નિર્ગમન
૩૧ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “જો! મેં યહૂદા કુળના બઝાલએલને+ પસંદ કર્યો છે.* તે ઉરીનો દીકરો અને હૂરનો પૌત્ર છે.+ ૩ હું તેને મારી પવિત્ર શક્તિથી* ભરપૂર કરીશ. હું તેને દરેક પ્રકારની કારીગરી કરવા ડહાપણ, સમજણ અને જ્ઞાન આપીશ, ૪ જેથી તે ભાતભાતના નમૂના બનાવે અને નકશીકામ કરે; સોના-ચાંદી અને તાંબાની વસ્તુઓ બનાવે; ૫ કીમતી પથ્થરો કાપવાનું અને એને જડવાનું કામ કરે+ અને લાકડામાંથી દરેક પ્રકારની વસ્તુઓ બનાવે.+ ૬ બઝાલએલને મદદ કરવા મેં આહોલીઆબને+ પસંદ કર્યો છે. આહોલીઆબ દાન કુળના અહીસામાખનો દીકરો છે. બધા કારીગરોને હું ડહાપણથી ભરપૂર કરું છું, જેથી તેઓ આ બધી વસ્તુઓ બનાવે જેની મેં તને આજ્ઞા આપી છે:+ ૭ મુલાકાતમંડપ,+ સાક્ષીકોશ+ અને એનું ઢાંકણ,+ મંડપનો બધો સામાન, ૮ મેજ+ અને એનાં વાસણો, ચોખ્ખા સોનાની દીવી અને એનાં વાસણો,+ ધૂપવેદી,+ ૯ અગ્નિ-અર્પણની વેદી+ અને એનાં વાસણો, કુંડ અને એને મૂકવાની ઘોડી,+ ૧૦ બારીક વણેલાં વસ્ત્રો, હારુન યાજક માટે પવિત્ર વસ્ત્રો, તેના દીકરાઓ યાજકો તરીકે સેવા આપે માટે તેઓનાં વસ્ત્રો,+ ૧૧ અભિષેક કરવાનું તેલ અને પવિત્ર જગ્યા માટે સુગંધી ધૂપ.+ મેં તને આજ્ઞા આપી છે એ પ્રમાણે તેઓ બધું બનાવે.”
૧૨ યહોવાએ મૂસાને કહ્યું: ૧૩ “ઇઝરાયેલીઓને કહે કે, ‘તમે મારો સાબ્બાથ ચોક્કસ પાળો,+ કેમ કે મેં તમારી સાથે જે કરાર કર્યો છે, એની એ નિશાની છે. એ નિશાની પેઢી દર પેઢી તમને યાદ અપાવશે કે મેં, યહોવાએ તમને પવિત્ર કર્યાં છે. ૧૪ તમારે સાબ્બાથ પાળવો, કેમ કે એ તમારા માટે પવિત્ર છે.+ જો કોઈ સાબ્બાથનો નિયમ તોડે, તો તે માર્યો જાય. જો કોઈ એ દિવસે કંઈ પણ કામ કરે, તો તેને મારી નાખવો.+ ૧૫ તમે છ દિવસ કામ કરો પણ સાતમા દિવસે, એટલે કે, સાબ્બાથના દિવસે પૂરો આરામ કરો.+ એ દિવસ યહોવા માટે પવિત્ર છે. જો કોઈ સાબ્બાથના દિવસે કામ કરે, તો તે માર્યો જાય. ૧૬ ઇઝરાયેલીઓએ સાબ્બાથ પાળવો જ જોઈએ. તેઓ પેઢી દર પેઢી સાબ્બાથ પાળતા રહે. એ કરાર* હંમેશ માટે છે. ૧૭ મારી અને ઇઝરાયેલીઓ વચ્ચે સાબ્બાથ કાયમની નિશાની છે,+ કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું અને સાતમા દિવસે આરામ લીધો.’”+
૧૮ સિનાઈ પર્વત પર મૂસા સાથે વાત પૂરી કર્યા પછી, ઈશ્વરે તેને સાક્ષીલેખની* બે પાટીઓ આપી.+ પથ્થરની એ પાટીઓ પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું.+