ન્યાયાધીશો
૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓએ ફરીથી કર્યું.+ એટલે યહોવાએ તેઓને સાત વર્ષ મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા.+ ૨ મિદ્યાનીઓ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારતા.+ તેઓને લીધે ઇઝરાયેલીઓ પર્વતોમાં, ગુફાઓમાં અને લોકો સહેલાઈથી પહોંચી ન શકે, એવી જગ્યાઓમાં* સંતાઈ રહેતા.+ ૩ જ્યારે ઇઝરાયેલીઓ વાવણી કરતા, ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ+ અને પૂર્વના લોકો+ તેઓ પર હુમલો કરતા. ૪ તેઓ ઇઝરાયેલીઓ પર ચઢી આવતા અને છેક ગાઝા સુધી ઊભા પાકને ખેદાન-મેદાન કરી નાખતા. તેઓ ઇઝરાયેલીઓ માટે કંઈ જ ખાવાનું બાકી રાખતા નહિ. એટલું જ નહિ, એકેય ઘેટું, બળદ* કે ગધેડું પણ રહેવા દેતા નહિ.+ ૫ તેઓ તીડોનાં ટોળાંની જેમ, પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સાથે આવી ચઢતા.+ તેઓ અને તેઓનાં ઊંટો ગણ્યાં ગણાય નહિ એટલાં બધાં હતાં.+ તેઓ આવીને ઇઝરાયેલીઓના દેશને બરબાદ કરી નાખતા. ૬ મિદ્યાનીઓને લીધે ઇઝરાયેલીઓ સાવ કંગાળ બની ગયા હતા. તેઓએ યહોવાને મદદ માટે પોકાર કર્યો.+
૭ ઇઝરાયેલીઓએ મિદ્યાનીઓને લીધે યહોવાને પોકાર કર્યો ત્યારે,+ ૮ યહોવાએ પ્રબોધક* મોકલીને ઇઝરાયેલીઓને કહ્યું: “ઇઝરાયેલનો ઈશ્વર યહોવા કહે છે, ‘હું તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો.+ ૯ મેં તમને ઇજિપ્તના પંજામાંથી છોડાવ્યા, તમારા પર જુલમ કરનારાઓના હાથમાંથી બચાવ્યા. મેં તમારા દુશ્મનોને તમારી આગળથી હાંકી કાઢ્યા અને તેઓનો દેશ તમને આપ્યો.+ ૧૦ મેં તમને કહ્યું હતું: “હું તમારો ઈશ્વર યહોવા છું.+ જે અમોરીઓના દેશમાં તમે રહો છો, તેઓના દેવોની ભક્તિ કરશો નહિ.”+ પણ તમે મારું સાંભળ્યું નહિ.’”*+
૧૧ અમુક સમય પછી, યહોવાનો દૂત ઓફ્રાહ શહેર આવીને+ એક મોટા ઝાડ નીચે બેઠો. એ ઝાડ અબીએઝેરી+ યોઆશનું હતું. તેનો દીકરો ગિદિયોન+ દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો, જેથી મિદ્યાનીઓને ખબર ન પડે. ૧૨ યહોવાના દૂતે ગિદિયોન પાસે આવીને કહ્યું: “હે શૂરવીર યોદ્ધા, યહોવા તારી સાથે છે.”+ ૧૩ એ સાંભળીને ગિદિયોને દૂતને કહ્યું: “ભૂલચૂક માફ કરજો મારા માલિક. જો યહોવા અમારી સાથે હોય, તો આ બધું અમારા માથે કેમ આવી પડ્યું?+ અમારા બાપદાદાઓ કહેતા હતા,+ ‘યહોવા અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે.’+ તો હવે એ બધા ચમત્કારો ક્યાં છે? યહોવાએ અમારો સાથ છોડી દીધો છે+ અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.” ૧૪ યહોવાએ* ગિદિયોન તરફ ફરીને કહ્યું: “હિંમત રાખ અને જા. તું મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલીઓને ચોક્કસ બચાવીશ,+ કેમ કે હું તને મોકલું છું.” ૧૫ ગિદિયોને જવાબ આપ્યો: “માફ કરો યહોવા, હું ઇઝરાયેલને કઈ રીતે બચાવી શકું? મનાશ્શા કુળમાં મારા ઘરના તો કંઈ જ નથી. મારા પિતાના ઘરમાં હું સાવ મામૂલી છું.” ૧૬ યહોવાએ તેને કહ્યું: “હું તારી સાથે હોઈશ.+ એટલે એક માણસને હરાવતો હોય એમ તું બધા મિદ્યાનીઓને હરાવી દઈશ.”
