હઝકિયેલ
૪૭ પછી તે મને મંદિરના દરવાજે લઈ આવ્યો.+ ત્યાં મેં મંદિરના ઉંબરા નીચેથી પાણી નીકળતું જોયું,+ જે પૂર્વ તરફ વહેતું હતું. મંદિરનો આગલો ભાગ પૂર્વ તરફ હતો. મંદિરની જમણી બાજુથી પાણી વેદીની દક્ષિણ તરફથી વહેતું હતું.
૨ પછી તે મને ઉત્તરના દરવાજાથી બહાર લઈ ગયો.+ તે મને ફેરવીને પૂર્વ તરફ બહારના દરવાજે લઈ આવ્યો.+ મેં જોયું કે ત્યાં જમણી બાજુથી પાણી વહેતું હતું.
૩ એ માણસ હાથમાં માપવાની દોરી+ લઈને પૂર્વ તરફ ગયો. તેણે પૂર્વના દરવાજાથી ૧,૦૦૦ હાથ* અંતર સુધી પાણી માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને પાણી ઘૂંટી સુધી હતું.
૪ પછી તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ ઘૂંટણ સુધી હતું.
તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ કમર સુધી હતું.
૫ તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. ત્યાં પાણી વધીને નદી જેવું થઈ ગયું, જેને ચાલીને પાર કરી શકાય એમ ન હતું. પાણી એટલું ઊંડું હતું કે તરવું પડે. એ નદીમાંથી ચાલીને સામે પાર જવાય એમ ન હતું.
૬ તેણે મને પૂછ્યું: “હે માણસના દીકરા, તેં આ બધું જોયું?”
ત્યાર બાદ તે મને ચલાવીને પાછો નદી કિનારે લઈ આવ્યો. ૭ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે નદીના બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં.+ ૮ તેણે મને કહ્યું: “આ નદી પૂર્વના વિસ્તાર તરફ વહે છે. એ છેક અરાબાહમાંથી*+ વહીને સમુદ્રને* મળશે. જ્યારે એ સમુદ્રને મળશે,+ ત્યારે સમુદ્રનું પાણી મીઠું બનાવી દેશે. ૯ જ્યાં જ્યાં એ પાણી* વહેશે, ત્યાં ત્યાં જાતજાતનાં પ્રાણીઓનાં ટોળાં જીવશે. એમાં પુષ્કળ માછલીઓ પણ જીવશે, કેમ કે આ પાણી ત્યાં વહેશે. એનાથી સમુદ્રનું પાણી મીઠું થઈ જશે અને જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.
૧૦ “એન-ગેદીથી+ છેક એન-એગ્લાઈમ સુધી નદી પાસે માછીમારો ઊભા રહેશે. ત્યાં મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા હશે. મોટા સમુદ્રની*+ માછલીઓની જેમ, ત્યાં જાતજાતની ઢગલાબંધ માછલીઓ હશે.
૧૧ “એ નદીમાં કાદવ-કીચડ અને ખાબોચિયાં હશે. એ જગ્યાઓ મીઠી થશે નહિ, એમાં ખારાશ રહેશે.+
૧૨ “નદીના બંને કિનારે જાતજાતનાં વૃક્ષો ઊગશે, જેનાં પર પુષ્કળ ફળો લાગશે. એનાં પાંદડાં કદી કરમાશે નહિ, એને ફળ આવવાનાં બંધ થશે નહિ. એને દર મહિને નવાં ફળ લાગશે, કેમ કે એને મળતું પાણી મંદિરમાંથી વહેતું હશે.+ એ વૃક્ષોનાં ફળ ખાવા માટે હશે અને એનાં પાંદડાં દવા માટે હશે.”+
૧૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલનાં ૧૨ કુળોને તમે આ વિસ્તાર વારસા તરીકે વહેંચી આપજો. યૂસફને બમણો ભાગ મળશે.+ ૧૪ તમે એનો વારસો લેશો અને તમને એકસરખો ભાગ મળશે.* મેં તમારા બાપદાદાઓને આ દેશ આપવાના સમ ખાધા હતા.+ હવે એ હું તમને વારસા તરીકે આપું છું.
૧૫ “ઉત્તર તરફની સરહદ આ છે: એ મોટા સમુદ્રથી હેથ્લોન+ થઈને સદાદ+ તરફ છે. ૧૬ એ હમાથ,+ બેરોથાહ+ અને સિબ્રાઇમ જાય છે, જે દમસ્કના વિસ્તાર અને હમાથના વિસ્તારની વચ્ચે આવેલું છે. પછી એ હૌરાનની+ હદ પાસે આવેલા હાસેર-હાત્તીકોન જાય છે. ૧૭ એટલે એ હદ સમુદ્રથી હસાર-એનોન સુધી છે.+ એ હદ ઉત્તરે દમસ્કની હદ સાથે અને હમાથની હદ સાથે છે.+ આ ઉત્તરની સરહદ છે.
૧૮ “પૂર્વ તરફની સરહદ હૌરાન અને દમસ્ક વચ્ચેથી નીકળે છે. એ ગિલયાદ+ અને ઇઝરાયેલ દેશની વચ્ચેથી યર્દનને કિનારે કિનારે જાય છે. તમારે એ હદથી પૂર્વના સમુદ્ર* સુધીનું અંતર માપવું. આ પૂર્વની સરહદ છે.
૧૯ “દક્ષિણ તરફની સરહદ તામારથી મરીબોથ-કાદેશના પાણી+ સુધી છે. ત્યાંથી એ વહેળા* અને મોટા સમુદ્ર સુધી જાય છે.+ આ દક્ષિણની સરહદ છે.
૨૦ “પશ્ચિમ તરફ મોટો સમુદ્ર છે, જે દક્ષિણની સરહદથી લઈને લીબો-હમાથની* સામે સુધી છે.+ આ પશ્ચિમની સરહદ છે.”
૨૧ “આ જગ્યા તમારી વચ્ચે, એટલે કે ઇઝરાયેલનાં ૧૨ કુળો વચ્ચે વહેંચી લેવી. ૨૨ એ જગ્યા વારસા તરીકે તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે વહેંચી લેવી, જેઓનાં બાળકો તમારા દેશમાં પેદા થયાં હોય. તમારી નજરમાં તેઓ ઇઝરાયેલમાં જન્મેલા વતનીઓ જેવા થાય. ઇઝરાયેલનાં કુળોમાં તેઓ તમારી સાથે વારસો મેળવશે. ૨૩ પરદેશી માણસ જે કુળના વિસ્તારમાં રહેતો હોય, એમાં તમારે તેને વારસો આપવો,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.