નિર્ગમન
૮ પછી યહોવાએ મૂસાને કહ્યું: “રાજા પાસે જઈને કહે, ‘યહોવા કહે છે: “મારા લોકોને મારી સેવા કરવા જવા દે.+ ૨ જો તું મારા લોકોને જવા નહિ દે, તો હું તારા આખા દેશ પર દેડકાંની આફત લાવીશ.+ ૩ નાઈલ નદી દેડકાંથી ખદબદી ઊઠશે. એ દેડકાં નદીમાંથી નીકળીને તારા મહેલમાં, તારા સેવકો અને લોકોનાં ઘરોમાં, તારી સૂવાની ઓરડીમાં, તારા પલંગ પર, તારા ચૂલાઓમાં અને તારાં વાસણોમાં* આવી જશે.+ ૪ તારા પર, તારા લોકો પર અને તારા બધા સેવકો પર એ આવશે.”’”
૫ યહોવાએ મૂસાને કહ્યું: “હારુનને કહે, ‘તારી લાકડી લે અને ઇજિપ્તનાં નદી-નાળાં પર અને નાઈલની નહેરો પર તારો હાથ લાંબો કર, જેથી આખા ઇજિપ્ત દેશ પર દેડકાં આવે.’” ૬ હારુને ઇજિપ્તના પાણી પર પોતાનો હાથ લંબાવ્યો અને નદીમાંથી દેડકાં નીકળવા લાગ્યાં. જોતજોતામાં તેઓ આખા દેશમાં ફેલાઈ ગયાં. ૭ જાદુગરોએ* પણ પોતાની જાદુવિદ્યાથી એવો જ ચમત્કાર કર્યો. તેઓ પણ ઇજિપ્ત દેશ પર દેડકાં લાવ્યાં.+ ૮ પછી રાજાએ મૂસા અને હારુનને બોલાવીને કહ્યું: “મારી પાસેથી અને મારા લોકો પાસેથી દેડકાંને દૂર કરવા યહોવાને આજીજી કરો.+ હું તમારા લોકોને જવા દેવા તૈયાર છું, જેથી તેઓ જઈને યહોવાને બલિદાન ચઢાવે.” ૯ મૂસાએ રાજાને કહ્યું: “તમારી પાસેથી, તમારા સેવકો અને તમારા લોકો વચ્ચેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં દૂર કરવા હું ઈશ્વરને આજીજી કરીશ. પણ હું ક્યારે આજીજી કરું એ નિર્ણય તમારા પર છોડું છું. પછી દેડકાં ફક્ત નાઈલ નદીમાં જ જોવા મળશે.” ૧૦ રાજાએ કહ્યું: “આવતી કાલે.” મૂસાએ કહ્યું: “ભલે. તમારા કહ્યા પ્રમાણે જ થશે, જેથી તમે જાણો કે અમારા ઈશ્વર યહોવા જેવું બીજું કોઈ નથી.+ ૧૧ તમારી પાસેથી, તમારાં ઘરોમાંથી, તમારા સેવકો અને તમારા લોકો વચ્ચેથી દેડકાં જતાં રહેશે. દેડકાં ફક્ત નાઈલ નદીમાં જ જોવા મળશે.”+
૧૨ મૂસા અને હારુન પછી રાજા પાસેથી ગયા. મૂસાએ યહોવાને કાલાવાલા કર્યા, જેથી તે રાજા પર લાવેલાં દેડકાં દૂર કરે.+ ૧૩ યહોવાએ મૂસાના કાલાવાલા સાંભળ્યા અને દેડકાં ટપોટપ મરવા લાગ્યાં. ઘરોમાં, આંગણાંમાં અને મેદાનોમાં જ્યાં પણ દેડકાં હતાં, ત્યાં મરવા લાગ્યાં. ૧૪ લોકોએ મરેલાં દેડકાંના ઢગલે-ઢગલા કર્યા અને આખો દેશ ગંધાઈ ઊઠ્યો. ૧૫ રાજાએ જ્યારે જોયું કે આફત ટળી ગઈ છે, ત્યારે તેણે પોતાનું દિલ હઠીલું કર્યું.+ યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.
