નહેમ્યા
૯ સાતમા મહિનાના ૨૪મા દિવસે બધા ઇઝરાયેલીઓ ભેગા મળ્યા. તેઓએ ઉપવાસ કર્યો, કંતાન પહેર્યું અને પોતાના પર ધૂળ નાખી.+ ૨ ઇઝરાયેલના અસલ વંશજોએ પોતાને પરદેશીઓથી અલગ કર્યા.+ તેઓએ ઊભા થઈને પોતાનાં પાપ અને બાપદાદાઓના અપરાધો કબૂલ કર્યાં.+ ૩ તેઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા અને તેઓ આગળ ત્રણ કલાક* સુધી યહોવા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ પછી ત્રણ કલાક સુધી તેઓએ પોતાનાં પાપ કબૂલ કર્યા અને પોતાના ઈશ્વર યહોવાની આગળ જમીન સુધી માથું નમાવ્યું.
૪ લેવીઓ માટે બાંધેલા મંચ+ પર યેશૂઆ, બાની, કાદમીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા,+ બાની અને કનાની ઊભા થયા. તેઓએ મોટેથી પોતાના ઈશ્વર યહોવાને પોકાર કર્યો. ૫ યેશૂઆ, કાદમીએલ, બાની, હાશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા અને પથાહ્યા લેવીઓએ કહ્યું: “ઊભા થાઓ અને તમારા ઈશ્વર યહોવાની યુગોના યુગો સુધી* સ્તુતિ કરો.+ હે ઈશ્વર, તમારા નામની જેટલી સ્તુતિ કરવામાં આવે, જેટલાં ગુણગાન ગાવામાં આવે એટલાં ઓછાં છે. તોપણ તમારા મહિમાવંત નામનો તેઓને જયજયકાર કરવા દો.
૬ “હે યહોવા, તમે જ એકમાત્ર ઈશ્વર છો.+ આકાશો, હા, આકાશોનાં આકાશો અને તેઓનું સૈન્ય, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ તમારા હાથની રચના છે. તમે તેઓનું જીવન ટકાવી રાખો છો. આકાશોનું સૈન્ય તમારી આગળ નમે છે. ૭ તમે જ સાચા ઈશ્વર યહોવા છો, જેમણે ઇબ્રામને પસંદ કર્યા+ અને તેમને ખાલદીઓના* ઉર શહેરમાંથી+ બહાર લઈ આવ્યા. તમે તેમને ઇબ્રાહિમ+ નામ આપ્યું. ૮ તમે જોયું કે તે પૂરા દિલથી તમને વફાદાર છે.+ એટલે તમે તેમની સાથે કરાર કર્યો. તમે તેમને અને તેમના વંશજને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, યબૂસીઓ અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું વચન આપ્યું.+ તમે તમારાં વચનો પાળ્યાં, કેમ કે તમે નેક* છો.
૯ “તમે ઇજિપ્તમાં* અમારા બાપદાદાઓનું દુઃખ જોયું.+ લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. ૧૦ તમે જોયું કે ઇજિપ્તના રાજા,* તેના સેવકો અને તેની પ્રજા ઘમંડી બનીને+ તમારા લોકો પર અત્યાચાર કરે છે. એટલે તમે તેઓ આગળ અદ્ભુત કામો અને ચમત્કારો કર્યાં.+ આમ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ ૧૧ તમે તેઓ આગળ સમુદ્રના બે ભાગ કર્યા અને તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ પણ તેઓનો પીછો કરતા દુશ્મનોને તમે સમુદ્રના ઊંડાણમાં ફેંકી દીધા અને ધસમસતા પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ તેઓ ડૂબી ગયા.+ ૧૨ તમે પોતાના લોકોને દિવસે વાદળના સ્તંભથી દોર્યા અને રાતે અગ્નિના સ્તંભથી તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૧૩ તમે સિનાઈ પર્વત પર ઊતર્યા+ અને સ્વર્ગમાંથી તેઓ સાથે વાત કરી.+ તમે તેઓને ખરા ન્યાયચુકાદા, સાચા નિયમો,* આજ્ઞાઓ અને ઉત્તમ કાયદા-કાનૂન આપ્યાં.+ ૧૪ તમે તેઓને તમારા પવિત્ર સાબ્બાથ*+ વિશે જણાવ્યું. તમારા સેવક મૂસા દ્વારા તમે તેઓને આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો આપ્યાં. ૧૫ તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે આકાશમાંથી ખોરાક આપ્યો.+ તેઓ તરસ્યા હતા ત્યારે તમે ખડકમાંથી પાણી કાઢ્યું.+ તમે તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા, એ દેશને કબજે કરીને એમાં વસવાની આજ્ઞા આપી.
