પ્રેરિતોનાં કાર્યો
૨૩ યહૂદી ન્યાયસભાની સામે ધારીને જોતા પાઉલે કહ્યું: “ભાઈઓ, આજ સુધી હું ઈશ્વર આગળ એકદમ સાફ દિલ* રાખીને જીવ્યો છું.”+ ૨ એ સાંભળીને પ્રમુખ યાજક અનાન્યાએ પાઉલની નજીક ઊભેલા લોકોને હુકમ કર્યો કે તેને તમાચો મારે. ૩ પાઉલે તેને કહ્યું: “ઓ ઢોંગી,* ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠો છે, પણ મને મારવાનો હુકમ કરીને તું જ નિયમશાસ્ત્રનો ભંગ કરે છે. શું એ બરાબર છે?” ૪ પાઉલની નજીક ઊભેલા લોકોએ કહ્યું: “શું તું ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરે છે?” ૫ પાઉલે કહ્યું: “ભાઈઓ, હું જાણતો ન હતો કે તે પ્રમુખ યાજક છે. કેમ કે લખેલું છે, ‘તમારા અધિકારી વિરુદ્ધ તમારે ખરાબ બોલવું નહિ.’”+
૬ પાઉલને ખ્યાલ આવ્યો કે ટોળાનો એક ભાગ સાદુકીઓનો છે અને બીજો ભાગ ફરોશીઓનો છે. એટલે તે યહૂદી ન્યાયસભામાં પોકારી ઊઠ્યો: “ભાઈઓ, હું ફરોશી છું,+ ફરોશીઓનો દીકરો છું. ગુજરી ગયેલા જીવતા થશે એવી આશાને લીધે મારા પર મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે.” ૭ તેની વાત સાંભળીને ફરોશીઓ અને સાદુકીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો અને સભામાં ફૂટ પડી. ૮ કેમ કે સાદુકીઓનું કહેવું છે કે મરણમાંથી જીવતા થવું શક્ય નથી અને દૂતો જેવું કંઈ નથી.* પણ ફરોશીઓ એ બધામાં માને છે.*+ ૯ એટલે ઘણી ધમાલ મચી ગઈ અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊભા થયા અને ગુસ્સે ભરાઈને દલીલ કરવા લાગ્યા: “અમને આ માણસમાં કોઈ વાંક-ગુનો જોવા મળતો નથી. પણ જો ઈશ્વરની શક્તિએ કે દૂતે તેની સાથે વાત કરી હોય,+ તો . . .” ૧૦ ઝઘડો ઘણો વધી ગયો ત્યારે, લશ્કરી ટુકડીનો સેનાપતિ ગભરાયો કે તેઓ પાઉલના ટુકડે-ટુકડા કરી નાખશે. તેણે સૈનિકોને આજ્ઞા કરી કે નીચે જઈને તેઓની વચ્ચેથી પાઉલને ખેંચી લાવે અને સૈનિકોના રહેઠાણે લઈ જાય.
૧૧ એ રાતે માલિક ઈસુએ પાઉલ પાસે ઊભા રહીને કહ્યું: “હિંમત રાખ!+ જેમ યરૂશાલેમમાં તું મારા વિશે પૂરી સાક્ષી આપતો આવ્યો છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે.”+
૧૨ દિવસ ઊગ્યો ત્યારે યહૂદીઓએ કાવતરું ઘડ્યું. તેઓએ સોગંદ લીધા કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે, ત્યાં સુધી ખાશે કે પીશે નહિ. ૧૩ ૪૦ કરતાં વધારે માણસોએ એવા સોગંદ લીધા હતા. ૧૪ આ માણસો મુખ્ય યાજકો અને વડીલો પાસે ગયા અને કહ્યું: “અમે સોગંદ લીધા છે કે પાઉલને મારી ન નાખીએ ત્યાં સુધી અમે કંઈ પણ ખાઈએ તો, અમારા પર શ્રાપ આવી પડે. ૧૫ તમે યહૂદી ન્યાયસભા સાથે મળીને લશ્કરી ટુકડીના સેનાપતિને ખબર મોકલો કે તે પાઉલને તમારી પાસે લાવે. તમે એવું બહાનું કાઢજો કે તમારે તેના મુકદ્દમાની પૂરેપૂરી તપાસ કરવી છે. પણ તે નજીક પહોંચે એ પહેલાં અમે તેને પતાવી દઈશું.”