૧૬ યહોવાએ મૂસાને કહ્યું: “હારુનને કહે, ‘તારી લાકડી લંબાવીને જમીનને માર. એટલે જમીન પરની ધૂળ મચ્છર* બની જશે અને આખા ઇજિપ્ત પર છવાઈ જશે.’” ૧૭ તેઓએ એમ જ કર્યું. હારુને પોતાનો હાથ લંબાવીને લાકડીથી જમીનને મારી. એટલે ઇજિપ્તની બધી ધૂળ મચ્છર બની ગઈ.+ એ મચ્છરો લોકો અને પ્રાણીઓને કરડવા લાગ્યાં. ૧૮ જાદુગરોએ પણ પોતાની જાદુવિદ્યાથી મચ્છરો બનાવવાની કોશિશ કરી,+ પણ તેઓ એમ કરી ન શક્યા. લોકો અને પ્રાણીઓ મચ્છરોથી ત્રાસી ગયાં. ૧૯ જાદુગરોએ રાજાને કહ્યું: “એ તો ઈશ્વરના હાથની* કરામત છે!”+ પણ રાજાનું દિલ પીગળ્યું નહિ. યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.
૨૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: “સવારે વહેલો ઊઠીને રાજાને મળવા જા. તે નદી પાસે આવે ત્યારે તેને કહેજે, ‘યહોવાએ કહ્યું છે: “મારા લોકોને મારી સેવા કરવા જવા દે. ૨૧ જો તું મારા લોકોને નહિ જવા દે, તો હું તારા પર, તારા સેવકો પર, તારા લોકો પર અને તારાં ઘરો પર કરડતી માખીઓ લાવીશ. ઇજિપ્તનાં બધાં ઘરો માખીઓથી ઊભરાઈ જશે. એટલું જ નહિ, તારા લોકો* જે જમીન પર ઊભા છે, એ જમીન પણ માખીઓથી ઢંકાઈ જશે. ૨૨ પણ એ દિવસે હું ગોશેન દેશને અલગ રાખીશ, જ્યાં મારા લોકો રહે છે. ત્યાં એક પણ માખી જોવા નહિ મળે.+ એના પરથી તું જાણી શકીશ કે, હું યહોવા આ દેશમાં છું.+ ૨૩ હું મારા લોકો અને તારા લોકો વચ્ચે ફરક રાખીશ. એ ચમત્કાર આવતી કાલે થશે.”’”
૨૪ યહોવાએ એમ જ કર્યું. માખીઓનાં ટોળેટોળાં રાજાના મહેલમાં, તેના સેવકોનાં ઘરોમાં અને ઇજિપ્ત દેશમાં ઘૂસી ગયાં.+ માખીઓને કારણે આખા દેશમાં તબાહી મચી ગઈ.+ ૨૫ આખરે, રાજાએ મૂસા અને હારુનને બોલાવીને કહ્યું: “જાઓ! બલિદાન ચઢાવો, પણ અહીં ઇજિપ્ત દેશમાં જ ચઢાવો.” ૨૬ પણ મૂસાએ કહ્યું: “એમ કરવું યોગ્ય નથી, કેમ કે અમે અમારા ઈશ્વર યહોવાને બલિદાનોમાં જે ચઢાવીશું, એ જોઈને ઇજિપ્તના લોકો રોષે ભરાશે.+ જો અમે તેઓના દેખતા જ એવાં બલિદાનો ચઢાવીશું, તો તેઓ ચોક્કસ અમને પથ્થરે મારશે! ૨૭ પણ અમે તો અમારા ઈશ્વરની આજ્ઞા મુજબ ત્રણ દિવસની મુસાફરી કરીને* વેરાન પ્રદેશમાં જઈશું. ત્યાં અમે અમારા ઈશ્વર યહોવાને બલિદાનો ચઢાવીશું.”+
૨૮ રાજાએ કહ્યું: “તમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવવા હું તમને વેરાન પ્રદેશમાં જવા દઈશ. બસ એટલું જ કે, તમે બહુ દૂર ન જતા. હવે મારા માટે આજીજી કરો, જેથી આ મુસીબત દૂર થાય.”+ ૨૯ મૂસાએ કહ્યું: “સારું. હું હમણાં જ તમારી પાસેથી જઈને યહોવાને આજીજી કરીશ. આવતી કાલે તમારી પાસેથી, તમારા સેવકો અને તમારા લોકો વચ્ચેથી માખીઓ દૂર થઈ જશે. પણ અમારી સાથે કોઈ દાવ ન રમતા. યહોવાને બલિદાન ચઢાવવા તમે અમને જવા દેશો, એ વાતથી ફરી ન જતા.”+ ૩૦ પછી મૂસાએ રાજા પાસેથી જઈને યહોવાને આજીજી કરી.+ ૩૧ યહોવાએ મૂસાના કહ્યા પ્રમાણે જ કર્યું. તેમણે રાજા, તેના સેવકો અને તેના લોકો વચ્ચેથી માખીઓ દૂર કરી. એક પણ માખી રહી નહિ. ૩૨ પણ રાજાએ પોતાનું દિલ ફરીથી હઠીલું કર્યું અને લોકોને જવા દીધા નહિ.