પહેલો રાજાઓ
૧૨ રહાબઆમ શખેમ+ ગયો, કેમ કે ઇઝરાયેલના બધા લોકો તેને રાજા બનાવવા ત્યાં ભેગા થયા હતા.+ ૨ નબાટના દીકરા યરોબઆમે એ વિશે સાંભળ્યું (તે હજી ઇજિપ્તમાં હતો, કેમ કે રાજા સુલેમાનને લીધે તે ઇજિપ્ત નાસી છૂટ્યો હતો અને ત્યાં રહેતો હતો).+ ૩ લોકોએ યરોબઆમને બોલાવવા માણસો મોકલ્યા. યરોબઆમે અને ઇઝરાયેલના બધા લોકોએ* રહાબઆમ પાસે આવીને કહ્યું: ૪ “તમારા પિતાએ અમારી પાસે સખત મજૂરી કરાવી હતી અને અમારા પર ભારે બોજો નાખ્યો હતો.+ જો તમે એમાં રાહત આપશો અને અમારો બોજો હળવો કરશો, તો અમે તમારી સેવા કરીશું.”
૫ રહાબઆમે તેઓને કહ્યું: “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” એટલે લોકો ચાલ્યા ગયા.+ ૬ રાજા રહાબઆમે વૃદ્ધ માણસોની સલાહ લીધી. તેનો પિતા સુલેમાન જીવતો હતો ત્યારે, તેઓ તેના સલાહકારો હતા. રહાબઆમે તેઓને પૂછ્યું: “તમારી શું સલાહ છે, આ લોકોને કેવો જવાબ આપીએ?” ૭ તેઓએ કહ્યું: “જો આજે તમે આ લોકોના સેવક બનશો, તેઓની વિનંતી માન્ય કરશો અને તેઓને મીઠાશથી જવાબ આપશો, તો તેઓ હંમેશ માટે તમારા સેવકો બનીને રહેશે.”
૮ પણ રહાબઆમે વૃદ્ધ માણસોની* સલાહ માની નહિ. તેણે એ યુવાનોની સલાહ લીધી, જેઓ તેની સાથે મોટા થયા હતા અને હવે તેના સેવકો હતા.+ ૯ તેણે તેઓને પૂછ્યું: “લોકો કહે છે કે, ‘તમારા પિતાએ નાખેલો ભારે બોજો હળવો કરો.’ તમારી શું સલાહ છે, તેઓને કેવો જવાબ આપીએ?” ૧૦ તેની સાથે મોટા થયેલા યુવાનોએ કહ્યું: “લોકો ભલે કહે કે, ‘તમારા પિતાએ અમારા પર ભારે બોજો નાખ્યો હતો, પણ તમે એ હળવો કરી આપો.’ પણ તમે તેઓને આમ કહેજો: ‘હું મારા પિતા કરતાં વધારે કઠોર બનીશ.* ૧૧ મારા પિતાએ તમારા પર ભારે બોજો નાખ્યો હતો, હું એ હજુ પણ વધારીશ. મારા પિતાએ તમને ચાબુકથી સજા કરી હતી, પણ હું કોરડાથી* સજા કરીશ.’”
૧૨ રહાબઆમ રાજાએ લોકોને કહ્યું હતું કે, “ત્રીજા દિવસે મારી પાસે આવજો.”+ એટલે યરોબઆમ અને બધા લોકો ત્રીજા દિવસે રાજા પાસે આવ્યા. ૧૩ રાજાએ લોકોને કડકાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ માણસોની* સલાહ માની નહિ. ૧૪ તેણે યુવાનોની સલાહ પ્રમાણે લોકોને જવાબ આપ્યો અને કહ્યું: “મારા પિતાએ તમારા પર ભારે બોજો નાખ્યો હતો, હું એમાં વધારો કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી સજા કરી હતી, પણ હું કોરડાથી સજા કરીશ.” ૧૫ રાજાએ લોકોનું સાંભળ્યું નહિ, કેમ કે આ બધા પાછળ યહોવાનો હાથ હતો.+ યહોવાએ શીલોહના પ્રબોધક અહિયા+ દ્વારા નબાટના દીકરા યરોબઆમને આપેલું વચન પૂરું થાય, એ માટે એવું થયું.
