પ્રેરિતોનાં કાર્યો
૭ પછી, પ્રમુખ યાજકે પૂછ્યું: “શું આ વાતો સાચી છે?” ૨ સ્તેફને જવાબ આપ્યો: “ભાઈઓ અને પિતા સમાન વડીલો, સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહીમ હારાનમાં રહેવા ગયા, એ અગાઉ તે મેસોપોટેમીયામાં રહેતા હતા. ત્યાં મહિમાવંત ઈશ્વરે તેમને દર્શન આપ્યું ૩ અને કહ્યું: ‘તારા દેશમાંથી અને તારાં સગાઓ વચ્ચેથી નીકળી જા અને હું તને જે દેશ બતાવું ત્યાં જા.’ ૪ પછી, તે ખાલ્દીઓના દેશથી નીકળી ગયા અને હારાનમાં જઈને વસ્યા. ત્યાં તેમના પિતાના મરણ બાદ ઈશ્વરે તેમને આ દેશમાં વસાવ્યા જ્યાં તમે હાલમાં રહો છો. ૫ તોપણ, ઈશ્વરે તેમને એમાં કોઈ વારસો આપ્યો નહિ. ના, પગ મૂકવા જેટલી જગ્યા પણ નહિ; પરંતુ, ઈશ્વરે તેમને વચન આપ્યું કે આ દેશ તેમને અને તેમના વંશજને* વારસા તરીકે આપશે. એ સમયે તો તેમને કોઈ બાળક પણ ન હતું. ૬ વધુમાં, ઈશ્વરે તેમને જણાવ્યું કે જે દેશ તેઓનો નથી, ત્યાં તેમના વંશજ* પરદેશી તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓને દુઃખ આપશે.* ૭ તેમ જ, ઈશ્વરે કહ્યું: ‘તેઓ જે દેશની ગુલામી કરશે, એનો હું ન્યાય કરીશ અને આમ થયા પછી તેઓ એ દેશમાંથી નીકળી આવશે અને આ જગ્યાએ મારી પવિત્ર સેવા કરશે.’
૮ “તેમણે ઈબ્રાહીમ સાથે સુન્નતનો* કરાર પણ કર્યો. તે ઇસહાકના પિતા બન્યા અને તેમણે આઠમા દિવસે ઇસહાકની સુન્નત કરી. ઇસહાક યાકૂબના પિતા બન્યા* અને યાકૂબ ૧૨ સંતાનોના પિતા બન્યા, જેઓ કુળપિતાઓ* બન્યા. ૯ અને કુળપિતાઓને પોતાના ભાઈ યુસફની અદેખાઈ થઈ અને તેઓએ તેમને ઇજિપ્તમાં વેચી દીધા. પરંતુ, ઈશ્વર તેમની સાથે હતા; ૧૦ ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારૂનની* નજરમાં કૃપા પામે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. ફારૂને તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર ઉપર અધિકારી નીમ્યા. ૧૧ પછી, આખા ઇજિપ્ત અને કનાનમાં દુકાળ પડ્યો; હા, મોટી મુસીબત આવી પડી અને આપણા બાપદાદાઓને કંઈ ખાવા ન મળ્યું. ૧૨ પણ, યાકૂબે સાંભળ્યું કે ઇજિપ્તમાં અનાજનો પુરવઠો છે. એટલે, તેમણે આપણા બાપદાદાઓને પહેલી વાર ત્યાં મોકલ્યા. ૧૩ તેઓ બીજી વાર ગયા ત્યારે, યુસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી અને ફારૂનને યુસફના કુટુંબ વિશે ખબર પડી. ૧૪ એટલે, યુસફે સંદેશો મોકલાવ્યો અને કનાનથી પોતાના પિતા યાકૂબ અને બધાં સગાંને બોલાવી લીધાં; તેઓ બધા મળીને ૭૫ લોકો* હતા. ૧૫ તેથી, યાકૂબ ઇજિપ્ત ગયા અને ત્યાં તે તથા આપણા બાપદાદાઓ મરણ પામ્યા. ૧૬ તેઓને શખેમ લઈ જવામાં આવ્યા અને શખેમમાં જે કબર હમોરના દીકરાઓ પાસેથી ઈબ્રાહીમે ચાંદીના સિક્કા આપીને ખરીદી હતી, ત્યાં તેઓને મૂકવામાં આવ્યા.
