યોહાન
૨૧ એ પછી ઈસુ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરીથી દેખાયા. એ આ પ્રમાણે બન્યું: ૨ ત્યાં સિમોન પિતર, થોમા (જે જોડિયો કહેવાતો),+ ગાલીલના કાના ગામનો નથાનિયેલ,+ ઝબદીના દીકરાઓ+ અને ઈસુના બીજા બે શિષ્યો હતા. ૩ સિમોન પિતરે તેઓને કહ્યું: “હું માછલીઓ પકડવા જાઉં છું.” તેઓએ તેને કહ્યું: “અમે પણ તારી સાથે આવીએ છીએ.” તેઓ બધા હોડીમાં નીકળ્યા, પણ આખી રાત તેઓના હાથમાં એક પણ માછલી આવી નહિ.+
૪ સવાર થઈ ત્યારે, ઈસુ સરોવર કિનારે ઊભા હતા. પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે એ ઈસુ છે.+ ૫ ઈસુએ તેઓને પૂછ્યું: “બાળકો, શું તમારી પાસે કંઈ ખાવાનું છે?”* તેઓએ કહ્યું: “ના!” ૬ તેમણે કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો અને તમને થોડી માછલીઓ મળશે.” એટલે તેઓએ જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી ન શક્યા.+ ૭ ઈસુને જે શિષ્ય વહાલો હતો,+ તેણે પિતરને કહ્યું: “એ તો માલિક છે!” જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે એ માલિક છે, ત્યારે પોતે ઉઘાડો* હોવાથી તેણે ઝભ્ભો પહેરી લીધો. તે સરોવરમાં કૂદી પડ્યો. ૮ બીજા શિષ્યો નાની હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતાં ખેંચતાં આવ્યા. તેઓ કિનારાથી બહુ દૂર નહિ, ફક્ત ૯૦ મીટર* જેટલા અંતરે હતા.
૯ તેઓ કિનારે આવ્યા ત્યારે જોયું કે સળગતા કોલસા પર માછલીઓ મૂકેલી હતી અને રોટલી પણ હતી. ૧૦ ઈસુએ તેઓને કહ્યું: “હમણાં તમે જે માછલીઓ પકડી, એમાંથી થોડી અહીં લાવો.” ૧૧ એટલે સિમોન પિતર હોડીમાં ચઢીને જાળ કિનારે ખેંચી લાવ્યો. એમાં ૧૫૩ મોટી મોટી માછલીઓ હતી. એટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી નહિ. ૧૨ ઈસુએ તેઓને કહ્યું: “આવો, નાસ્તો કરી લો.” તે માલિક છે એ જાણતા હોવાથી, શિષ્યોમાંથી કોઈએ એવું પૂછવાની હિંમત ન કરી કે “તમે કોણ છો?” ૧૩ ઈસુએ રોટલી લઈને તેઓને આપી અને એવી જ રીતે માછલીઓ પણ આપી. ૧૪ મરણમાંથી જીવતા થયા પછી, ઈસુ આ ત્રીજી વાર+ શિષ્યોને દેખાયા હતા.
૧૫ તેઓએ નાસ્તો કર્યો એ પછી ઈસુએ સિમોન પિતરને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તેણે કહ્યું: “હા માલિક, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ તેને કહ્યું: “મારાં ઘેટાંને* ખવડાવ.”+ ૧૬ ઈસુએ તેને બીજી વાર પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું: “હા માલિક, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંની* સંભાળ રાખ.”+ ૧૭ ઈસુએ તેને ત્રીજી વાર પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તને મારા પર પ્રેમ છે?” પિતર બહુ દુઃખી થયો કે ઈસુએ તેને ત્રીજી વાર પૂછ્યું હતું, “તને મારા પર પ્રેમ છે?” તેણે કહ્યું: “માલિક, તમે બધું જાણો છો. તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને* ખવડાવ.+ ૧૮ તું યુવાન હતો ત્યારે, તારી જાતે કપડાં પહેરતો અને મન ફાવે ત્યાં જતો. પણ હું તને સાચે જ કહું છું કે તું ઘરડો થશે ત્યારે, તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ માણસ તને કપડાં પહેરાવશે. તારે જ્યાં જવું નહિ હોય ત્યાં તે લઈ જશે.” ૧૯ ઈસુ એમ સૂચવવા આવું કહેતા હતા કે પિતરને મારી નાખવામાં આવશે. પિતર અંત સુધી વફાદાર રહ્યા હોવાથી ઈશ્વરને મહિમા મળશે. પછી તેમણે પિતરને જણાવ્યું: “મારી પાછળ ચાલતો રહે.”+
૨૦ પિતરે ફરીને જોયું તો ઈસુનો વહાલો શિષ્ય પાછળ આવતો હતો.+ આ એ જ શિષ્ય હતો, જેણે સાંજના ભોજન સમયે ઈસુની છાતી તરફ નમીને પૂછ્યું હતું: “માલિક, તમને દગો દેનાર કોણ છે?” ૨૧ એ શિષ્યને જોઈને પિતરે ઈસુને પૂછ્યું: “માલિક, આ માણસનું શું થશે?” ૨૨ ઈસુએ તેને કહ્યું: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું? તું મારી પાછળ ચાલતો રહે.” ૨૩ આમ ભાઈઓમાં વાત ફેલાઈ ગઈ કે આ શિષ્ય મરશે નહિ. ઈસુએ તેને એવું કહ્યું ન હતું કે તે મરશે નહિ, પણ એવું કહ્યું હતું: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું?”
૨૪ આ એ જ શિષ્ય છે,+ જે આ બધા વિશે સાક્ષી આપે છે. તેણે જ આ બધી વાતો લખી છે. અમે જાણીએ છીએ કે તેની સાક્ષી ખરી છે.
૨૫ આમ તો ઈસુએ બીજાં ઘણાં કામ કર્યાં હતાં. જો એના વિશે બધી માહિતી નોંધવામાં આવે, તો મને લાગે છે કે એટલાં બધાં પુસ્તકો લખાય કે આખી દુનિયામાં નહિ સમાય.+