હઝકિયેલ
૧ હવે ૩૦મા વર્ષનો* ચોથો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું ગુલામીમાં* ગયેલા લોકો સાથે+ કબાર નદી+ પાસે હતો. એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો. ૨ એ મહિનાનો પાંચમો દિવસ હતો અને રાજા યહોયાખીનની+ ગુલામીનું પાંચમું વર્ષ હતું. ૩ બૂઝી યાજકના* દીકરા હઝકિયેલ* પાસે યહોવાનો* સંદેશો આવ્યો. તે ખાલદીઓના* દેશમાં+ કબાર નદી પાસે હતો. ત્યાં તેના પર યહોવાની શક્તિ* ઊતરી આવી.+
૪ મેં જોયું તો ઉત્તરમાંથી જોરદાર વાવાઝોડું આવતું દેખાયું.+ એની સાથે એક મોટું વાદળ આવતું હતું, જેમાંથી આગની જ્વાળા*+ નીકળતી હતી. વાદળની ચારે બાજુ પ્રકાશ ઝળહળતો હતો. આગની વચ્ચે ચળકતી ધાતુ* જેવું કંઈક દેખાતું હતું.+ ૫ આગમાં ચાર દૂતો* જેવા કોઈક દેખાયા.+ દરેકનો દેખાવ માણસ જેવો હતો. ૬ દરેકને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી.+ ૭ તેઓના પગ સીધા હતા. પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને એ ચળકતા તાંબાની જેમ ઝગમગતાં હતાં.+ ૮ તેઓની ચારેય પાંખો નીચે માણસના જેવા હાથ હતા. એ ચાર દૂતોને ચહેરા હતા અને પાંખો હતી. ૯ દરેકની પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ.+
૧૦ એ ચારેય દૂતોના ચહેરા આવા દેખાતા હતા: તેઓ દરેકને માણસનો ચહેરો, એની જમણી બાજુ સિંહનો+ ચહેરો, ડાબી બાજુ આખલાનો+ ચહેરો અને દરેકને ગરુડનો+ ચહેરો+ પણ હતો. ૧૧ તેઓના ચહેરા એવા દેખાતા હતા. દૂતો પર પાંખો ફેલાયેલી હતી. દરેકની બે પાંખો એકબીજીને અડતી હતી અને બીજી બે પાંખો તેઓનું શરીર ઢાંકતી હતી.+
૧૨ ઈશ્વરની શક્તિ તેઓને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા.+ દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ. ૧૩ દૂતોનો દેખાવ સળગતા અંગારા જેવો હતો. તેઓની વચ્ચે સળગતી મશાલો જેવું કંઈક આવતું-જતું હતું. એમાંથી વીજળીના ચમકારા થતા હતા.+ ૧૪ જ્યારે દૂતો આવતા અને જતા, ત્યારે વીજળીના ચમકારા જેવા દેખાતા હતા.
૧૫ હું ચાર ચહેરાવાળા દૂતોને જોતો હતો. એવામાં દરેક દૂતની બાજુમાં ધરતી પર એક એક પૈડું દેખાયું.+ ૧૬ પૈડાંનો દેખાવ એવો હતો જાણે તૃણમણિ પથ્થર ચમકતો હોય. એ ચારેચાર પૈડાં એકસરખાં દેખાતાં હતાં. તેઓની બનાવટ એવી હતી જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.* ૧૭ તેઓ આગળ વધતાં ત્યારે, આમતેમ વળ્યા વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં. ૧૮ પૈડાં એટલાં ઊંચાં હતાં કે જોઈને દંગ થઈ જવાય. ચારેય પૈડાંની બહારની સપાટી પર આંખો જ આંખો હતી.+ ૧૯ દૂતો પોતાની જગ્યાએથી આગળ વધતા ત્યારે, તેઓની સાથે સાથે પૈડાં પણ આગળ વધતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે, પૈડાં પણ ઊંચે જતાં.+ ૨૦ ઈશ્વરની શક્તિ દૂતોને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા. જ્યાં શક્તિ જતી ત્યાં દૂતો જતા. દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી. એટલે દૂતોની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં. ૨૧ દૂતો આગળ વધતા ત્યારે પૈડાં પણ આગળ વધતાં, તેઓ ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે તેઓની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં, કેમ કે દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.
૨૨ દૂતોનાં માથાંની ઉપર કાચનો ભવ્ય મંચ હતો, જે બરફની જેમ ચળકતો હતો. એ મંચ તેઓનાં માથાંની ઉપર ફેલાયેલો હતો.+ ૨૩ કાચના મંચની નીચે તેઓની સીધી* પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂતની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી હતી અને બીજી બે પાંખો બીજી બાજુને ઢાંકતી હતી. ૨૪ મેં તેઓની પાંખોનો અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણીના અવાજ જેવો, સર્વશક્તિમાનના અવાજ જેવો હતો.+ તેઓનો આગળ વધવાનો અવાજ સૈન્યના અવાજ જેવો લાગતો હતો. તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.
૨૫ તેઓનાં માથાંની ઉપર જે કાચનો મંચ હતો, એના ઉપરથી અવાજ આવતો હતો. (તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.) ૨૬ તેઓનાં માથાંની ઉપરના કાચના મંચ પર નીલમના પથ્થર જેવું કંઈક હતું.+ એ રાજગાદી જેવું દેખાતું હતું.+ એના પર કોઈક બેઠું હતું, જેમનો દેખાવ માણસ જેવો હતો.+ ૨૭ મેં જોયું તો તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો હતો+ અને એની ચારે તરફ જાણે આગની જ્વાળાઓ હતી. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો. ૨૮ ઝળહળતો એ પ્રકાશ વરસાદના દિવસે વાદળમાં દેખાતા મેઘધનુષ્ય+ જેવો હતો. એ પ્રકાશ યહોવાના ગૌરવ જેવો હતો.+ એ જોઈને હું ઘૂંટણિયે પડ્યો અને મેં માથું નમાવ્યું. મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.