યોહાન
૮ ૧૨ પછી, ઈસુએ યહુદીઓ સાથે ફરીથી વાત કરતા કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનો પ્રકાશ મેળવશે.” ૧૩ ફરોશીઓએ તેમને કહ્યું: “તું પોતાના વિશે સાક્ષી આપે છે; તારી સાક્ષી સાચી નથી.” ૧૪ જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “હું મારા પોતાના વિશે સાક્ષી આપું તોપણ મારી સાક્ષી સાચી છે, કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, એની મને ખબર છે. પણ, તમે નથી જાણતા કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. ૧૫ તમે મનુષ્યોનાં ધોરણો પ્રમાણે ન્યાય કરો છો; હું તો કોઈ માણસનો ન્યાય કરતો નથી. ૧૬ અને હું ન્યાય કરું તોપણ મારો ન્યાય સાચો છે, કેમ કે હું એકલો નથી, પણ મને મોકલનાર પિતા મારી સાથે છે. ૧૭ તમારા પોતાના નિયમશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે, ‘બે માણસોની સાક્ષી સાચી છે.’ ૧૮ હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું અને મને મોકલનાર પિતા પણ મારા વિશે સાક્ષી આપે છે.” ૧૯ પછી, તેઓએ તેમને પૂછ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.” ૨૦ મંદિરમાં દાન-પેટીઓ હતી ત્યાં શીખવતી વખતે તેમણે આ વાતો કહી. પરંતુ, કોઈ તેમને પકડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.
૨૧ તેથી, તેમણે ફરીથી તેઓને કહ્યું: “હું જાઉં છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરણ પામશો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.” ૨૨ પછી, યહુદીઓ કહેવા લાગ્યા: “શું તે આપઘાત કરવાનો છે? કેમ કે તે કહે છે, ‘હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’” ૨૩ ઈસુએ તેઓને કહ્યું: “તમે નીચેના છો અને હું ઉપરનો છું. તમે આ દુનિયાના છો; હું આ દુનિયાનો નથી. ૨૪ એ માટે મેં તમને કહ્યું હતું: તમે તમારાં પાપમાં મરણ પામશો. કેમ કે જે આવનાર છે એ હું જ છું એવું જો તમે નહિ માનો, તો તમે તમારાં પાપમાં મરણ પામશો.” ૨૫ એટલે, તેઓ તેમને કહેવા લાગ્યા: “તું છે કોણ?” ઈસુએ તેઓને જવાબ આપ્યો: “હું તમારી સાથે વાત કરીને મારો સમય શું કામ બગાડું છું? ૨૬ તમારા વિશે મારે ઘણું કહેવાનું છે અને ઘણી વાતોનો ન્યાય કરવાનો છે. હકીકતમાં, મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે કંઈ મેં સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.” ૨૭ પિતા વિશે ઈસુ તેઓને જે કહેતા હતા, એની તેઓને સમજણ પડી નહિ. ૨૮ પછી, ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભે* જડશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું; અને હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ આ બધી વાતો કહું છું. ૨૯ મને મોકલનાર મારી સાથે છે; તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.” ૩૦ તે આ વાતો કહેતા હતા ત્યારે, ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી.
૩૧ જે યહુદીઓએ શ્રદ્ધા મૂકી હતી, તેઓને ઈસુ કહેવા લાગ્યા: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. ૩૨ તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” ૩૩ બીજાઓએ જવાબ આપ્યો: “અમે ઈબ્રાહીમના વંશજો છીએ અને કદી પણ કોઈના ગુલામ બન્યા નથી. તો પછી તું કેમ કહે છે કે, ‘તમે આઝાદ થશો’?” ૩૪ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું, જે કોઈ પાપ કરે છે, તે પાપનો ગુલામ છે. ૩૫ તેમ જ, માલિકના ઘરમાં ગુલામ કાયમ નથી રહેતો, પણ દીકરો કાયમ રહે છે. ૩૬ એટલે, જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો. ૩૭ હું જાણું છું કે તમે ઈબ્રાહીમના વંશજો છો. પણ, તમે મારું શિક્ષણ સ્વીકારતા નથી, એ કારણે તમે મને મારી નાખવા માંગો છો. ૩૮ હું મારા પિતા સાથે હતો ત્યારે મેં જે જોયું હતું એ જણાવું છું, પણ તમે તમારા પિતા પાસેથી જે સાંભળ્યું, એ કરો છો.” ૩૯ જવાબમાં તેઓએ તેમને કહ્યું: “અમારા પિતા તો ઈબ્રાહીમ છે.” ઈસુએ તેઓને કહ્યું: “જો તમે ઈબ્રાહીમનાં બાળકો હોત, તો તમે ઈબ્રાહીમ જેવાં કામો કરતા હોત. ૪૦ ઈશ્વર પાસેથી સાંભળેલું સત્ય મેં તમને જણાવ્યું, પણ તમે તો મને મારી નાખવા માંગો છો. ઈબ્રાહીમે કદી પણ એવું કર્યું ન હોત. ૪૧ તમે તમારા પિતા જેવાં કામો કરો છો.” તેઓએ તેમને કહ્યું: “અમે વ્યભિચારથી* જન્મેલા નથી; અમારા એક જ પિતા છે, ઈશ્વર.”