૧૬ પાઉલનો ભાણિયો સાંભળી ગયો કે તેઓએ સંતાઈને હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. તેણે સૈનિકોના રહેઠાણમાં જઈને પાઉલને એ વાતની ખબર આપી. ૧૭ પાઉલે એક લશ્કરી અધિકારીને પોતાની પાસે બોલાવીને કહ્યું: “આ યુવાનને સેનાપતિ પાસે લઈ જાઓ, કેમ કે તે એક મહત્ત્વની ખબર આપવા માંગે છે.” ૧૮ તે તેને લઈને સેનાપતિ પાસે ગયો અને કહ્યું: “કેદી પાઉલે મને બોલાવ્યો અને આ યુવાનને તમારી પાસે લઈ આવવાનું કહ્યું, કેમ કે તે તમને એક મહત્ત્વની ખબર આપવા માંગે છે.” ૧૯ ત્યારે સેનાપતિ એ યુવાનનો હાથ પકડીને તેને એક બાજુ લઈ ગયો અને પૂછ્યું: “તારે મને શું ખબર આપવી છે?” ૨૦ તેણે કહ્યું: “યહૂદીઓએ તમને એવી વિનંતી કરવાનું નક્કી કર્યું છે કે કાલે પાઉલને ન્યાયસભામાં લાવવો, જાણે તેઓને પાઉલના મુકદ્દમા વિશે પૂરેપૂરી તપાસ કરવી હોય.+ ૨૧ પણ તમે તેઓની વાતમાં આવી જશો નહિ, કેમ કે ૪૦ કરતાં વધારે માણસો પાઉલ પર હુમલો કરવા સંતાઈને બેઠા છે. તેઓએ સોગંદ લીધા છે કે તેઓ પાઉલને મારી ન નાખે ત્યાં સુધી, જો કંઈ ખાય કે પીએ, તો તેઓ પર શ્રાપ આવે.+ તેઓ તૈયાર બેઠા છે, તમે હા પાડો એની જ રાહ જોઈ રહ્યા છે.” ૨૨ એટલે સેનાપતિએ આવો હુકમ આપીને યુવાનને જવા દીધો: “કોઈને કહેતો નહિ કે તેં મને આ ખબર આપી છે.”
૨૩ તેણે બે લશ્કરી અધિકારીઓને બોલાવીને કહ્યું: “રાતે નવેક વાગ્યે* કાઈસારીઆ કૂચ કરવા માટે ૨૦૦ સૈનિકો, ૭૦ ઘોડેસવારો અને ૨૦૦ ભાલાધારી સૈનિકોને તૈયાર કરો. ૨૪ પાઉલની સવારી માટે ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રાજ્યપાલ ફેલિક્સ પાસે પહોંચાડો.” ૨૫ પછી તેણે પત્રમાં લખ્યું:
૨૬ “માનનીય રાજ્યપાલ ફેલિક્સને ક્લોદિયસ લુસિયસની સલામ! ૨૭ આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો અને તેને મારી નાખવાના હતા. પણ મને ખબર પડી કે તે રોમન છે,+ એટલે હું મારા સૈનિકો લઈને તરત જ ત્યાં પહોંચ્યો અને તેને બચાવ્યો.+ ૨૮ તેઓ કયા કારણથી તેના પર આરોપ મૂકે છે, એ જાણવા હું તેને તેઓની યહૂદી ન્યાયસભામાં લઈ ગયો.+ ૨૯ મને ખ્યાલ આવ્યો કે તેઓના નિયમશાસ્ત્રના મતભેદો વિશે તેના પર આરોપ લાગ્યો હતો,+ પણ તેને મરણ કે કેદની સજા કરવી પડે એવો એકેય આરોપ તેના પર ન હતો. ૩૦ પણ તેની વિરુદ્ધ ઘડવામાં આવેલા કાવતરાની મને જાણ કરવામાં આવી,+ એટલે હું તરત તેને તમારી પાસે મોકલું છું અને ફરિયાદીઓને હુકમ કરું છું કે તેની વિરુદ્ધનો આરોપ તમારી આગળ રજૂ કરે.”
૩૧ એ સૈનિકો હુકમ પ્રમાણે પાઉલને એ જ રાતે અંતિપાત્રિસ લઈ આવ્યા.+ ૩૨ બીજા દિવસે, તેઓએ ઘોડેસવારોને તેની સાથે આગળ જવા દીધા, પણ તેઓ સૈનિકોના રહેઠાણે પાછા ફર્યા. ૩૩ ઘોડેસવારોએ કાઈસારીઆમાં પ્રવેશ કર્યો. તેઓએ રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો. ૩૪ રાજ્યપાલે પત્ર વાંચ્યો અને પૂછ્યું કે તે કયા પ્રાંતનો છે. તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે.+ ૩૫ રાજ્યપાલે કહ્યું, “તારા ફરિયાદીઓ આવશે ત્યારે,+ હું તને બોલવાની પૂરેપૂરી તક આપીશ.” તેણે હુકમ કર્યો કે પાઉલને હેરોદના મહેલમાં* પહેરા નીચે રાખવામાં આવે.