૧૭ “ઈશ્વરે ઈબ્રાહીમને આપેલું વચન પૂરું થવાનો સમય નજીક આવતો ગયો તેમ, ઇજિપ્તમાં આપણા લોકો વધતા ગયા અને તેઓની સંખ્યા ઘણી થઈ. ૧૮ ત્યાર બાદ, ઇજિપ્તમાં બીજો રાજા ઊભો થયો, જે યુસફને જાણતો ન હતો. ૧૯ આ રાજા આપણી જાતિ સાથે કપટી રીતે વર્ત્યો અને આપણા પિતાઓ સાથે ક્રૂરતાથી વર્તીને તેઓને મજબૂર કર્યા કે, તેઓનાં નાનાં બાળકો જીવતાં ન રહે, એ માટે તેઓને ત્યજી દે. ૨૦ એ સમયે મુસાનો જન્મ થયો અને તે ઘણા સુંદર* હતા. ત્રણ મહિના સુધી મુસાનો તેમના પિતાના ઘરમાં ઉછેર થયો. ૨૧ પરંતુ, તેમને ત્યજી દેવામાં આવ્યા ત્યારે, ફારૂનની દીકરીએ તેમનો સ્વીકાર કર્યો અને પોતાના દીકરાની જેમ તેમનો ઉછેર કર્યો. ૨૨ તેથી, મુસાને ઇજિપ્તનું સર્વ શિક્ષણ આપવામાં આવ્યું. હકીકતમાં, તે બોલવામાં ચપળ અને કાર્યોમાં શક્તિશાળી હતા.
૨૩ “હવે, તે ૪૦ વર્ષના થયા ત્યારે, તેમના દિલમાં થયું* કે તે પોતાના ભાઈઓ, એટલે કે ઇઝરાયેલીઓને મળવા જાય.* ૨૪ જ્યારે તેમણે જોયું કે તેઓમાંના એક સાથે ઇજિપ્તનો માણસ અન્યાય કરી રહ્યો છે, ત્યારે તેમણે પોતાના ભાઈને બચાવ્યો અને તેને થયેલા અન્યાયનો બદલો લેવા ઇજિપ્તના પેલા માણસને મારી નાખ્યો. ૨૫ મુસાને લાગ્યું કે તેમના ભાઈઓ સમજશે કે તેમના હાથે ઈશ્વર તેઓને આઝાદી આપી રહ્યા છે, પણ તેઓ એ સમજ્યા નહિ. ૨૬ બીજા દિવસે બે ઇઝરાયેલીઓ લડતા હતા, એવામાં મુસા આવ્યા અને તેઓ વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું: ‘તમે ભાઈઓ છો. તમે શા માટે એકબીજા સાથે લડો છો?’ ૨૭ પરંતુ, જે માણસ બીજા સાથે લડતો હતો, તેણે મુસાને ધક્કો મારીને કહ્યું: ‘તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ ઠરાવ્યો છે? ૨૮ ગઈકાલે તેં ઇજિપ્તના પેલા માણસને મારી નાખ્યો, એ રીતે શું તું મને પણ મારી નાખવા માંગે છે?’ ૨૯ આ સાંભળીને મુસા ભાગી ગયા અને મિદ્યાન દેશમાં પરદેશી તરીકે રહ્યા, જ્યાં તે બે દીકરાઓના પિતા બન્યા.
