લેવીય
૨૧ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: “હારુનના દીકરાઓ, એટલે કે યાજકો સાથે વાત કર અને તેઓને કહે, ‘પોતાના લોકોમાંથી* જો કોઈનું મરણ થાય, તો યાજક એ મરેલી વ્યક્તિ માટે પોતાને અશુદ્ધ ન કરે.*+ ૨ પણ તે પોતાનાં નજીકનાં સગાં, એટલે કે પોતાની માતા, પોતાના પિતા, પોતાનો દીકરો, પોતાની દીકરી અને પોતાના ભાઈ માટે પોતાને અશુદ્ધ કરી શકે. ૩ તે પોતાની એવી બહેન માટે પણ પોતાને અશુદ્ધ કરી શકે, જે કુંવારી છે, તેની સાથે રહે છે* અને તેનું લગ્ન થયું નથી. ૪ પણ તે એવી કોઈ પણ સ્ત્રી માટે પોતાને અશુદ્ધ અને અપવિત્ર ન કરે, જે તેના લોકોમાંથી* કોઈની પત્ની હોય. ૫ મરેલી વ્યક્તિ માટે યાજકો પોતાનાં માથાં ન મૂંડાવે+ અથવા પોતાની દાઢી બાજુએથી* ન મૂંડાવે અથવા પોતાનાં શરીર પર કાપા ન પાડે.*+ ૬ તેઓ પોતાના ઈશ્વર માટે પવિત્ર થાય+ અને પોતાના ઈશ્વરના નામનું અપમાન ન કરે,+ કેમ કે તેઓ પોતાના ઈશ્વરને ખોરાક, એટલે કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો રજૂ કરે છે. તેઓ પવિત્ર હોવા જ જોઈએ.+ ૭ તેઓ કોઈ વેશ્યા જોડે,+ ભ્રષ્ટ* થયેલી સ્ત્રી જોડે અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી જોડે+ લગ્ન ન કરે, કેમ કે યાજક પોતાના ઈશ્વર આગળ પવિત્ર હોવો જોઈએ. ૮ તમે બધા લોકો યાજકને પવિત્ર ગણો,+ કેમ કે તે તમારા ઈશ્વરને ખોરાક ચઢાવે છે. તેને તમે પવિત્ર ગણો, કેમ કે તમને બધાને પવિત્ર કરનાર હું યહોવા પવિત્ર છું.+
૯ “‘જો યાજકની દીકરી વેશ્યા બનીને પોતાને ભ્રષ્ટ કરે, તો તે પોતાના પિતાનું અપમાન કરે છે. તેને મારી નાખીને આગમાં બાળી દેવી.+
૧૦ “‘ભાઈઓમાંથી જે પ્રમુખ યાજક* હોય, તે પોતાના માથાના વાળ ન વિખેરે અથવા પોતાનાં કપડાં ન ફાડે.+ કેમ કે તેના માથા પર અભિષેકનું તેલ રેડવામાં આવ્યું છે+ અને તેને યાજકનાં ખાસ કપડાં પહેરવા+ નિયુક્ત કરવામાં* આવ્યો છે. ૧૧ તે કોઈ પણ મરેલી વ્યક્તિની નજીક ન જાય.+ અરે, પોતાના પિતા કે મા મરણ પામે તોપણ, તે પોતાને અશુદ્ધ ન કરે. ૧૨ તે પવિત્ર જગ્યાની બહાર ન જાય અને પોતાના ઈશ્વરની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ ન કરે,+ કેમ કે તેના ઈશ્વરનું અભિષેકનું તેલ,+ એટલે કે સમર્પણની નિશાની તેના પર છે. હું યહોવા છું.
૧૩ “‘તે કુંવારી સ્ત્રી સાથે જ લગ્ન કરે.+ ૧૪ તે કોઈ વિધવા, છૂટાછેડા પામેલી સ્ત્રી, ભ્રષ્ટ* થયેલી સ્ત્રી અથવા વેશ્યા સાથે લગ્ન ન કરે. તે પોતાના લોકોમાંથી* એવી સ્ત્રી સાથે જ લગ્ન કરે, જે કુંવારી હોય. ૧૫ તે મારી આજ્ઞા પ્રમાણે જ કરે, કેમ કે હું યહોવા છું અને મેં તેને પવિત્ર કર્યો છે. જો તે એમ નહિ કરે, તો તેના આખા કુટુંબમાં તેનાં બાળકો અશુદ્ધ થઈ જશે.’”+
૧૬ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૭ “હારુનને કહે, ‘પેઢી દર પેઢી તારા વંશજમાંથી જો કોઈને ખોડખાંપણ હોય, તો તે પોતાના ઈશ્વરને ખોરાક ચઢાવવા વેદી પાસે ન આવે. ૧૮ ખોડખાંપણવાળો આવો કોઈ પણ માણસ ઈશ્વરને ખોરાક ચઢાવવા પાસે ન આવે: આંધળો કે લૂલો કે ચહેરાનો આકાર બગડેલો હોય એવો* કે એક હાથ અથવા પગ લાંબો હોય એવો, ૧૯ હાથ કે પગનું હાડકું ભાંગ્યું હોય એવો, ૨૦ ખૂંધો કે ઠીંગણો* કે આંખમાં ખામીવાળો કે ખરજવાવાળો કે દાદરવાળો કે જાતીય અંગમાં* નુકસાન હોય એવો.+ ૨૧ હારુન યાજકના વંશજમાંથી જે કોઈને ખોડખાંપણ હોય, તે યહોવા માટે આગમાં અર્પણો ચઢાવવા વેદી પાસે ન આવે. તેને ખોડખાંપણ હોવાથી તે પોતાના ઈશ્વરને ખોરાક ચઢાવવા વેદી પાસે ન આવે. ૨૨ તે ઈશ્વરને ચઢાવેલા ખોરાકમાંથી, એટલે કે પવિત્ર વસ્તુમાંથી+ અને ખૂબ પવિત્ર વસ્તુમાંથી ખાઈ શકે.+ ૨૩ પણ તે પડદાની+ પાસે કે વેદીની+ પાસે ન આવે, કેમ કે તેને ખોડખાંપણ છે. તે મારી પવિત્ર જગ્યાને+ ભ્રષ્ટ ન કરે, કેમ કે હું યહોવા છું, જે તેઓને પવિત્ર કરે છે.’”+
૨૪ તેથી મૂસાએ હારુન અને તેના દીકરાઓ અને બધા ઇઝરાયેલીઓને એ બધું જણાવ્યું.