ગણના
૨૩ પછી બલામે બાલાકને કહ્યું: “અહીં મારા માટે સાત વેદીઓ બાંધો+ અને સાત આખલા અને સાત નર ઘેટા તૈયાર કરો.” ૨ બાલાકે તરત જ બલામના કહેવા પ્રમાણે કર્યું. પછી બાલાક અને બલામે દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+ ૩ ત્યાર બાદ, બલામે બાલાકને કહ્યું: “તમે અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું હમણાં આવું છું. બની શકે કે યહોવા મારી આગળ પ્રગટ થાય. તે મને જે કંઈ જણાવશે, એ હું તમને કહીશ.” એટલું કહીને બલામ એક ઉજ્જડ ટેકરી પર ગયો.
૪ પછી બલામ આગળ ઈશ્વર પ્રગટ થયા.+ બલામે તેમને કહ્યું: “મેં હરોળમાં સાત વેદીઓ બાંધી છે. મેં દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો છે.” ૫ યહોવાએ બલામના મોંમાં શબ્દો મૂક્યા અને તેને કહ્યું:+ “બાલાક પાસે પાછો જા અને તેને આમ આમ કહે.” ૬ તેથી બલામ પાછો ગયો. તેણે બાલાક અને મોઆબના વડીલોને અગ્નિ-અર્પણ પાસે ઊભેલા જોયા. ૭ પછી બલામે આ ભવિષ્યવચન કહ્યું:+
“મોઆબના રાજા બાલાકે મને અરામથી બોલાવ્યો,+
હા, મને આમ કહીને પૂર્વના પહાડોથી લઈ આવ્યો:
‘મારા માટે યાકૂબને શ્રાપ આપવા આવો.
હા, ઇઝરાયેલને દોષિત ઠરાવવા આવો.’+
૮ પણ હું કઈ રીતે એ લોકોને શ્રાપ આપી શકું, જેઓને ઈશ્વરે શ્રાપ આપ્યો નથી?
હું કઈ રીતે એ લોકોને દોષિત ઠરાવી શકું, જેઓને યહોવાએ દોષિત ઠરાવ્યા નથી?+
૯ ખડકોની ટોચ પરથી હું તેઓને જોઉં છું,
ટેકરીઓ પરથી હું તેઓને નિહાળું છું.
જુઓ, એ પ્રજા એકલી રહે છે;+
તેઓ પોતાને બીજાઓ કરતાં અલગ ગણે છે.+
૧૦ યાકૂબની સંખ્યા ધૂળની રજકણો જેટલી છે,+ એને કોણ ગણી શકે?
શું ઇઝરાયેલના ચોથા ભાગની પણ કોઈ ગણતરી કરી શકે?
મને નેક માણસો જેવું મોત મળે,
મારા જીવનનો અંત તેઓના જેવો જ આવે.”
૧૧ બાલાકે બલામને કહ્યું: “આ તેં શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શ્રાપ આપવા બોલાવ્યો હતો, પણ તેં તેઓને ફક્ત આશીર્વાદ જ આપ્યો!”+ ૧૨ બલામે કહ્યું: “યહોવા મારા મોંમાં જે શબ્દો મૂકે છે,+ શું એ જ મારે ન બોલવા જોઈએ?”
