ન્યાયાધીશો
૮ એફ્રાઈમના માણસોએ ગિદિયોનને કહ્યું: “તેં આવું કેમ કર્યું? તું મિદ્યાનીઓ સામે લડવા ગયો ત્યારે, અમને કેમ બોલાવ્યા નહિ?”+ તેઓએ તેની સાથે મોટો ઝઘડો કર્યો.+ ૨ પણ ગિદિયોને તેઓને કહ્યું: “તમારી સરખામણીમાં મેં ક્યાં કંઈ મોટું કામ કર્યું છે? અમે અબીએઝેરના માણસોએ+ જે કર્યું એના કરતાં એફ્રાઈમના માણસોએ+ ઘણું મોટું કામ કર્યું છે.* ૩ ઈશ્વરે મિદ્યાનના મુખીઓ ઓરેબ અને ઝએબને તો તમારા હાથમાં સોંપ્યા હતા.+ તમારી સરખામણીમાં મેં કંઈ જ કર્યું નથી.” ગિદિયોને તેઓ સાથે આ રીતે વાત કરી ત્યારે તેઓ ઠંડા પડ્યા.
૪ પછી ગિદિયોન અને તેના ૩૦૦ માણસો યર્દન નદી પાસે આવી પહોંચ્યા અને એ પાર કરી. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા તોપણ, તેઓએ દુશ્મનોનો પીછો ન છોડ્યો. ૫ સુક્કોથ આવીને ગિદિયોને ત્યાંના માણસોને કહ્યું: “હું મિદ્યાનના રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાની પાછળ પડ્યો છું. મારા માણસો બહુ થાકેલા છે. તેઓને કંઈક ખાવાનું* આપશો?” ૬ પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું: “તું તો એવી વાત કરે છે જાણે ઝેબાહ અને સાલ્મુન્ના તારા હાથમાં આવી ગયા હોય! અમે શું કામ તારા સૈનિકોને ખાવાનું આપીએ?” ૭ ગિદિયોને કહ્યું: “સાંભળો ત્યારે, એક વાર યહોવા મારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્નાને આપી દે, પછી જોજો હું તમારા કેવા હાલ કરું છું. જંગલનાં ઝાડી-ઝાંખરાંથી હું તમારી ચામડી ઉઝરડી નાખીશ.”+ ૮ ત્યાંથી ગિદિયોન પનુએલ ગયો અને ત્યાં પણ વિનંતી કરી. પણ પનુએલના માણસોએ સુક્કોથના માણસો જેવો જ જવાબ આપ્યો. ૯ ગિદિયોને પનુએલના માણસોને કહ્યું: “હું જ્યારે સલામત પાછો આવીશ, ત્યારે તમારો આ કિલ્લો તોડી પાડીશ.”+
૧૦ ઝેબાહ અને સાલ્મુન્ના પોતાનાં લશ્કરો સાથે કાર્કોરમાં હતા, જેમાં ૧૫,૦૦૦ માણસો હતા. પૂર્વના લોકોના+ આખા લશ્કરમાંથી ફક્ત એટલા જ બચી ગયા હતા. તેઓના ૧,૨૦,૦૦૦ તલવારધારી માણસો માર્યા ગયા હતા. ૧૧ ગિદિયોન હવે નોબાહ અને યોગ્બહાહની+ પૂર્વ તરફ તંબુઓમાં રહેનારાઓના માર્ગે થઈને આગળ વધ્યો. તેણે દુશ્મનોની છાવણી પર ઓચિંતો હુમલો કર્યો. ૧૨ ઝેબાહ અને સાલ્મુન્ના નાસી છૂટ્યા. ગિદિયોને તેઓનો પીછો કર્યો અને બંને મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાને પકડી લીધા. દુશ્મનોની છાવણીમાં ઊથલ-પાથલ મચી ગઈ.
૧૩ લડાઈ પછી યોઆશનો દીકરો ગિદિયોન હેરેસના ચઢાણ પર થઈને પાછો ફર્યો. ૧૪ રસ્તામાં ગિદિયોને સુક્કોથના એક યુવાનને પકડ્યો અને પૂછપરછ કરી. એ યુવાને સુક્કોથના ૭૭ આગેવાનો અને વડીલોનાં નામ લખી આપ્યાં. ૧૫ ગિદિયોને સુક્કોથના માણસો પાસે જઈને કહ્યું: “આ રહ્યા ઝેબાહ અને સાલ્મુન્ના, જેઓના વિશે તમે મને આવું મહેણું માર્યું હતું: ‘તું તો એવી વાત કરે છે જાણે ઝેબાહ અને સાલ્મુન્ના તારા હાથમાં આવી ગયા હોય! અમે શું કામ તારા થાકેલા સૈનિકોને ખાવાનું આપીએ?’”+ ૧૬ પછી ગિદિયોને સુક્કોથના વડીલોને પકડ્યા અને જંગલનાં ઝાડી-ઝાંખરાંથી તેઓને બરાબર પાઠ ભણાવ્યો.+ ૧૭ ગિદિયોને પનુએલનો કિલ્લો પણ તોડી પાડ્યો+ અને એ શહેરના માણસોને મારી નાખ્યા.