૧૬ બધા ઇઝરાયેલીઓએ* જોયું કે રાજાએ તેઓનું સાંભળ્યું નથી ત્યારે, તેઓએ રાજાને કહ્યું: “દાઉદ સાથે અમારે શું લેવાદેવા? યિશાઈના દીકરાના વારસામાં અમારો કોઈ ભાગ નથી. ઓ ઇઝરાયેલીઓ, જાઓ અને પોતાના દેવોની ભક્તિ કરો. ઓ દાઉદના વંશજો, હવેથી તમે પોતે તમારી સંભાળ રાખજો.” એમ કહીને ઇઝરાયેલીઓ પોતપોતાનાં ઘરે* પાછા ફર્યા.+ ૧૭ પણ રહાબઆમ યહૂદાનાં શહેરોમાં રહેતા ઇઝરાયેલીઓ પર રાજ કરતો રહ્યો.+
૧૮ રાજા રહાબઆમે ઇઝરાયેલીઓ પાસે અદોરામને+ મોકલ્યો, જે રાજાના મજૂરોનો ઉપરી હતો. પણ બધા ઇઝરાયેલીઓએ તેને પથ્થરોથી એવો માર્યો કે તે મરી ગયો. એટલે રહાબઆમ પોતાના રથમાં બેસીને યરૂશાલેમ નાસી ગયો.+ ૧૯ ઇઝરાયેલીઓ આજ સુધી દાઉદના વંશજો સામે બળવો કરે છે.+
૨૦ આખા ઇઝરાયેલે સાંભળ્યું કે યરોબઆમ પાછો ફર્યો છે. તેઓએ તરત જ સભા ભરીને તેને બોલાવ્યો અને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો.+ યહૂદા કુળના લોકો સિવાય+ કોઈએ પણ દાઉદના વંશજોને સાથ આપ્યો નહિ.
૨૧ રહાબઆમ યરૂશાલેમ આવ્યો કે તરત તેણે તાલીમ પામેલા* ૧,૮૦,૦૦૦ લડવૈયાઓને ભેગા કર્યા. તેઓ યહૂદા અને બિન્યામીન કુળના હતા. સુલેમાનના દીકરા રહાબઆમે તેઓને ભેગા કર્યા, જેથી ઇઝરાયેલના લોકો સામે લડે અને પોતાની રાજસત્તા પાછી મેળવે.+ ૨૨ પણ સાચા ઈશ્વરના ભક્ત શમાયા+ પાસે સાચા ઈશ્વરનો આ સંદેશો આવ્યો: ૨૩ “સુલેમાનના દીકરા યહૂદાના રાજા રહાબઆમને, યહૂદા અને બિન્યામીન કુળના બધા લોકોને તથા બાકીના લોકોને કહે, ૨૪ ‘યહોવા આવું કહે છે: “તમે ત્યાં જતા નહિ અને પોતાના ઇઝરાયેલી ભાઈઓ સામે લડતા નહિ. તમે પોતાનાં ઘરે પાછા ફરો, કેમ કે મેં એ બધું થવા દીધું છે.”’”+ તેઓએ યહોવાની વાત માની અને યહોવાના કહેવા પ્રમાણે પોતાનાં ઘરે પાછા ગયા.
૨૫ યરોબઆમે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં શખેમ+ ફરતે કોટ બાંધ્યો અને ત્યાં રહ્યો. ત્યાંથી તે પનુએલ+ ગયો અને એની ફરતે કોટ બાંધ્યો. ૨૬ યરોબઆમે મનોમન વિચાર્યું: “એવું ન થાય કે રાજ્ય દાઉદના વંશજોના હાથમાં પાછું જતું રહે!+ ૨૭ યહોવાનું મંદિર યરૂશાલેમમાં છે અને લોકો બલિદાનો ચઢાવવા ત્યાં જાય છે.+ જો આમ ને આમ ચાલશે, તો લોકોનાં દિલ પોતાના માલિક, યહૂદાના રાજા રહાબઆમ તરફ ઢળી જશે. અરે, તેઓ મને મારી નાખશે અને યહૂદાના રાજા રહાબઆમ પાસે પાછા જતા રહેશે.” ૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો. ૩૦ એના લીધે લોકો પાપમાં પડ્યા+ અને વાછરડાની પૂજા કરવા છેક દાન સુધી જવા લાગ્યા.
૩૧ યરોબઆમે ભક્તિ-સ્થળોએ મંદિર બાંધ્યાં. તેણે એવા લોકોને યાજકો બનાવ્યા, જેઓ લેવી ન હતા.+ ૩૨ યરોબઆમે યહૂદાના તહેવાર જેવો જ એક તહેવાર ઠરાવ્યો.+ એ આઠમા મહિનાના ૧૫મા દિવસે હતો. તેણે બેથેલમાં+ ઊભી કરેલી વેદી પર, પોતે બનાવેલાં વાછરડાં આગળ બલિદાનો ચઢાવ્યાં. તેણે બેથેલમાં બનાવેલાં ભક્તિ-સ્થળો માટે યાજકો નીમ્યા. ૩૩ આઠમા મહિનાના ૧૫મા દિવસે બેથેલમાં બનાવેલી વેદી પર તે અર્પણો ચઢાવવા લાગ્યો. એ મહિનો તેણે પોતે પસંદ કર્યો હતો. તેણે ઇઝરાયેલના લોકો માટે તહેવાર ઠરાવ્યો. અર્પણો કરવા અને આગમાં બલિદાનો ચઢાવવા તે વેદી પાસે ગયો.