એઝરા
૩ હવે ઇઝરાયેલીઓ* પોતપોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા હતા. સાતમા મહિનાની+ શરૂઆતમાં તેઓ બધા એકમનના થઈને યરૂશાલેમમાં ભેગા થયા. ૨ યહોસાદાકના દીકરા યેશૂઆ+ અને તેના સાથી યાજકોએ તેમજ શઆલ્તીએલના+ દીકરા ઝરુબ્બાબેલ+ અને તેના ભાઈઓએ ઇઝરાયેલના ઈશ્વર માટે વેદી* બાંધી. સાચા ઈશ્વરના ભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં* લખેલું હતું+ એ પ્રમાણે તેઓએ અગ્નિ-અર્પણો* ચઢાવવા એ વેદી બાંધી.
૩ બીજી પ્રજાના લોકોનો ડર હોવા છતાં,+ તેઓએ એ જ જગ્યાએ વેદી બાંધી જ્યાં પહેલાં હતી. એના પર તેઓએ સવાર-સાંજ યહોવાને અગ્નિ-અર્પણો ચઢાવવાનું શરૂ કરી દીધું.+ ૪ નિયમશાસ્ત્રમાં લખેલું હતું એ પ્રમાણે, તેઓએ માંડવાનો તહેવાર* ઊજવ્યો.+ નિયમશાસ્ત્રમાં જેટલાં અગ્નિ-અર્પણો ચઢાવવાનું કહેવામાં આવ્યું હતું, એટલાં અર્પણો તેઓએ દરરોજ ચઢાવ્યાં.+ ૫ તેઓએ નિયમિત અગ્નિ-અર્પણ,+ ચાંદરાતોનાં*+ અર્પણો અને યહોવાના બધા પવિત્ર તહેવારોનાં અર્પણો ચઢાવ્યાં.+ દરેકે યહોવાને સ્વેચ્છા-અર્પણ પણ ચઢાવ્યું.+ ૬ હજી યહોવાના મંદિરનો પાયો નંખાયો ન હતો. તોપણ તેઓએ સાતમા મહિનાના પહેલા દિવસથી+ યહોવાને અગ્નિ-અર્પણો ચઢાવવાનું શરૂ કરી દીધું હતું.
૭ તેઓએ પથ્થર કાપનારાઓને+ અને કારીગરોને+ પૈસા આપ્યા. સિદોન અને તૂરના લોકોને ખોરાક, પાણી ને તેલ આપ્યાં, જેથી તેઓ લબાનોનથી યાફા સુધી દરિયાઈ માર્ગે દેવદારનાં લાકડાં લઈ આવે.+ ઈરાનના રાજા કોરેશનો+ એવો હુકમ હતો.
૮ ઇઝરાયેલીઓ યરૂશાલેમમાં સાચા ઈશ્વરના મંદિરે આવ્યા, એના બીજા વર્ષના બીજા મહિને મંદિરનું કામ શરૂ થયું. શઆલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ, યહોસાદાકના દીકરા યેશૂઆ અને તેઓના બાકીના ભાઈઓ, યાજકો અને લેવીઓ તેમજ ગુલામીમાંથી યરૂશાલેમ પાછા આવેલા લોકોએ+ કામ શરૂ કર્યું. તેઓએ ૨૦ વર્ષ કે એનાથી મોટી ઉંમરના લેવીઓને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવા ઠરાવ્યા. ૯ એટલે યેશૂઆ, તેના દીકરાઓ અને તેના ભાઈઓ તેમજ કાદમીએલ અને તેના દીકરાઓ ભેગા થયા, જે યહૂદાના દીકરાઓ હતા. તેઓ બધા સાચા ઈશ્વરના મંદિરમાં કામ કરતા લોકોની દેખરેખ રાખવા લાગ્યા. તેઓની સાથે હેનાદાદના વંશજો,+ તેઓના દીકરાઓ અને તેઓનાં સગાં-સંબંધીઓ પણ હતા, જેઓ લેવીઓ હતા.
૧૦ બાંધકામ કરનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો+ ત્યારે, મંદિરના ઝભ્ભા પહેરેલા યાજકોએ હાથમાં રણશિંગડાં* લીધા.+ લેવીઓમાંથી આસાફના દીકરાઓએ હાથમાં ઝાંઝો લીધી. ઇઝરાયેલના રાજા દાઉદે+ અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે તેઓ બધા યહોવાની સ્તુતિ કરવા ઊભા રહ્યા. ૧૧ તેઓ વારાફરતી યહોવાનો આભાર માનતા+ અને જયજયકાર કરતા ગાવા લાગ્યા: “તે કેટલા ભલા છે! ઇઝરાયેલ પર તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યહોવાના મંદિરનો પાયો નંખાયો હોવાથી, બધા લોકો જોરશોરથી યહોવાની સ્તુતિ કરવા લાગ્યા. ૧૨ ત્યાં એવા ઘણા યાજકો, લેવીઓ અને પિતાનાં કુટુંબોના વડાઓ હતા, જેઓ વૃદ્ધ થઈ ગયા હતા. તેઓએ અગાઉનું મંદિર જોયું હતું.+ આ મંદિરનો પાયો નંખાયો ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. બીજા ઘણા લોકો ખુશીના માર્યા મોટે સાદે જયજયકાર કરવા લાગ્યા.+ ૧૩ એટલે એ પારખવું મુશ્કેલ થઈ ગયું કે આ અવાજ લોકોની ખુશીનો છે કે તેઓના રડવાનો. લોકો એટલા મોટેથી પોકારતા હતા કે તેઓનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો.