લૂક
૧૯ પછી, ઈસુ યરીખો આવ્યા અને એ શહેરમાંથી પસાર થતા હતા. ૨ હવે, જાખ્ખી નામનો એક માણસ ત્યાં હતો; તે મુખ્ય કર ઉઘરાવનાર હતો અને તે ધનવાન હતો. ૩ તે જોવાનો પ્રયત્ન કરતો હતો કે આ ઈસુ તે કોણ છે, પણ ટોળાને લીધે જોઈ શકતો ન હતો, કેમ કે તે ઠીંગણો હતો. ૪ તેથી, તે દોડીને આગળ ગયો અને તેમને જોવા જંગલી અંજીરીના એક ઝાડ પર ચઢી ગયો, કેમ કે એ રસ્તેથી તે પસાર થવાના હતા. ૫ હવે, ઈસુ એ જગ્યાએ આવ્યા ત્યારે તેમણે ઉપર જોયું અને તેને કહ્યું: “જાખ્ખી, જલદી નીચે આવ, આજે હું તારા ઘરે રહેવાનો છું.” ૬ એ સાંભળીને તે ઝડપથી નીચે ઊતરી આવ્યો અને ખુશીથી મહેમાન તરીકે તેમનો આવકાર કર્યો. ૭ તેઓએ આ જોયું ત્યારે, તેઓ બધા કચકચ કરવા લાગ્યા: “જુઓ તો ખરા, તે પાપી માણસના ઘરે મહેમાન થયો છે.” ૮ પરંતુ, જાખ્ખી ઊભો થયો અને પ્રભુને કહ્યું: “પ્રભુ, જુઓ! મારી અડધી મિલકત હું ગરીબોને આપું છું અને જે કોઈની પાસેથી મેં ખોટી રીતે પડાવી લીધું હોય,* તેને હું ચાર ગણું પાછું આપું છું.” ૯ એટલે, ઈસુએ તેને કહ્યું: “આજે આ ઘર પર ઉદ્ધાર આવ્યો છે, કારણ કે તું પણ ઈબ્રાહીમનો દીકરો છે. ૧૦ જે ખોવાઈ ગયું હતું એને શોધવા અને બચાવવા માણસનો દીકરો આવ્યો છે.”
૧૧ શિષ્યો આ વાતો સાંભળી રહ્યા હતા ત્યારે, તેમણે બીજું એક ઉદાહરણ જણાવ્યું, કેમ કે તે યરૂશાલેમની નજીક હતા અને શિષ્યો માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય જલદી જ દેખાશે. ૧૨ તેથી, તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા* મેળવીને પાછો ફરે. ૧૩ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને ચાંદીના ૧,૦૦૦ સિક્કા* આપ્યા અને તેઓને કહ્યું, ‘હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.’ ૧૪ પરંતુ, તેની પ્રજા તેને ધિક્કારતી હતી અને તેને આમ કહેવા એલચીઓની ટુકડી મોકલી કે, ‘તું અમારો રાજા થાય, એવું અમે નથી ઇચ્છતા.’
૧૫ “છેવટે, તે રાજસત્તા* મેળવીને પાછો આવ્યો ત્યારે, જે ચાકરોને તેણે સિક્કા* આપ્યા હતા તેઓને બોલાવ્યા, જેથી તેને ખબર પડે કે તેઓ વેપાર કરીને કેટલું કમાયા. ૧૬ એટલે, પહેલો ચાકર આગળ આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૧,૦૦૦ સિક્કા કમાયો.’ ૧૭ તેણે તેને કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો હોવાથી, દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’ ૧૮ હવે, બીજો આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૫૦૦ સિક્કા કમાયો.’ ૧૯ તેણે એને પણ કહ્યું, ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’ ૨૦ પરંતુ, બીજા એકે આવીને કહ્યું, ‘માલિક, આ રહ્યા તમારા ૧૦૦ સિક્કા, એને મેં કપડામાં સંતાડી રાખ્યા હતા. ૨૧ જુઓ, હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો; જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’ ૨૨ તેણે તેને કહ્યું, ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું, જે મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને જે વાવ્યું નથી એ લણું છું? ૨૩ તો પછી, તેં શા માટે મારા પૈસા* શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો, મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’
૨૪ “જેઓ પાસે ઊભા હતા, તેઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી ચાંદીના ૧૦૦ સિક્કા લઈ લો અને જેની પાસે ૧,૦૦૦ સિક્કા છે તેને આપો.’ ૨૫ પરંતુ, તેઓએ તેને કહ્યું, ‘માલિક, તેની પાસે પહેલેથી ૧,૦૦૦ સિક્કા છે!’ તેણે જવાબ આપ્યો: ૨૬ ‘હું તમને કહું છું, જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે. ૨૭ વધુમાં, મારા દુશ્મનોને અહીં લઈ આવો, જેઓ નથી ઇચ્છતા કે હું તેઓનો રાજા થાઉં; અને મારી સામે તેઓની કતલ કરો.’”
