યશાયા
૪૭ ઓ બાબેલોનની કુંવારી દીકરી,+
નીચે ઊતર અને ધૂળમાં બેસ.
ઓ ખાલદીઓની દીકરી,
નીચે જમીન પર બેસ જ્યાં કોઈ આસન નથી.+
લોકો ક્યારેય તને નાજુક અને લાડલી નહિ કહે.
૨ ઘંટી લે અને લોટ દળ.
તારો ઘૂંઘટ હટાવ.
તારો ઘાઘરો ઊંચો ખોસ અને ઉઘાડા પગે
નદીઓ ઓળંગીને જા.
૩ તારું શરીર ઉઘાડું કરી દેવાશે.
તારી લાજ દેખાશે.
હું વેર વાળીશ+ અને કોઈ માણસ મને રોકી નહિ શકે.*
૫ ઓ ખાલદીઓની દીકરી,+
ત્યાં અંધારામાં છાનીમાની બેસી રહે.
હવેથી કોઈ તને રાજ્યોની રાણી નહિ કહે.+
૬ હું મારા લોકો પર રોષે ભરાયો હતો.+
પણ તેં તો તેઓને જરાય દયા બતાવી નહિ.+
અરે, ઘરડા લોકો પર પણ તેં ભારે ઝૂંસરી ચઢાવી.+
૭ તેં ધાર્યું કે “હું તો હંમેશાં, હા, કાયમ માટે રાણી રહીશ.”+
તેં એક પળ માટે પણ વિચાર ન કર્યો કે તું શું કરે છે.
તેં વિચાર્યું નહિ કે આખરે શું પરિણામ આવશે.
૮ ઓ મોજમજા ચાહનારી, હવે સાંભળ.+
તું બેફિકર બેઠી છે અને મનમાં કહે છે:
“મારા જેવું કોણ છે?+
હું કદી વિધવા થવાની નથી
અને મારાં બાળકો કદી મરવાનાં નથી.”+
૯ પણ આ બે આફતો તારા પર અચાનક, એક જ દિવસે આવી પડશે:+
તારાં બાળકો માર્યાં જશે અને તું વિધવા થઈ જઈશ.
તારા ઘણા જંતરમંતર અને મોટાં મોટાં જાદુટોણાંને લીધે,*+
તારા પર એ આફતો તૂટી પડશે.+
૧૦ તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે.
તું કહે છે: “મને જોનાર કોઈ નથી.”
તારી હોશિયારી અને ડહાપણને લીધે તું આડે રસ્તે ચઢી ગઈ છે.
તું તારા મનમાં કહે છે: “મારા જેવું કોણ છે?”
૧૧ પણ તારા પર મુસીબત આવી પડશે.
તારા કોઈ જાદુટોણાં એને રોકી નહિ શકે.*
તારા પર આફત ઊતરી આવશે અને તું એને અટકાવી નહિ શકે.
અચાનક તારી એવી બરબાદી થશે, જેના વિશે તેં સપનામાં પણ વિચાર્યું નહિ હોય.+
૧૨ એટલે જા, તારા જંતરમંતર અને તારાં જાદુટોણાં કર્યાં કર.+
એના માટે તેં નાનપણથી સખત મહેનત કરી છે.
કદાચ એનાથી તને ફાયદો થાય,
કદાચ એનાથી લોકો પર ડર છવાઈ જાય.
૧૩ તારા પુષ્કળ સલાહકારોની વાતો સાંભળી સાંભળીને તું કંટાળી ગઈ છે.
તેઓ આકાશની પૂજા કરે છે,* તારાઓ પર નજર રાખે છે.+
તેઓ ચાંદરાત વિશે જ્ઞાન આપે છે.
તારા પર જે આવી પડવાનું છે એ વિશે તેઓ ભાખે છે.
હવે તેઓ આવે અને તને બચાવે.
૧૪ જુઓ, તેઓ તો સૂકા ઘાસ જેવા છે.
આગ તેઓને ભસ્મ કરી નાખશે.
તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ.
આ કંઈ તાપવા માટેના અંગારા નથી,
એની સામે બેસીને તાપણું થાય એવી આગ નથી.
૧૫ તારા જંતરમંતર કરનારાના એવા જ હાલ થશે,
જેઓ સાથે તેં બાળપણથી મહેનત કરી છે.
તેઓ આમતેમ ભટકતાં ભટકતાં વિખેરાઈ જશે,*
તને બચાવવા કોઈ ઊભો નહિ રહે.+