૧૩ બાલાકે તેને કહ્યું: “મારી સાથે બીજી જગ્યાએ ચાલ. ત્યાંથી તું બધા નહિ, ફક્ત થોડા ઇઝરાયેલીઓને જોઈ શકીશ. ત્યાંથી તેઓને મારા માટે શ્રાપ આપ.”+ ૧૪ બાલાક તેને પિસ્ગાહના શિખર પર+ સોફીમના મેદાનમાં લઈ ગયો. ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+ ૧૫ બલામે બાલાકને કહ્યું: “અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું ઈશ્વર સાથે વાત કરીને આવું છું.” ૧૬ યહોવાએ બલામ આગળ પ્રગટ થઈને તેના મોંમાં શબ્દો મૂક્યા અને તેને કહ્યું:+ “બાલાક પાસે પાછો જા અને તેને આમ આમ કહે.” ૧૭ તેથી બલામ પાછો ગયો અને જોયું તો બાલાક અગ્નિ-અર્પણ પાસે તેની રાહ જોઈ રહ્યો હતો. તેની સાથે મોઆબના વડીલો પણ ઊભા હતા. બાલાકે તેને પૂછ્યું: “યહોવાએ તને શું કહ્યું?” ૧૮ પછી તેણે આ ભવિષ્યવચન કહ્યું:+
“હે બાલાક, ઊભા થાઓ અને મારું સાંભળો.
હે સિપ્પોરના દીકરા, મારી વાત કાને ધરો.
૧૯ ઈશ્વર કોઈ માણસ નથી કે જૂઠું બોલે,+
તે મનુષ્ય નથી કે પોતાનું મન બદલે.*+
જો તે કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે?
જો તે કોઈ વચન આપે, તો શું એને નહિ નિભાવે?+
૨૦ જુઓ! મને આશીર્વાદ આપવાની આજ્ઞા મળી છે;
તેમણે આશીર્વાદ આપ્યો છે+ અને હું એ બદલી શકતો નથી.+
૨૧ તે યાકૂબ વિરુદ્ધ કોઈ મેલીવિદ્યા ચાલવા દેશે નહિ,
તે ઇઝરાયેલ પર કોઈ આફત આવવા દેશે નહિ.
તેઓના ઈશ્વર યહોવા તેઓની સાથે છે,+
તેઓ તેમનો રાજા તરીકે જયજયકાર કરે છે.
૨૨ ઈશ્વર તેઓને ઇજિપ્તમાંથી બહાર લાવ્યા છે.+
તે તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે.+
૨૩ યાકૂબ વિરુદ્ધ કોઈ મેલીવિદ્યા સફળ થશે નહિ,+
હા, ઇઝરાયેલ પર કોઈ જાદુવિદ્યા કામ કરશે નહિ.+
હવે યાકૂબ અને ઇઝરાયેલ વિશે લોકો કહેશે:
‘ઈશ્વરે તેઓ માટે કરેલાં મહાન કામો જુઓ!’
૨૪ એ પ્રજા સિંહની જેમ ઊઠશે,
હા, સિંહની જેમ ઊભી થશે.+
જ્યાં સુધી એ પોતાનો શિકાર ખાઈ ન લે,
અને એનું લોહી પી ન લે, ત્યાં સુધી નિરાંતે બેસશે નહિ.”
૨૫ બાલાકે બલામને કહ્યું: “જો તું તેઓને શ્રાપ આપી શકતો ન હોય, તો તારે તેઓને આશીર્વાદ પણ ન આપવો જોઈએ.” ૨૬ બલામે બાલાકને કહ્યું: “શું મેં તમને કહ્યું ન હતું કે, ‘યહોવા કહેશે એ જ હું કરીશ’?”+
૨૭ બાલાકે બલામને કહ્યું: “હવે ચાલ, મારી સાથે બીજી જગ્યાએ આવ. કદાચ સાચા ઈશ્વરની નજરમાં એ સારું લાગે કે તું તેઓને એ જગ્યાએથી શ્રાપ આપે.”+ ૨૮ બાલાક બલામને પેઓરના શિખર પર લઈ ગયો, જ્યાંથી યશીમોન* દેખાય છે.+ ૨૯ પછી બલામે બાલાકને કહ્યું: “અહીં મારા માટે સાત વેદીઓ બાંધો અને સાત આખલા અને સાત નર ઘેટા તૈયાર કરો.”+ ૩૦ બાલાકે તરત જ બલામના કહેવા પ્રમાણે કર્યું. તેણે દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.