૨૮ આ વાતો કહી રહ્યા પછી, ઈસુ યરૂશાલેમ જવા આગળ વધ્યા. ૨૯ જ્યારે તે બેથફગે અને બેથનિયા પાસે આવ્યા, જે જૈતૂન નામના પહાડ નજીક છે, ત્યારે તેમણે શિષ્યોમાંથી બેને મોકલ્યા ૩૦ અને કહ્યું: “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ અને એમાં પ્રવેશતા જ તમને એક ગધેડાનું બચ્ચું બાંધેલું મળશે, જેના પર કદી કોઈ માણસ બેઠો નથી. એને છોડીને અહીં લઈ આવો. ૩૧ પરંતુ, જો કોઈ તમને પૂછે કે, ‘તમે એને કેમ છોડો છો?’ તો તમારે કહેવું, ‘પ્રભુને એની જરૂર છે.’” ૩૨ તેથી, મોકલેલા શિષ્યો ગયા અને ઈસુએ તેઓને કહ્યું હતું તેમ, ગધેડાનું બચ્ચું તેઓને મળી આવ્યું. ૩૩ પરંતુ, તેઓ એને છોડતા હતા ત્યારે, એના માલિકોએ તેઓને કહ્યું: “તમે બચ્ચાને કેમ છોડો છો?” ૩૪ તેઓએ કહ્યું: “પ્રભુને એની જરૂર છે.” ૩૫ તેઓ એને ઈસુ પાસે લાવ્યા અને તેઓએ બચ્ચા પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુને એના પર બેસાડ્યા.
૩૬ તે આગળ જતા હતા તેમ, લોકો પોતાનાં કપડાં રસ્તા પર પાથરતા હતા. ૩૭ જૈતૂન પહાડની નીચે જવાના રસ્તા પર તે પહોંચ્યા કે તરત જ, શિષ્યોનું આખું ટોળું આનંદ કરવા લાગ્યું અને મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યું, કારણ કે તેઓએ બધાં શક્તિશાળી કાર્યો જોયાં હતાં; ૩૮ અને તેઓએ કહ્યું: “યહોવાના* નામમાં જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે! સ્વર્ગમાં શાંતિ થાઓ અને સ્વર્ગમાંના ઈશ્વરનો મહિમા થાઓ!” ૩૯ જોકે, ટોળામાંથી અમુક ફરોશીઓએ તેમને કહ્યું: “ગુરુજી, તમારા શિષ્યોને ચૂપ રહેવાની આજ્ઞા કરો.” ૪૦ પરંતુ, જવાબમાં તેમણે કહ્યું: “હું તમને જણાવું છું, જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.”
૪૧ અને ઈસુ શહેર પાસે આવ્યા ત્યારે તેમણે એના પર નજર નાખી અને એના માટે રડી પડ્યા ૪૨ અને કહ્યું: “જો આજે તું શાંતિની વાતો સમજ્યું હોત તો કેવું સારું, પણ હવે એ વાતો તારાથી સંતાડેલી છે. ૪૩ કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે અને તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે.* ૪૪ તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે અને તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ, કારણ કે તારી ચકાસણીનો સમય તેં પારખ્યો નહિ.”
૪૫ પછી, તે મંદિરમાં ગયા અને વેચનારાઓને બહાર કાઢી મૂકતા ૪૬ આમ કહ્યું: “એમ લખેલું છે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર હશે,’ પણ તમે એને લુટારાઓનું કોતર બનાવ્યું છે.”
૪૭ તેમણે દરરોજ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખ્યું. પણ, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાના પ્રયત્નો કરતા હતા; ૪૮ પણ, તેઓને એમ કરવાની કોઈ તક મળી નહિ, કેમ કે બધા લોકો તેમનું સાંભળવા તેમની સાથે ને સાથે રહેતા હતા.