૧૬ “પણ અમારા બાપદાદાઓ ઘમંડી+ અને હઠીલા બન્યા.+ તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. ૧૭ તેઓએ તમારું સાંભળ્યું નહિ.+ તેઓ માટે તમે જે અદ્ભુત કામો કર્યાં હતાં, એને પણ ભૂલી ગયા. તેઓ એટલા હઠીલા બની ગયા કે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવા તેઓએ એક આગેવાન નીમ્યો.+ પણ હે ઈશ્વર, તમે માફ કરવા તૈયાર છો, કરુણા* અને દયા બતાવનાર છો. તમે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ તમે તેઓને ત્યજી દીધા નહિ.+ ૧૮ અરે, તેઓએ પોતાના માટે ધાતુનું વાછરડું* બનાવ્યું અને કહ્યું, ‘હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.’+ તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું. ૧૯ છતાં તમારી અપાર દયાને લીધે તમે તેઓને વેરાન પ્રદેશમાં છોડી દીધા નહિ.+ દિવસે વાદળના સ્તંભથી તમે તેઓને દોર્યા, જે તેઓ ઉપરથી ખસતો ન હતો. રાતે અગ્નિના સ્તંભથી તમે તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૨૦ તેઓને સમજણ આપવા તમે તમારી શક્તિ* આપી.+ તમે તેઓને માન્ના* આપ્યું,+ તેઓ તરસ્યા હતા ત્યારે પાણી પાયું.+ ૨૧ વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ સુધી તમે તેઓને ખોરાક પૂરો પાડ્યો.+ તેઓને કશાની ખોટ પડી નહિ. તેઓનાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ+ કે તેઓના પગ સૂજી ગયા નહિ.
૨૨ “તમે તેઓના હાથમાં દેશો સોંપી દીધા અને એની પ્રજાઓ આપી દીધી અને તેઓનો વિસ્તાર વહેંચી આપ્યો.+ તેઓએ હેશ્બોનના રાજા+ સીહોનનો વિસ્તાર+ અને બાશાનના રાજા ઓગનો વિસ્તાર+ કબજે કર્યો. ૨૩ તમે તેઓના દીકરાઓની સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત કરી.+ જે દેશ કબજે કરવા તમે તેઓના બાપદાદાઓને વચન આપ્યું હતું, એમાં તેઓને દોરી લાવ્યા.+ ૨૪ તેઓએ જઈને એ દેશને કબજે કર્યો.+ તમે એ દેશમાં રહેતા કનાનીઓને તેઓના તાબે કર્યા.+ પછી એ દેશના રાજાઓને અને એની પ્રજાને તેઓના હાથમાં સોંપ્યા, જેથી તમારા લોકો તેઓ સાથે મન ફાવે એમ વર્તી શકે. ૨૫ તેઓએ કિલ્લાવાળાં શહેરો+ જીતી લીધાં અને ફળદ્રુપ જમીનો+ કબજે કરી લીધી. તેઓએ ઉત્તમ વસ્તુઓથી ભરેલાં ઘરો, ખોદેલા ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનવાડીઓ+ અને ફળથી લચી પડેલાં સેંકડો વૃક્ષો કબજે કર્યાં. તેઓ ખાઈ-પીને ધરાયા અને તાજા-માજા થયા. તેઓ તમારી ભલાઈમાં આળોટ્યા.