૩૦ “અને ૪૦ વર્ષો પસાર થયાં. એ પછી, સિનાઈ પહાડના વેરાન પ્રદેશમાં બળતા ઝાડવાની જ્વાળાઓમાં એક દૂતે મુસાને દર્શન આપ્યું. ૩૧ મુસા એ દૃશ્ય જોઈને નવાઈ પામ્યા. પણ, એને ધ્યાનથી જોવા તે નજીક જતા હતા ત્યારે, યહોવાનો* અવાજ સંભળાયો: ૩૨ ‘હું તારા પૂર્વજોનો ઈશ્વર છું, ઈબ્રાહીમનો અને ઇસહાકનો અને યાકૂબનો ઈશ્વર છું.’ મુસા ધ્રૂજવા લાગ્યા અને તેમણે વધારે આગળ જઈને જોવાની હિંમત ન કરી. ૩૩ યહોવાએ* તેમને કહ્યું: ‘તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે તું જે જગ્યાએ ઊભો છે એ પવિત્ર જગ્યા છે. ૩૪ ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો અત્યાચાર મેં સાચે જ જોયો છે, તેઓના નિસાસા મેં સાંભળ્યા છે અને તેઓને બચાવવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, હું તને ઇજિપ્ત મોકલીશ.’ ૩૫ આ એ જ મુસા હતા, જેમનો તેઓએ આમ કહીને નકાર કર્યો હતો: ‘તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ ઈશ્વરે ઝાડવામાં દર્શન આપનાર દૂત દ્વારા તેમને જ અધિકારી અને છોડાવનાર તરીકે મોકલ્યા. ૩૬ આ જ મુસા નિશાનીઓ અને અદ્ભુત કામો કરીને તેઓને ઇજિપ્ત અને લાલ સમુદ્રમાંથી બહાર દોરી લાવ્યા. તેમણે વેરાન પ્રદેશમાં પણ ૪૦ વર્ષો દરમિયાન એવાં જ અદ્ભુત કામો કર્યાં હતાં.
૩૭ “આ એ જ મુસા હતા, જેમણે ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક તમારા માટે ઊભો કરશે.’ ૩૮ મુસા ઇઝરાયેલના લોકો વચ્ચે વેરાન પ્રદેશમાં હતા; તે સિનાઈ પહાડ પર દૂત સાથે હતા. મુસાએ આપણા બાપદાદાઓ સાથે વાત કરી હતી. તેમણે તમને આપવા માટે એવાં પવિત્ર વચનો મેળવ્યાં હતાં, જે સદા ટકી રહે છે. ૩૯ આપણા બાપદાદાઓએ તેમની વાત માનવાની ના પાડી અને તેઓએ તેમને ગણકાર્યા નહિ અને પોતાના દિલમાં ઇજિપ્ત પાછા ફરવાનાં સપનાં જોવાં લાગ્યાં. ૪૦ તેઓએ હારૂનને કહ્યું: ‘અમને દોરવા અમારા માટે દેવો બનાવ. કેમ કે અમને ઇજિપ્ત દેશમાંથી બહાર દોરી લાવનાર મુસાનું શું થયું, એ અમે જાણતા નથી.’ ૪૧ એટલે, એ દિવસોમાં તેઓએ એક મૂર્તિ બનાવી, જે વાછરડા જેવી હતી. એની આગળ તેઓ બલિદાન લાવ્યા અને પોતાના હાથના એ કામને લીધે મોજમજા કરવા લાગ્યા. ૪૨ તેથી, ઈશ્વરે તેઓથી મોં ફેરવી લીધું અને તેઓને સૂર્ય, ચંદ્ર અને તારાઓની ભક્તિ કરવા છોડી દીધા. એ વિશે પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે: ‘હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષો સુધી વેરાન પ્રદેશમાં તમે જે અર્પણો અને બલિદાનો ચઢાવ્યાં, એ શું મારાં માટે હતાં? ૪૩ પણ તમે તો મોલોખના* મંડપ અને રમ્ફા દેવના* તારાની મૂર્તિઓ લઈને ફરતા હતા, જે તમે તેઓની ભક્તિ કરવા બનાવી હતી. એટલે, હું તમારો દેશનિકાલ કરીને બાબેલોનની પાર મોકલી દઈશ.’