૧૮ તેણે ઝેબાહ અને સાલ્મુન્નાને પૂછ્યું: “તાબોરમાં તમે જેઓને મારી નાખ્યા, તેઓનો દેખાવ કેવો હતો?” તેઓએ જવાબ આપ્યો: “તારા જેવો, દરેક માણસ રાજકુંવર જેવો દેખાતો હતો.” ૧૯ એ સાંભળીને ગિદિયોને કહ્યું: “તેઓ મારા ભાઈઓ હતા, મારી સગી માના દીકરા. યહોવાના સમ,* જો તમે તેઓને જીવતા છોડ્યા હોત, તો મેં પણ તમને જીવતા છોડ્યા હોત.” ૨૦ તેણે પોતાના મોટા દીકરા યેથેરને કહ્યું: “ઊઠ, તેઓને મારી નાખ.” પણ યેથેરે પોતાની તલવાર ખેંચી નહિ. તે હજુ છોકરો હોવાથી ગભરાતો હતો. ૨૧ ઝેબાહ અને સાલ્મુન્નાએ ગિદિયોનને કહ્યું: “તારામાં હિંમત હોય તો તું જ ઊઠીને અમને મારી નાખ.”* એટલે ગિદિયોને ઊઠીને ઝેબાહ અને સાલ્મુન્નાને મારી નાખ્યા.+ તેણે તેઓનાં ઊંટોનાં ગળામાંથી અર્ધચંદ્ર આકારનાં ઘરેણાં ઉતારી લીધાં.
૨૨ ત્યાર બાદ ઇઝરાયેલીઓએ ગિદિયોનને કહ્યું: “અમારા પર રાજ કર. તું અને તારો દીકરો તથા તેનો દીકરો અમારા પર રાજ કરો, કેમ કે તેં અમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યા છે.”+ ૨૩ ગિદિયોને તેઓને કહ્યું: “હું તમારા પર રાજ નહિ કરું, મારો દીકરો પણ તમારા પર રાજ નહિ કરે. પણ યહોવા તમારા પર રાજ કરશે.”+ ૨૪ ગિદિયોને આગળ કહ્યું: “મારી એક વિનંતી છે: તમે બધા પોતાની લૂંટમાંથી મને એક એક નથણી આપો.” (હારેલા દુશ્મનો ઇશ્માએલીઓ હતા અને તેઓ સોનાની નથણી પહેરતા હતા.)+ ૨૫ તેઓએ જવાબ આપ્યો: “કેમ નહિ, અમે ખુશીથી આપીશું.” એમ કહીને તેઓએ કપડું પાથર્યું અને દરેકે પોતાની લૂંટમાંથી એક એક નથણી નાખી. ૨૬ ગિદિયોનની વિનંતીથી તેને મળેલી સોનાની નથણીઓનું વજન ૧,૭૦૦ શેકેલ* થયું. એ સિવાય અર્ધચંદ્ર આકારનાં ઘરેણાં, ઝૂમખાં, મિદ્યાનના રાજાઓ પહેરતા એ જાંબુડિયા રંગના ઊનનાં કપડાં અને ઊંટોને પહેરાવવામાં આવતી માળાઓ પણ મળી.+
૨૭ ગિદિયોને એ સોનામાંથી એક એફોદ* બનાવ્યો+ અને પોતાના શહેર ઓફ્રાહમાં+ જાહેરમાં મૂક્યો. પણ બધા ઇઝરાયેલીઓ એને મૂર્તિની જેમ પૂજવા લાગ્યા અને ઈશ્વરને બેવફા બન્યા.*+ એ એફોદ ગિદિયોન અને તેના ઘરનાઓ માટે ફાંદો બની ગયો.+
૨૮ ઇઝરાયેલીઓએ મિદ્યાનીઓ+ પર જીત મેળવી, એ પછી ઇઝરાયેલીઓ સામે તેઓએ ફરીથી માથું ઊંચું કર્યું નહિ. ગિદિયોન જીવ્યો ત્યાં સુધી, એટલે કે ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+
૨૯ યોઆશનો દીકરો યરૂબ્બઆલ*+ પોતાના ઘરે પાછો આવ્યો અને ત્યાં રહ્યો.
૩૦ ગિદિયોનને ૭૦ દીકરાઓ હતા, કારણ કે તેને ઘણી પત્નીઓ હતી. ૩૧ શખેમ શહેરમાં રહેતી તેની ઉપપત્નીને પણ દીકરો થયો. ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.+ ૩૨ યોઆશનો દીકરો ગિદિયોન ઘણો વૃદ્ધ થઈને મરણ પામ્યો. અબીએઝેરીઓના ઓફ્રાહમાં+ તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.
૩૩ ગિદિયોન ગુજરી ગયો પછી ઇઝરાયેલીઓ ફરીથી બઆલ દેવોની પૂજા કરવા લાગ્યા+ અને ઈશ્વરને બેવફા બન્યા.* તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ બનાવ્યો.+ ૩૪ યહોવા ઈશ્વરે ઇઝરાયેલીઓને આસપાસના બધા દુશ્મનોના પંજામાંથી છોડાવ્યા,+ તોપણ તેઓ તેમને ભૂલી ગયા.+ ૩૫ ઇઝરાયેલીઓનું આટલું ભલું કરનાર યરૂબ્બઆલના, એટલે કે ગિદિયોનના કુટુંબ માટે પણ તેઓએ પ્રેમ* ન બતાવ્યો.+