યાકૂબ
૫ ઓ ધનવાન માણસો, હવે સાંભળો! તમારા પર આવી પડનારાં સંકટો પર વિલાપ કરો અને પોક મૂકીને રડો. ૨ તમારી ધનદોલત સડી ગઈ છે અને તમારાં કપડાંને જીવડાં ખાઈ ગયાં છે. ૩ તમારાં સોના-ચાંદી કટાઈ ગયાં છે અને એનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી થશે અને એ તમારા શરીરને ભરખી જશે. તમે જે ભેગું કર્યું છે એ છેલ્લા દિવસોમાં આગ જેવું થશે.* ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે જે મજૂરી ચૂકવી નથી, એ પોકાર કરતી રહે છે; કાપણી કરનારાનો મદદ માટેનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પહોંચ્યો છે. ૫ તમે પૃથ્વી પર એશઆરામ અને પોતાની બધી ઇચ્છાઓ સંતોષવા માટે જીવ્યા છો. જેમ પશુને કતલના દિવસ સુધી તગડું બનાવવામાં આવે છે, તેમ તમે તમારા હૃદયોને તગડા બનાવ્યા છે. ૬ તમે નેક માણસને દોષિત ઠરાવ્યો છે અને તેને મારી નાખ્યો છે. એટલે, તે તમારો વિરોધ કરે છે.
૭ એ માટે ભાઈઓ, આપણા પ્રભુની હાજરીનો* સમય આવે ત્યાં સુધી ધીરજ રાખો. જુઓ, ખેડૂત ધરતીના અનમોલ પાકની રાહ જુએ છે; શરૂઆતનો વરસાદ અને પાછલો વરસાદ આવે ત્યાં સુધી તે ધીરજ રાખે છે. ૮ તમે પણ ધીરજ રાખો; તમારા હૃદય દૃઢ કરો, કેમ કે પ્રભુની હાજરીનો* સમય પાસે આવ્યો છે.
૯ ભાઈઓ, એકબીજા વિરુદ્ધ બડબડાટ* ન કરો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે. જુઓ! ન્યાયાધીશ બારણે ઊભા છે. ૧૦ ભાઈઓ, દુઃખો સહેવામાં અને ધીરજ ધરવામાં પ્રબોધકોના* દાખલા પ્રમાણે ચાલો, જેઓ યહોવાના* નામે બોલ્યા હતા. ૧૧ જુઓ! જેઓ સહન કરે છે તેઓને આપણે સુખી* કહીએ છીએ. અયૂબે જે સહન કર્યું એ તમે સાંભળ્યું છે અને યહોવાએ* તેમને જે બદલો આપ્યો એ તમે જાણો છે. યહોવા* ખૂબ મમતા* બતાવે છે અને તે દયાળુ છે.
૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો; સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પરંતુ, તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય, જેથી તમે સજાને લાયક ન ઠરો.
૧૩ શું તમારામાં કોઈ તકલીફો સહે છે? તેણે પ્રાર્થના કરતા રહેવું. શું કોઈનું મન ખુશ છે? તેણે સ્તુતિનાં ગીતો ગાવાં. ૧૪ શું તમારામાં કોઈ બીમાર* છે? તેણે મંડળના વડીલોને બોલાવવા, જેથી તેઓ તેના માટે પ્રાર્થના કરે અને યહોવાના* નામમાં તેને તેલ ચોપડે.* ૧૫ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના બીમારને* સાજો કરશે અને યહોવા* તેને બેઠો કરશે. વળી, તેણે પાપ કર્યાં હશે તો તેને માફ કરવામાં આવશે.
૧૬ એ માટે, એકબીજાની આગળ તમારાં પાપ ખુલ્લી રીતે કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમે સાજા થાઓ. નેક માણસની વિનંતીની જોરદાર અસર થાય છે.* ૧૭ એલિયા આપણા જેવા જ માણસ હતા, તોપણ જ્યારે તેમણે પૂરા દિલથી પ્રાર્થના કરી કે વરસાદ ન પડે, ત્યારે દેશમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ૧૮ પછી, તેમણે ફરીથી પ્રાર્થના કરી અને આકાશમાંથી વરસાદ વરસ્યો અને ધરતી પાકથી લહેરાવા લાગી.
૧૯ મારા ભાઈઓ, જો કોઈ વ્યક્તિ તમારામાંથી કોઈને સત્યના માર્ગથી ભટકાવી દે અને કોઈ તેને પાછો લાવે, ૨૦ તો એ જાણજો કે જે માણસ પાપીને તેના ખોટા માર્ગથી પાછો વાળે છે, તે તેને* મોતથી બચાવશે અને ઘણાં પાપોને ઢાંકી દેશે.