૨૬ “પણ તમારું માનવાને બદલે તેઓએ તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.+ તેઓએ તમારા નિયમશાસ્ત્રથી મોં ફેરવી લીધું.* તમે પ્રબોધકો મોકલીને ચેતવણી આપી કે તેઓ તમારી પાસે પાછા ફરે, પણ તેઓએ એ પ્રબોધકોને મારી નાખ્યા. તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું.+ ૨૭ એટલે તમે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા.+ એ દુશ્મનોએ તેઓને ખૂબ સતાવ્યા.+ પણ દુઃખના સમયે જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે એવા માણસો ઊભા કર્યા, જે તેઓને દુશ્મનોના પંજામાંથી છોડાવે.+
૨૮ “પણ દુશ્મનોથી છુટકારો મળતાં જ તેઓએ ફરીથી એ કામો કર્યાં, જે તમારી નજરમાં ખરાબ છે.+ તમે તેઓને તરછોડી દીધા અને દુશ્મનોના હવાલે કરી દીધા. દુશ્મનોએ તેઓને કચડી નાખ્યા.*+ પછી તેઓ પાછા ફર્યા અને મદદ માટે તમને પોકાર કર્યો.+ તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે વારંવાર તેઓને છોડાવ્યા.+ ૨૯ તમે અનેક વાર તેઓને સમજાવ્યું કે તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે. પણ તેઓ ઘમંડી બનીને વર્ત્યા અને તમારી આજ્ઞાઓ પાળવાની ના પાડી દીધી.+ તેઓએ એ નિયમો વિરુદ્ધ પાપ કર્યું, જેને પાળવાથી જીવન મળે છે.+ તેઓએ હઠીલા બનીને પીઠ ફેરવી દીધી, પોતાની ગરદન અક્કડ કરી અને તમારું સાંભળ્યું નહિ. ૩૦ તમે વર્ષોનાં વર્ષો ધીરજ બતાવી.+ તમે પ્રબોધકોને તમારી શક્તિથી ભરપૂર કર્યા કે તેઓ વારંવાર ચેતવણી આપે. પણ એ હઠીલા લોકોએ આંખ આડા કાન કર્યા. આખરે તમે તેઓને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા.+ ૩૧ તમારી અપાર દયાને લીધે તમે તેઓનો વિનાશ કર્યો નહિ.+ તમે તેઓને ત્યજી દીધા નહિ, કેમ કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો.+
૩૨ “હે અમારા પરમેશ્વર, તમે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર પાળો છો અને અતૂટ પ્રેમ* બતાવો છો.+ અમે, અમારા રાજાઓએ, અધિકારીઓએ,+ યાજકોએ,+ પ્રબોધકોએ,+ બાપદાદાઓએ અને તમારા બધા લોકોએ આશ્શૂરના રાજાઓના+ દિવસોથી લઈને આજ સુધી જે તકલીફો વેઠી છે એને નજરઅંદાજ ન કરો. ૩૩ અમારા પર જે કંઈ વીત્યું, અમે એને જ લાયક હતા. તમે અમારી સાથે અન્યાય કર્યો નથી. તમે તો વિશ્વાસુ છો, અમે જ દુષ્ટ રીતે વર્તીએ છીએ.+ ૩૪ અમારા રાજાઓ, અધિકારીઓ, યાજકો અને અમારા બાપદાદાઓ તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલ્યા નહિ. તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. તમે તેઓને વારંવાર ચેતવણી આપી,* પણ તેઓએ એને કાન ધરી નહિ. ૩૫ જ્યારે તેઓ પોતાના જ રાજ્યમાં તમારી ભલાઈનો આનંદ માણતા હતા, તમે આપેલા વિશાળ અને ફળદ્રુપ દેશમાં રહેતા હતા, ત્યારે પણ તેઓએ તમારી સેવા કરી નહિ+ અને પોતાનાં ખરાબ કામોથી પાછા ફર્યા નહિ. ૩૬ એટલે આજે અમે ગુલામ છીએ.+ હા, તમે અમારા બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં અમે ગુલામ બની ગયા છીએ. તમે તો તેઓને એ દેશ એની ઊપજ અને ઉત્તમ વસ્તુઓનો આનંદ માણવા આપ્યો હતો. ૩૭ અમારાં પાપોને લીધે અમારા દેશની ભરપૂર ઊપજ હવે એ રાજાઓ ખાઈ જાય છે, જેઓને તમે અમારા પર ઠરાવ્યા છે.+ તેઓ મન ફાવે એમ અમારા પર* અને અમારાં ઢોરઢાંક પર હુકમ ચલાવે છે. અમે દુઃખના ડુંગર નીચે દબાઈ ગયા છીએ.
૩૮ “આ બધું જોતાં અમે લેખિતમાં એક કરાર કરીએ છીએ.+ અમારા અધિકારીઓ, લેવીઓ અને યાજકો એના પર મહોર* મારીને એને ટેકો આપે છે.”+