૨૧ રાજાનું દિલ યહોવાના હાથમાં પાણીની ધારા જેવું છે,+
તે પોતાની ઇચ્છા પ્રમાણે એને વાળે છે.+
૨ માણસને પોતાના બધા માર્ગો સાચા લાગે છે,+
પણ યહોવા દિલ તપાસે છે.+
૩ યહોવાને બલિદાનો કરતાં
ખરાં અને ન્યાયી કામોથી વધારે ખુશી મળે છે.+
૪ અહંકારી આંખો અને ઘમંડી હૃદય પાપ છે,
એ દીવાની જેમ દુષ્ટના માર્ગમાં પ્રકાશ પાથરે છે.+
૫ મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે,+
પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.+
૬ જૂઠું બોલીને ભેગી કરેલી સંપત્તિ,
ઝાકળની જેમ ઊડી જાય છે અને એ જીવલેણ ફાંદા જેવી છે.+
૭ દુષ્ટોની હિંસા જ તેઓનો સફાયો કરી દેશે,+
કેમ કે તેઓ ન્યાયથી વર્તવાની ના પાડે છે.
૮ દોષિત માણસનો રસ્તો વાંકો હોય છે,
પણ નિર્દોષનો રસ્તો સીધો હોય છે.+
૯ ઝઘડાળુ પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+
ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.
૧૦ દુષ્ટનું મન બૂરાઈ કરવામાં ડૂબેલું રહે છે,+
તે પોતાના પડોશીને દયા બતાવતો નથી.+
૧૧ મશ્કરી કરનારને સજા થતી જોઈને ભોળો માણસ હોશિયાર બને છે,
બુદ્ધિમાન માણસને ઊંડી સમજણ મળે ત્યારે તે જ્ઞાન મેળવે છે.+
૧૨ ન્યાયી ઈશ્વરની નજર દુષ્ટના ઘર પર રહે છે,
તે દુષ્ટને ઊથલાવીને તેનો નાશ કરે છે.+
૧૩ જે માણસ ગરીબનો પોકાર સાંભળીને કાન બંધ કરે છે,
તે માણસનો પણ પોકાર સાંભળવામાં નહિ આવે.+
૧૪ ખાનગીમાં આપેલી ભેટ ગુસ્સો શાંત પાડે છે+
અને છૂપી રીતે આપેલી લાંચ ક્રોધ શમાવી દે છે.
૧૫ નેક માણસને ન્યાયી રીતે વર્તવામાં ખુશી મળે છે,+
પણ દુષ્ટો ન્યાયી કામોને ધિક્કારે છે.
૧૬ જે માણસ સમજણનો માર્ગ છોડી દે છે,
તે મરેલા લોકોની સાથે રહેશે.+
૧૭ મોજશોખનો પ્રેમી કંગાળ થઈ જશે,+
દ્રાક્ષદારૂ અને તેલનો શોખીન ધનવાન થશે નહિ.
૧૮ નેકનો જીવ બચાવવા દુષ્ટ માણસ ખંડણી તરીકે અપાય છે
અને સજ્જનને બદલે દુર્જન અપાય છે.+
૧૯ ઝઘડાળુ અને ચિડિયલ પત્ની સાથે રહેવા કરતાં+
વેરાન પ્રદેશમાં જઈને રહેવું વધારે સારું.
૨૦ બુદ્ધિશાળીના ઘરે કીમતી ખજાનો અને તેલ હોય છે,+
પણ મૂર્ખ પોતાનું સર્વસ્વ વેડફી નાખે છે.+
૨૧ જે કોઈ ખરું કરવા મહેનત કરે છે અને અતૂટ પ્રેમ બતાવે છે,
તેને જીવન, નેકી અને સન્માન મળે છે.+
૨૨ બુદ્ધિશાળી માણસ શૂરવીરોના શહેરને જીતી લે છે
અને જે તાકાત પર તેઓ ભરોસો રાખતા હતા, એને તોડી પાડે છે.+
૨૩ જે પોતાનાં મોં અને જીભ પર કાબૂ રાખે છે,
તે મુસીબતથી દૂર રહે છે.+
૨૪ જે ઉતાવળો બનીને પોતાની મર્યાદા ઓળંગે છે,+
તે અહંકારી, ઘમંડી અને બડાઈખોર કહેવાય છે.
૨૫ આળસુ માણસની લાલસા તેનો જીવ લઈ લેશે,
કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.+
૨૬ તે આખો દિવસ કંઈક મેળવવાની લાલચ રાખે છે,
પણ નેક માણસ ઉદારતાથી આપે છે અને હાથ પાછો રાખતો નથી.+
૨૭ જો દુષ્ટના બલિદાનને ઈશ્વર ધિક્કારતા હોય,+
તો ખરાબ ઇરાદાથી ચઢાવેલા તેના બલિદાનને તે કેટલું વધારે ધિક્કારશે!
૨૮ જૂઠા સાક્ષીનો નાશ થશે,+
પણ જે ધ્યાનથી સાંભળીને બોલે છે, તેની સાક્ષી ટકી રહેશે.
૨૯ દુષ્ટના ચહેરા પર જરાય લાજ-શરમ હોતી નથી,+
પણ સીધા માણસનો રસ્તો સલામત હોય છે.+
૩૦ યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ, સમજણ કે સલાહ ટકી શકતી નથી.+
૩૧ યુદ્ધના દિવસ માટે ઘોડા તૈયાર કરવામાં આવે છે,+
પણ ઉદ્ધાર તો યહોવા પાસેથી જ મળે છે.+