૪૪ “વેરાન પ્રદેશમાં આપણા બાપદાદાઓ પાસે સાક્ષી આપતો મંડપ હતો. એના વિશે ઈશ્વરે મુસા સાથે વાત કરતા આજ્ઞા આપી હતી. મુસાએ જોયેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવવાનો હતો. ૪૫ પછી, આપણા બાપદાદાઓના દીકરાઓને એ મંડપ વારસામાં મળ્યો. એ મંડપ લઈને તેઓ યહોશુઆ સાથે બીજી પ્રજાઓના દેશમાં ગયા. એ પ્રજાઓને ઈશ્વરે આપણા બાપદાદાઓ આગળથી હાંકી કાઢી હતી. દાઊદના દિવસો સુધી એ મંડપ અહીં જ રહ્યો. ૪૬ દાઊદ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યા અને યાકૂબના ઈશ્વર માટે ઘર* બાંધવાનો લહાવો મળે એ માટે તેમણે અરજ કરી. ૪૭ પણ એ તો સુલેમાન હતા, જેમણે ઈશ્વર માટે ઘર બાંધ્યું. ૪૮ જોકે, સર્વોચ્ચ ઈશ્વર હાથે બનાવેલાં ઘરોમાં રહેતાં નથી, જેમ એક પ્રબોધકે કહ્યું હતું: ૪૯ ‘યહોવા* કહે છે કે, સ્વર્ગ મારું રાજ્યાસન છે અને પૃથ્વી મારા પગનું આસન છે. તમે મારા માટે કેવું ઘર બાંધશો? અથવા, એવી કઈ જગ્યા છે જ્યાં તમે મારા માટે ઘર બાંધશો? ૫૦ એ બધી મારા હાથની રચના નથી શું?’
૫૧ “ઓ હઠીલા માણસો, તમે તમારા હૃદય તથા કાન બંધ કરી દીધા છે,* તમે હંમેશાં પવિત્ર શક્તિનો વિરોધ કરો છો; તમારા બાપદાદાઓએ કર્યું, એવું જ તમે કરો છો. ૫૨ એવો કયો પ્રબોધક છે જેની સતાવણી તમારા બાપદાદાઓએ કરી નથી? હા, નેક માણસના આવવા વિશે જેઓએ અગાઉથી જણાવ્યું, તેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા; અને હવે તમે એ નેક માણસને દગો કર્યો અને મારી નાખ્યા. ૫૩ તમને દૂતો દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું, પણ તમે એ પ્રમાણે ચાલ્યા નહિ.”
૫૪ આ વાતો સાંભળીને તેઓ મનમાં ને મનમાં ગુસ્સાથી સળગી ઊઠ્યા* અને સ્તેફનની સામે દાંત પીસવા લાગ્યા. ૫૫ પરંતુ, તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને આકાશ તરફ એકીટસે જોવા લાગ્યો. તેને ઈશ્વરનો મહિમા દેખાયો અને તેમના જમણા હાથે ઈસુને ઊભા રહેલા જોયા ૫૬ અને તેણે કહ્યું: “જુઓ! હું આકાશને* ખુલ્લું થયેલું અને માણસના દીકરાને* ઈશ્વરના જમણા હાથે ઊભા રહેલા જોઉં છું.” ૫૭ એ સાંભળીને તેઓએ મોટા અવાજે બૂમો પાડી અને પોતાના કાન પર હાથ મૂકી દીધા અને બધા તેની તરફ ધસી ગયા. ૫૮ તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો મારવા લાગ્યા. સાક્ષીઓએ પોતાના ઝભ્ભા શાઊલ નામના યુવાનના પગ આગળ મૂક્યા હતા. ૫૯ તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે, તેણે અરજ કરી: “પ્રભુ ઈસુ, હું મારું જીવન* તમને સોંપું છું.” ૬૦ પછી, ઘૂંટણે પડીને તે મોટા અવાજે પોકારી ઊઠ્યો: “યહોવા,* આ પાપનો દોષ તેઓના માથે મૂકશો નહિ.” આમ કહીને તે મરણની ઊંઘમાં સૂઈ ગયો.