૧૨ જે શિસ્તને ચાહે છે, તે જ્ઞાનને ચાહે છે,+
પણ જે ઠપકાને ધિક્કારે છે, તે મૂર્ખ છે.+
૨ સારો માણસ યહોવાની કૃપા મેળવે છે,
પણ કાવતરાં ઘડનારને ઈશ્વર ધિક્કારે છે.+
૩ દુષ્ટતા કરીને કોઈ માણસ સલામત રહી શકતો નથી,+
પણ નેક માણસને કદી ઉખેડી નાખવામાં નહિ આવે.
૪ સારી પત્ની પતિના માથાનો મુગટ છે,+
પણ પતિને શરમમાં મૂકતી પત્ની તેનાં હાડકાં સડાવી દે છે.+
૫ સજ્જનના વિચારો સાચા છે,
પણ દુર્જનની સલાહ કપટથી ભરેલી છે.
૬ દુષ્ટની વાતો જીવલેણ ફાંદા જેવી છે,+
પણ નેક માણસના શબ્દો બચાવી લે છે.+
૭ દુષ્ટોનો નાશ થાય ત્યારે તેઓનું નામનિશાન ભૂંસાઈ જાય છે,
પણ નેક માણસનું ઘર કાયમ ટકે છે.+
૮ સમજી-વિચારીને બોલનારની પ્રશંસા થાય છે,+
પણ કપટી દિલના માણસનો તિરસ્કાર થાય છે.+
૯ જેને ખાવાના ઠેકાણા નથી, છતાં બડાઈ મારે છે
એના કરતાં તો સામાન્ય માણસ સારો, જેની પાસે એકાદ નોકર છે.+
૧૦ ભલો માણસ પોતાનાં જાનવરોની સંભાળ રાખે છે,+
જ્યારે કે દુષ્ટની તો દયા પણ ક્રૂર હોય છે.
૧૧ પોતાની જમીન ખેડનાર પેટ ભરીને ખાશે,+
પણ નકામી વસ્તુઓ પાછળ દોડનાર મૂર્ખ છે.
૧૨ દુષ્ટ માણસ તો ખરાબ લોકોએ પકડેલા શિકારની ઈર્ષા કરે છે,
પણ નેક માણસનાં મૂળ ઊંડાં હોવાથી સારાં ફળ આપે છે.
૧૩ નીચ માણસ પોતાની જ પાપી વાતોમાં ફસાઈ જાય છે,+
પણ સારો માણસ મુશ્કેલીમાંથી બચી જાય છે.
૧૪ માણસના શબ્દો તેનું ભલું કરશે+
અને તેના હાથનાં કામોનું તેને ઇનામ મળશે.
૧૫ મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે,+
પણ બુદ્ધિમાન માણસ સલાહ સ્વીકારે છે.+
૧૬ મૂર્ખ તરત ગુસ્સે થઈ જાય છે,+
પણ સમજુ માણસ અપમાન ગળી જાય છે.
૧૭ વિશ્વાસુ સાક્ષી સાચું બોલે છે,
પણ જૂઠો સાક્ષી કપટથી બોલે છે.
૧૮ વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે,
પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.+
૧૯ સાચું બોલતા હોઠ કાયમ ટકશે,+
પણ જૂઠું બોલતી જીભ બહુ નહિ ટકે.+
૨૦ કાવતરું ઘડનારના દિલમાં કપટ હોય છે,
પણ શાંતિ ફેલાવનાર ખુશ રહે છે.+
૨૧ સજ્જનને કદી આંચ આવતી નથી,+
પણ દુર્જનનું જીવન સંકટથી ભરાયેલું રહે છે.+
૨૨ જૂઠા હોઠોને યહોવા ધિક્કારે છે,+
પણ વફાદાર લોકોથી તે ખુશ થાય છે.
૨૩ શાણો માણસ માહિતી છૂપી રાખે છે,
પણ મૂર્ખ છાપરે ચઢીને પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+
૨૪ મહેનતુ માણસ રાજ કરશે,+
પણ આળસુ માણસે કાળી મજૂરી કરવી પડશે.+
૨૫ માણસના મનની ચિંતા તેને નિરાશ કરી દે છે,+
પણ ઉત્તેજન આપતા શબ્દોથી તેનું દિલ ખુશ થાય છે.+
૨૬ નેક માણસ પોતાના માટે ઉત્તમ ગૌચર શોધે છે,
પણ દુષ્ટો પોતાના માર્ગે ચાલ્યા જાય છે અને ભટકી જાય છે.
૨૭ આળસુ માણસ પોતાના શિકાર પાછળ પડતો નથી,+
પણ મહેનત તો માણસનો કીમતી ખજાનો છે.
૨૮ સત્યનો માર્ગ જીવન તરફ લઈ જાય છે,+
એ માર્ગમાં મરણ નથી.