૧૭ ગિદિયોને કહ્યું: “જો મારા પર તમારી કૃપા હોય, તો મને નિશાની બતાવો કે તમે જ મારી સાથે વાત કરો છો. ૧૮ હું અર્પણ લઈને આવું અને તમને આપું ત્યાં સુધી કૃપા કરીને અહીં જ રહેજો.”+ દૂતે કહ્યું: “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.” ૧૯ ગિદિયોને જઈને બકરીનું બચ્ચું રાંધ્યું. તેણે એક એફાહ* લોટની ખમીર* વગરની રોટલી બનાવી.+ તેણે ટોપલીમાં માંસ મૂક્યું અને તપેલામાં રસો કાઢ્યો. પછી એ બધું લઈને તે મોટા ઝાડ નીચે દૂત પાસે આવ્યો અને તેની આગળ મૂક્યું.
૨૦ સાચા ઈશ્વરના* દૂતે કહ્યું: “માંસ અને રોટલી લઈને ત્યાં મોટા પથ્થર પર મૂક અને એના પર રસો રેડ.” ગિદિયોને એ પ્રમાણે કર્યું. ૨૧ યહોવાના દૂતના હાથમાં લાકડી હતી. તેણે એ લંબાવીને માંસ અને રોટલીને અડાડી. તરત જ પથ્થરમાંથી આગ નીકળી અને માંસ તથા રોટલી ભસ્મ થઈ ગયાં.+ પછી યહોવાનો દૂત ગિદિયોન આગળથી અદૃશ્ય થઈ ગયો. ૨૨ હવે ગિદિયોનને સમજાયું કે એ તો યહોવાનો દૂત હતો.+
ગિદિયોન બોલી ઊઠ્યો: “હે વિશ્વના માલિક* યહોવા! મેં નજરોનજર તમારા દૂતને જોયો છે. હે યહોવા, હવે મારું શું થશે?”+ ૨૩ યહોવાએ તેને કહ્યું, “શાંત થા.* ડરીશ નહિ,+ તું માર્યો નહિ જાય.” ૨૪ ગિદિયોને ત્યાં યહોવા માટે વેદી બાંધી. એ આજ સુધી યહોવા-શાલોમ*+ નામે ઓળખાય છે. એ વેદી આજે પણ અબીએઝેરીઓના ઓફ્રાહ શહેરમાં છે.
૨૫ એ રાતે યહોવાએ ગિદિયોનને કહ્યું: “તારા પિતાનો આખલો* લે, જે સાત વર્ષનો છે. તારા પિતાની બઆલની વેદી તોડી નાખ અને એની પાસેનો ભક્તિ-થાંભલો* કાપી નાખ.+ ૨૬ તું આ ટેકરા પર પથ્થરો ગોઠવીને યહોવા તારા ઈશ્વર માટે વેદી બનાવ. પછી આખલો* લે અને જે ભક્તિ-થાંભલો તું કાપી નાખે, એનાં લાકડાં પર એનું અગ્નિ-અર્પણ* ચઢાવ.” ૨૭ એટલે ગિદિયોને પોતાના ચાકરોમાંથી દસ માણસો લીધા અને યહોવાના કહેવા પ્રમાણે જ કર્યું. તેણે એ કામ દિવસે નહિ પણ રાતે કર્યું, કેમ કે તે પોતાના પિતાના ઘરનાથી અને શહેરના માણસોથી બહુ ડરતો હતો.