૪૨ ઈસુએ તેઓને કહ્યું: “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કર્યો હોત, કેમ કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. ૪૩ હું જે કહું છું એ તમે કેમ સમજતા નથી? કારણ કે તમે મારું શિક્ષણ સહી શકતા નથી. ૪૪ તમે તમારા પિતા શેતાનના* છો અને તમે તમારા પિતાની ઇચ્છા પ્રમાણે કરવા ચાહો છો. તે શરૂઆતથી* જ ખૂની હતો અને તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે. ૪૫ જ્યારે કે હું તમને સત્ય જણાવું છું, એટલે તમે મારું માનતા નથી. ૪૬ તમારામાંનો કોણ મને પાપી ઠરાવે છે? જો હું સત્ય બોલું છું તો તમે મારું કેમ માનતા નથી? ૪૭ જે ઈશ્વરનો છે, તે ઈશ્વરની વાતો સાંભળે છે. તમે એટલા માટે નથી સાંભળતા, કારણ કે તમે ઈશ્વરના નથી.”
૪૮ જવાબમાં, યહુદીઓએ તેમને કહ્યું: “શું અમે સાચું નથી કહેતા કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટ દૂત વળગ્યો છે’?” ૪૯ ઈસુએ જવાબ આપ્યો: “મને દુષ્ટ દૂત વળગ્યો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. ૫૦ છતાં, મને પોતાને મહિમા મળે એવું હું ચાહતો નથી; પણ એક છે, જે ચાહે છે કે મને મહિમા મળે અને તે ન્યાયાધીશ છે. ૫૧ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ મારું શિક્ષણ સ્વીકારે, તો તે કદી મરશે નહિ.” ૫૨ યહુદીઓએ તેમને કહ્યું: “હવે તો અમને ખાતરી થઈ છે કે તને દુષ્ટ દૂત વળગ્યો છે. ઈબ્રાહીમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ; પરંતુ, તું કહે છે કે, ‘જો કોઈ મારું શિક્ષણ સ્વીકારે તો તે કદી મરશે નહિ.’ ૫૩ શું તું અમારા પિતા ઈબ્રાહીમ, જે મરણ પામ્યા, તેમના કરતાં મહાન છે? પ્રબોધકો પણ મરણ પામ્યા. તો પછી, તું પોતાને શું સમજે છે?” ૫૪ ઈસુએ જવાબ આપ્યો: “જો હું પોતાને મહિમા આપું તો એ મહિમાની કોઈ કિંમત નથી. મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમને તમે તમારા ઈશ્વર કહો છો. ૫૫ તોપણ, તમે તેમને જાણતા નથી, પણ હું જાણું છું. અને જો હું કહું કે તેમને જાણતો નથી તો હું તમારા જેવો જૂઠો છું. પણ, હું તો તેમને જાણું છું અને તેમનું કહેવું માનું છું. ૫૬ મારો સમય જોવા મળશે એ આશાને લીધે તમારા પિતા ઈબ્રાહીમને ઘણો આનંદ થયો હતો અને તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.” ૫૭ ત્યારે યહુદીઓએ તેમને કહ્યું: “તું તો હજુ ૫૦ વર્ષનો પણ નથી અને તેં ઈબ્રાહીમને જોયા છે?” ૫૮ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઈબ્રાહીમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.” ૫૯ એ સાંભળીને તેઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરની બહાર નીકળી ગયા.