, ત્યારે તે પોતાનો રસ્તો બદલીને ખેતર તરફ જવા લાગી. પણ ગધેડીને રસ્તા પર પાછી લાવવા બલામ તેને મારવા લાગ્યો. ૨૪ પછી યહોવાનો દૂત બે દ્રાક્ષાવાડીઓ વચ્ચેના સાંકડા રસ્તે જઈને ઊભો રહ્યો, જેની આજુબાજુ પથ્થરની દીવાલ હતી. ૨૫ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને જોયો, ત્યારે તે દીવાલને ઘસડાઈને ચાલવા લાગી. એનાથી બલામનો પગ કચડાયો અને તે ગધેડીને ફરી મારવા લાગ્યો.
૨૬ યહોવાનો દૂત આગળ ગયો અને એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો, જ્યાંથી જમણે કે ડાબે વળવા કોઈ રસ્તો ન હતો. ૨૭ ગધેડીએ યહોવાના દૂતને જોયો ત્યારે, તે નીચે બેસી પડી. એટલે બલામ ક્રોધે ભરાયો અને પોતાની લાકડીથી ગધેડીને મારવા લાગ્યો. ૨૮ આખરે, યહોવાએ એવું કર્યું કે ગધેડી બોલવા લાગી.+ તેણે બલામને કહ્યું: “મેં એવું તો શું કર્યું છે કે તમે ત્રણ વાર મને મારી?”+ ૨૯ બલામે ગધેડીને કહ્યું: “કેમ કે તેં મારી ફજેતી કરી છે. જો મારા હાથમાં તલવાર હોત, તો મેં તને મારી નાખી હોત!” ૩૦ ત્યારે ગધેડીએ બલામને કહ્યું: “શું હું તમારી એ જ ગધેડી નથી જેના પર તમે આખી જિંદગી સવારી કરી છે? શું મેં પહેલાં ક્યારેય આવું કર્યું છે?” બલામે કહ્યું: “ના!” ૩૧ ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી.+ તેણે યહોવાના દૂતને હાથમાં તલવાર લઈને રસ્તામાં ઊભેલો જોયો. બલામે તરત જ જમીન સુધી માથું નમાવીને તેને નમન કર્યું.
૩૨ પછી યહોવાના દૂતે બલામને કહ્યું: “તેં શા માટે તારી ગધેડીને ત્રણ વાર મારી? જો! તને રોકવા હું પોતે આવ્યો હતો, કેમ કે તું જે કરવા જઈ રહ્યો છે, એ મારી ઇચ્છા વિરુદ્ધ છે.+ ૩૩ તારી ગધેડીએ મને જોયો અને મારાથી દૂર જવા તેણે ત્રણ વાર કોશિશ કરી.+ જરા વિચાર, જો તે મારાથી દૂર ગઈ ન હોત, તો શું થયું હોત! હમણાં સુધીમાં તો મેં તને મારી નાખ્યો હોત, પણ તેને જીવતી રહેવા દીધી હોત.” ૩૪ બલામે યહોવાના દૂતને કહ્યું: “મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે મને મળવા તમે મારા રસ્તામાં ઊભા છો. હવે જો તમારી નજરમાં એ ખોટું હોય, તો હું પાછો જતો રહીશ.” ૩૫ પણ યહોવાના દૂતે બલામને કહ્યું: “એ માણસો સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.” તેથી બલામ બાલાકના વડીલો સાથે આગળ વધ્યો.
૩૬ બલામ આવ્યો છે એ સાંભળીને બાલાક તરત જ તેને મળવા મોઆબના શહેરમાં ગયો. એ શહેર મોઆબની સરહદે આર્નોન ખીણને છેડે આવેલું છે. ૩૭ બાલાકે બલામને કહ્યું: “શું મેં તમને બોલાવ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? શું તમને એમ લાગતું હતું કે હું તમારું સન્માન નહિ કરી શકું?”+ ૩૮ બલામે બાલાકને કહ્યું: “જુઓ, હું આવી તો ગયો, પણ શું હું મારી ઇચ્છા પ્રમાણે બોલી શકું છું? ઈશ્વર મારા મોંમાં જે શબ્દો મૂકશે, એ જ હું બોલી શકીશ.”+
૩૯ બલામ ત્યાંથી નીકળીને બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા. ૪૦ બાલાકે આખલા અને ઘેટાનાં બલિદાનો ચઢાવ્યાં. એમાંથી થોડોક ભાગ તેણે બલામ અને તેની સાથેના વડીલોને મોકલ્યો. ૪૧ સવારે બાલાક પોતાની સાથે બલામને લઈને બામોથ-બઆલ ગયો, જેથી બલામ બધા ઇઝરાયેલીઓને જોઈ શકે.+