૨૮ વહેલી સવારે શહેરના માણસો જાગ્યા. તેઓએ જોયું તો બઆલની વેદી તોડી પાડેલી હતી અને એની પાસેનો ભક્તિ-થાંભલો કાપી નાખવામાં આવ્યો હતો. નવી વેદી બાંધીને એના પર આખલાનું* અર્પણ ચઢાવવામાં આવ્યું હતું. ૨૯ તેઓએ એકબીજાને પૂછ્યું: “આ કોણે કર્યું?” તેઓએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે “એ તો યોઆશના દીકરા ગિદિયોને કર્યું છે.” ૩૦ શહેરના માણસોએ યોઆશને કહ્યું: “તારા દીકરાને બહાર લઈ આવ, આજે તે મરવાનો છે. તેણે બઆલની વેદી તોડી પાડી છે અને એની પાસેનો ભક્તિ-થાંભલો કાપી નાખ્યો છે.” ૩૧ લડવા આવેલા બધા માણસોને યોઆશે+ કહ્યું: “તમે કેમ બઆલનો પક્ષ લો છો? તમે કેમ તેનો બચાવ કરો છો? જે તેનો પક્ષ લે તે આજે સવારે માર્યો જાય.+ જો બઆલ દેવ હોય તો તે પોતાનો બચાવ કરે,+ કેમ કે કોઈએ તેની વેદી તોડી પાડી છે.” ૩૨ એ દિવસે યોઆશે ગિદિયોનનું નામ યરૂબ્બઆલ* પાડ્યું અને કહ્યું: “કોઈએ બઆલની વેદી તોડી પાડી છે, તો પછી બઆલ પોતાનો બચાવ કરે.”
૩૩ બધા મિદ્યાનીઓ,+ અમાલેકીઓ+ અને પૂર્વના લોકો ભેગા મળીને ચઢી આવ્યા.+ તેઓ નદી પાર કરીને યિઝ્રએલના નીચાણ પ્રદેશમાં આવ્યા અને ત્યાં છાવણી નાખી. ૩૪ યહોવાની શક્તિ ગિદિયોન પર ઊતરી આવી+ અને તેણે રણશિંગડું વગાડ્યું.+ એ સાંભળીને અબીએઝેરીઓ+ તેને સાથ આપવા આવી પહોંચ્યા. ૩૫ ગિદિયોને મનાશ્શા કુળની પાસે સંદેશવાહકો મોકલ્યા અને એ લોકો તેની મદદે આવ્યા. તેણે આશેર, ઝબુલોન અને નફતાલીનાં કુળોની પાસે પણ સંદેશવાહકો મોકલ્યા અને એ લોકો પણ આવી પહોંચ્યા.
૩૬ ગિદિયોને સાચા ઈશ્વરને કહ્યું: “તમે વચન આપ્યું છે કે તમે મારા હાથે ઇઝરાયેલીઓને બચાવશો.+ ૩૭ એમ હોય તો, હું અહીં ખળીમાં* ઘેટાનું ઊન પાથરું છું. જો ફક્ત ઊન પર ઝાકળ પડે અને એની આજુબાજુની જમીન કોરી રહે, તો મને ખાતરી થશે કે તમારા વચન પ્રમાણે તમે ઇઝરાયેલને મારા દ્વારા બચાવશો.” ૩૮ બીજા દિવસે ગિદિયોને વહેલી સવારે ઊઠીને જોયું તો, એવું જ બન્યું હતું! તેણે ઊન લઈને નિચોવ્યું તો મોટો વાટકો ભરાય એટલું પાણી નીકળ્યું. ૩૯ ગિદિયોને સાચા ઈશ્વરને કહ્યું: “તમે ગુસ્સે ન થાઓ તો એક વાત કહું. મને હજુ એક વાર કસોટી કરવા દો. આ વખતે ફક્ત ઊન કોરું રહે, પણ બાકીની જમીન ઝાકળથી ભીંજાઈ જાય.” ૪૦ ઈશ્વરે એ રાતે એમ જ કર્યું. ફક્ત ઊન કોરું રહ્યું, બાકીની જમીન ઝાકળથી ભીંજાઈ ગઈ હતી.