નિર્ગમન
૧૮ મૂસાના સસરા એટલે કે, મિદ્યાનના યાજક યિથ્રોને+ જાણવા મળ્યું કે યહોવાએ મૂસા અને ઇઝરાયેલીઓ માટે કેવાં કાર્યો કર્યાં છે અને તેઓને ઇજિપ્તમાંથી કઈ રીતે બહાર કાઢ્યા છે.+ ૨ મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના પિતા યિથ્રો પાસે રહેવા મોકલી હતી. યિથ્રોએ તેને પોતાની સાથે રાખી હતી. ૩ સિપ્પોરાહ સાથે તેના બે દીકરાઓ પણ હતા.+ એકનું નામ ગેર્શોમ* હતું,+ કેમ કે મૂસાએ કહ્યું, “પારકા દેશમાં હું પરદેશી થયો છું.” ૪ બીજા દીકરાનું નામ એલીએઝર* હતું, કેમ કે મૂસાએ કહ્યું, “મારા પિતાના ઈશ્વર મારા મદદગાર છે. તેમણે મને ઇજિપ્તના રાજાની તલવારથી બચાવ્યો છે.”+
૫ મૂસાની પત્ની અને તેના દીકરાઓને લઈને યિથ્રો વેરાન પ્રદેશમાં મૂસા પાસે આવ્યો. એ સમયે મૂસાએ સાચા ઈશ્વરના પર્વત પાસે છાવણી નાખી હતી.+ ૬ યિથ્રોએ મૂસાને સંદેશો મોકલ્યો: “હું તારો સસરો યિથ્રો,+ તારી પત્ની અને તારા બે દીકરાઓને લઈને તારી પાસે આવી રહ્યો છું.” ૭ મૂસા તરત જ પોતાના સસરાને મળવા બહાર ગયો. મૂસાએ તેને પ્રણામ કરીને ચુંબન કર્યું. તેઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા અને પછી તેઓ તંબુમાં ગયા.
૮ મૂસાએ સસરાને જણાવ્યું કે યહોવાએ ઇઝરાયેલીઓને બચાવવા ઇજિપ્ત અને એના રાજાના કેવા હાલ કર્યા.+ તેણે એ પણ જણાવ્યું કે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી માર્ગમાં કેવી તકલીફો પડી+ અને યહોવાએ તેઓને કઈ રીતે બચાવ્યા. ૯ ઇઝરાયેલીઓને ઇજિપ્તના હાથમાંથી છોડાવીને યહોવાએ તેઓ પર જે કૃપા બતાવી હતી, એ વિશે સાંભળીને યિથ્રો ઘણો ખુશ થયો. ૧૦ યિથ્રોએ કહ્યું: “યહોવાની સ્તુતિ થાઓ! તેમણે તમને બધાને ઇજિપ્ત અને તેના રાજાના હાથમાંથી છોડાવ્યા અને ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ કર્યા. ૧૧ હવે હું જાણું છું કે બીજા બધા દેવો કરતાં યહોવા સૌથી મહાન છે,+ કેમ કે તેમણે પોતાના લોકોનું રક્ષણ કરવા ઘમંડી અને ક્રૂર દુશ્મનોના બૂરા હાલ કર્યા છે.” ૧૨ ત્યાર બાદ, મૂસાનો સસરો યિથ્રો ઈશ્વરને અગ્નિ-અર્પણ અને બલિદાનો ચઢાવવા અમુક પ્રાણીઓ લઈને આવ્યો. પછી સાચા ઈશ્વર આગળ હારુન અને ઇઝરાયેલના બધા વડીલો યિથ્રો સાથે ભોજન કરવા આવ્યા.
૧૩ બીજા દિવસે, મૂસા રોજની જેમ ન્યાય કરવા બેઠો. સવારથી લઈને સાંજ સુધી લોકો મૂસા પાસે આવીને ઊભા રહેતા. ૧૪ મૂસા લોકો માટે જે કરતો એ બધું તેના સસરાએ જોયું. તેણે મૂસાને પૂછ્યું: “તું કેમ આવું કરે છે? તું કેમ એકલો બેસે છે અને લોકો સવારથી સાંજ સુધી તારી પાસે કેમ આવે છે?” ૧૫ મૂસાએ કહ્યું: “લોકો ઈશ્વરની ઇચ્છા જાણવા મારી પાસે આવે છે. ૧૬ બે માણસો વચ્ચે તકરાર ઊભી થાય ત્યારે, તેઓ ન્યાય માટે મારી પાસે આવે છે. હું તેઓની તકરારનો ઉકેલ લાવું છું અને તેઓને સાચા ઈશ્વરના નિર્ણયો અને નિયમો જણાવું છું.”+
૧૭ મૂસાના સસરાએ તેને કહ્યું: “તું જે કરે છે એ બરાબર નથી. ૧૮ જો આવું જ ચાલતું રહ્યું, તો તું અને તારી પાસે આવતા લોકો જલદી જ થાકી જશો. આ કામનો બોજો બહુ ભારે છે. એકલા હાથે એ કરવું તારા ગજા બહાર છે. ૧૯ મારું સાંભળ, હું તને એક સલાહ આપું છું. ઈશ્વર તારી સાથે રહેશે.+ લોકો વતી તું સાચા ઈશ્વર સાથે વાત કર+ અને લોકોની તકરારો સાચા ઈશ્વર આગળ રજૂ કર.+ ૨૦ તું લોકોને ઈશ્વરના નિયમો અને કાયદાઓ શીખવ.+ લોકોએ કયા માર્ગે જવું જોઈએ અને શું કરવું જોઈએ એ જણાવ. ૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+ ૨૨ તકરાર ઊભી થાય ત્યારે* તેઓ ન્યાય કરે. તેઓને નાની તકરારોનો ઉકેલ લાવવા દે. પણ જે તકરારનો ઉકેલ લાવવો મુશ્કેલ હોય, ફક્ત એ જ તેઓ તારી પાસે લાવે.+ આમ કામ વહેંચી લેવાથી તારો બોજો હળવો થશે.+ ૨૩ જો તું એમ કરે અને ઈશ્વર પણ તને એમ કરવાની આજ્ઞા આપે, તો તારી ચિંતા ઓછી થશે અને બધા લોકો શાંતિએ ઘરે પાછા જશે.”
૨૪ મૂસાએ તરત જ તેના સસરાની વાત માની અને તેના કહ્યા પ્રમાણે કર્યું. ૨૫ મૂસાએ આખા ઇઝરાયેલમાંથી કાબેલ માણસો પસંદ કર્યા અને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે નીમ્યા. ૨૬ તકરાર ઊભી થતી ત્યારે તેઓ લોકોનો ન્યાય કરતા. નાની તકરારનો ઉકેલ તેઓ પોતે લાવતા, પણ મુશ્કેલ તકરાર તેઓ મૂસા પાસે લાવતા.+ ૨૭ એ પછી, મૂસાએ પોતાના સસરાને વિદાય આપી+ અને યિથ્રો પોતાના દેશમાં પાછો ગયો.