૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,+
તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+
૨ નેક લોકો વધે ત્યારે લોકો આનંદ કરે છે,
પણ દુષ્ટના રાજમાં લોકો નિસાસા નાખે છે.+
૩ બુદ્ધિને ચાહનાર માણસ પિતાને ખુશ કરે છે,+
પણ વેશ્યાની સંગત રાખનાર બધી સંપત્તિ ઉડાવી દે છે.+
૪ ન્યાયથી રાજા દેશને સ્થિર કરે છે,+
પણ લાંચ લેનાર માણસ દેશને બરબાદ કરે છે.
૫ જે માણસ પડોશીની ખુશામત કરે છે,
તે પડોશીના પગ માટે જાળ પાથરે છે.+
૬ ખરાબ માણસના ગુનાઓ તેને ફાંદામાં ફસાવે છે,+
પણ નેક માણસ ખુશીનો પોકાર કરે છે અને નાચી ઊઠે છે.+
૭ નેક માણસને ગરીબના કાનૂની હકની ચિંતા હોય છે,+
પણ દુષ્ટને એની કંઈ પડી હોતી નથી.+
૮ બડાઈ હાંકનારા લોકો આખા ગામમાં આગ ચાંપે છે+
પણ બુદ્ધિમાન લોકો ગુસ્સો શાંત પાડે છે.+
૯ મૂર્ખ પર મુકદ્દમો કરીને બુદ્ધિમાન પોતાની શાંતિ ગુમાવે છે,
કેમ કે મૂર્ખ ગુસ્સે ભરાય છે અને મજાક ઉડાવે છે.+
૧૦ લોહીના તરસ્યા લોકો નિર્દોષને ધિક્કારે છે,+
તેઓ નેક માણસનો જીવ લેવા મથે છે.
૧૧ મૂર્ખ પોતાના મનની ભડાસ બહાર કાઢે છે,+
પણ બુદ્ધિમાન ગુસ્સા પર કાબૂ રાખે છે.+
૧૨ જ્યારે અધિકારી જૂઠાણાં પર ધ્યાન આપે છે,
ત્યારે તેના બધા સેવકો દુષ્ટ બને છે.+
૧૩ ગરીબ અને તેના પર જુલમ કરનારમાં એક વાત સામાન્ય છે,
યહોવા એ બંનેની આંખોને રોશની આપે છે.
૧૪ જે રાજા ગરીબનો સાચો ન્યાય કરે છે,+
તેની રાજગાદી હંમેશાં સલામત રહેશે.+
૧૫ સોટી અને ઠપકો બુદ્ધિ આપે છે,+
પણ જે બાળક પર કોઈ રોકટોક ન હોય,
તે પોતાની માને શરમમાં મૂકે છે.
૧૬ દુષ્ટો વધે ત્યારે ગુના વધે છે,
પણ નેક લોકો તેઓની બરબાદી જોશે.+
૧૭ તારા દીકરાને શિસ્ત આપ, એટલે તે તને તાજગી આપશે
અને તારા દિલને ખુશ કરશે.+
૧૮ ઈશ્વરનું માર્ગદર્શન ન હોય તો લોકો મનમાની કરે છે,+
પણ નિયમ પાળનારા લોકો સુખી છે.+
૧૯ ચાકર ફક્ત શબ્દોથી સુધરતો નથી,
કેમ કે તે સમજે તો છે, પણ કંઈ માનતો નથી.+
૨૦ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે વિચાર્યા વગર બોલે છે?+
એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.+
૨૧ જો ચાકરને બાળપણથી માથે ચઢાવવામાં આવે,
તો સમય જતાં તે ઉપકાર ભૂલી જશે.
૨૨ ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે+
અને વાતે વાતે ગુસ્સે થનાર ઘણા અપરાધ કરી બેસે છે.+
૨૩ માણસનું ઘમંડ તેને નીચે પાડશે,+
પણ નમ્ર માણસને ઊંચો કરવામાં આવશે.+
૨૪ ચોરનો ભાગીદાર પોતે આફત વહોરી લે છે.
સાક્ષી આપવા બોલાવો તોપણ તે મોં ખોલતો નથી.+
૨૫ માણસોનો ડર એક ફાંદો છે,+
પણ યહોવા પર ભરોસો રાખનારનું રક્ષણ થશે.+
૨૬ અધિકારી પાસે જવા ઘણા લોકો પ્રયત્નો કરે છે,
પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળે છે.+
૨૭ નેક માણસ અન્યાય કરનારને ધિક્કારે છે,+
પણ દુષ્ટ માણસ સાચા માર્ગે ચાલનારને ધિક્કારે છે.+