થેસ્સાલોનિકીઓને બીજો પત્ર
૨ હવે ભાઈઓ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તની હાજરી* વિશે+ અને તેમની સાથે આપણા ભેગા થવા વિશે,+ અમે તમને કંઈક જણાવવા માંગીએ છીએ. ૨ જો કોઈ તમને કહે કે યહોવાનો* દિવસ+ આવી ગયો છે, તો તમે ગૂંચવાશો નહિ* કે ચિંતા કરશો નહિ. જો લોકો કહે કે આ સંદેશો ઈશ્વર તરફથી છે+ અથવા કોઈની પાસેથી તમને એ સાંભળવા મળે અથવા જાણે અમારા તરફથી હોય એવા કોઈ પત્રમાં તમને એ વાંચવા મળે, તોપણ ગભરાશો નહિ.
૩ ધ્યાન રાખજો, કોઈ માણસ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય,* કેમ કે જ્યાં સુધી ઈશ્વર વિરુદ્ધ પહેલા બળવો* ન થાય+ અને દુષ્ટ માણસ,+ એટલે કે વિનાશનો દીકરો+ પ્રગટ ન થાય, ત્યાં સુધી એ દિવસ નહિ આવે. ૪ તે વિરોધ કરવા ઊભો થાય છે અને લોકો જેને દેવ માને છે અથવા જે વસ્તુને ભજે છે* એ બધાં કરતાં પોતાને મોટો મનાવે છે. આમ, બધા લોકો જોઈ શકે એ રીતે તે ઈશ્વરના મંદિરમાં બેસીને પોતાને ઈશ્વર તરીકે રજૂ કરે છે. ૫ શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે, તમને આ વાતો જણાવતો હતો?
૬ તમે જાણો છો કે દુષ્ટ માણસ નક્કી કરેલા સમય પહેલાં જાહેર ન થાય, એ માટે તેને કોણ રોકી રહ્યું છે. ૭ ખરું કે આ દુષ્ટ માણસ એક રહસ્ય છે અને તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે.+ પણ તે ત્યાં સુધી જ રહસ્ય છે, જ્યાં સુધી તેને રોકનાર તેના માર્ગમાં ઊભો છે. ૮ એ પછી, દુષ્ટ માણસ જાહેર થશે અને માલિક ઈસુ પોતાની હાજરી* પ્રગટ કરશે+ ત્યારે, એ દુષ્ટ માણસ કંઈ કરી શકશે નહિ અને આપણા માલિક ઈસુ પોતાની ફૂંકથી તેનો વિનાશ કરશે.+ ૯ પણ એ દુષ્ટ માણસની હાજરી શેતાનના કારણે છે.+ શેતાન તેને શક્તિ આપે છે, જેથી તે શક્તિશાળી કામો, જૂઠી નિશાનીઓ, અદ્ભુત કામો+ ૧૦ અને દરેક પ્રકારની છેતરપિંડી કરી શકે.+ શેતાન તેને એવા લોકોને છેતરવાની શક્તિ આપે છે, જેઓ નાશ તરફ જઈ રહ્યા છે. એ જ તેઓની સજા છે, કેમ કે તેઓ સત્યને સ્વીકારતા નથી અને એને પ્રેમ કરતા નથી. જો તેઓએ એવું કર્યું હોત, તો તેઓનો ઉદ્ધાર થયો હોત. ૧૧ એટલે ઈશ્વર તેઓને જૂઠા શિક્ષણથી છેતરાવા દે છે, જેથી તેઓ જૂઠને સ્વીકારી લે+ ૧૨ અને પરિણામે તેઓ બધાનો ન્યાય થાય, કેમ કે તેઓએ સત્ય સ્વીકાર્યું નહિ, પણ જૂઠમાં આનંદ માણ્યો.
૧૩ યહોવાને* પ્રિય એવા ભાઈઓ, અમારી ફરજ છે કે અમે તમારા માટે ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ, કેમ કે શરૂઆતથી ઈશ્વરે તમને ઉદ્ધાર માટે પસંદ કર્યા છે.+ તમે સત્યમાં શ્રદ્ધા બતાવી છે, એટલે તેમણે પોતાની શક્તિથી તમને પવિત્ર કરીને+ પસંદ કર્યા છે. ૧૪ અમે જણાવેલી ખુશખબર દ્વારા ઈશ્વરે તમને ઉદ્ધાર માટે પસંદ કર્યા* છે, જેથી તમે આપણા માલિક ઈસુ ખ્રિસ્તની જેમ મહિમા મેળવી શકો.+ ૧૫ એટલે ભાઈઓ, દૃઢ ઊભા રહો.+ તમને શીખવેલી વાતોને* વળગી રહો,+ પછી ભલે અમે એ વાતો બોલીને જણાવી હોય કે પત્ર દ્વારા લખીને જણાવી હોય. ૧૬ ઈશ્વર આપણા પિતા આપણને પ્રેમ કરે છે+ અને અપાર કૃપા દ્વારા હંમેશ માટેનો દિલાસો અને અદ્ભુત આશા આપે છે.+ અમે પ્રાર્થના કરીએ છીએ કે તે અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત ૧૭ તમારાં હૃદયોને દિલાસો આપે અને તમને દૃઢ કરે, જેથી તમે દરેક પ્રકારનું ભલું કામ કરી શકો અને સારા શબ્દો બોલી શકો.