હઝકિયેલ
૪૩ પછી તે મને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો.+ ૨ ત્યાં મેં પૂર્વ તરફથી ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ આવતું જોયું.+ તેમનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો હતો.+ આખી પૃથ્વી તેમના ગૌરવથી ઝળહળી ઊઠી.+ ૩ હું* શહેરનો વિનાશ કરવા આવ્યો* ત્યારે, મેં જે દર્શન જોયું હતું એવું એ દર્શન હતું. કબાર નદી+ પાસે જોયેલા દર્શન જેવું એ હતું. એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.
૪ પછી યહોવાનું ગૌરવ પૂર્વ તરફના દરવાજાથી મંદિરની અંદર ગયું.+ ૫ પવિત્ર શક્તિ* મને ઉઠાવીને અંદરના આંગણામાં લઈ ગઈ. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.+ ૬ મેં મંદિરમાંથી એક અવાજ સાંભળ્યો, જે મારી સાથે વાત કરતો હતો. એક માણસ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો.+ ૭ તેણે* મને કહ્યું:
“હે માણસના દીકરા, આ જગ્યા મારી રાજગાદી છે.+ એ મારા પગનું આસન છે.+ ઇઝરાયેલી લોકો વચ્ચે હું અહીં કાયમ રહીશ.+ હવેથી ઇઝરાયેલી લોકો અને તેઓના રાજાઓ મને બેવફા નહિ બને.* તેઓ મરી ગયેલા રાજાઓનાં* મડદાંથી મારું નામ બદનામ નહિ કરે.+ ૮ તેઓ પોતાનો ઉંબરો મારા ઉંબરાની બાજુમાં મૂકે છે, તેઓની બારસાખ મારી બારસાખની બાજુમાં મૂકે છે. મારી અને તેઓની વચ્ચે ફક્ત એક દીવાલ જ છે.+ તેઓએ અધમ કામો કરીને મારું પવિત્ર નામ બદનામ કર્યું છે. એટલે મેં ક્રોધે ભરાઈને તેઓનો વિનાશ કર્યો.+ ૯ પણ હવે જો તેઓ મને બેવફા નહિ બને* અને તેઓના રાજાઓનાં મડદાં મારી પાસેથી દૂર કરે, તો હું હંમેશ માટે તેઓની વચ્ચે રહીશ.+
૧૦ “હે માણસના દીકરા, તું ઇઝરાયેલી લોકો આગળ મંદિરનું વર્ણન કર,+ જેથી તેઓ પોતાના ગુનાઓને લીધે શરમાય.+ તેઓ મંદિરના નકશાને ધ્યાન આપે.* ૧૧ જો તેઓ પોતાનાં કામોને લીધે શરમાય, તો તું તેઓની નજર આગળ મંદિરનો નકશો દોર. એની ગોઠવણ, બહાર જવાના અને અંદર આવવાના દરવાજાઓ,+ બધા નકશા અને એની વિગતો વિશે જણાવ. તેઓને એના બધા નિયમો બતાવ, જેથી તેઓ બધા નકશા અને વિગતો ધ્યાનથી જુએ ને કાયદા-કાનૂન પાળે.+ ૧૨ મંદિરનો નિયમ આ છે: પર્વતની ટોચ ફરતેનો આખો વિસ્તાર એકદમ પવિત્ર છે.+ હા, મંદિરનો નિયમ એ છે.
૧૩ “વેદીનું માપ હાથ પ્રમાણે આમ છે+ (દરેક હાથ માપમાં ચાર આંગળ લંબાઈ ઉમેરી હતી):* એના તળિયાની ઊંચાઈ એક હાથ અને પહોળાઈ એક હાથ છે. એની ચારે બાજુની ધારની પહોળાઈ એક વેંત* છે. એ વેદીનું તળિયું છે. ૧૪ તળિયાની ઉપર ચારે બાજુએ એક નાની પાળી છે, જેની ઊંચાઈ બે હાથ અને પહોળાઈ એક હાથ છે. નાની પાળીની ઉપર ચારે બાજુએ એક મોટી પાળી છે, જેની ઊંચાઈ ચાર હાથ અને પહોળાઈ એક હાથ છે. ૧૫ વેદીનું મથાળું ચાર હાથ ઊંચું છે. વેદીના મથાળાને ચાર શિંગડાં* છે.+ ૧૬ વેદીનું મથાળું ચોરસ છે, ૧૨ હાથ લાંબું અને ૧૨ હાથ પહોળું.+ ૧૭ મોટી પાળીની દરેક બાજુની લંબાઈ ૧૪ હાથ છે. પાળીની ચારે બાજુની ધારનું માપ અડધો હાથ છે. વેદીના તળિયાની પહોળાઈ ચારે બાજુથી એક હાથ છે.
“એનાં પગથિયાં પૂર્વ તરફ છે.”
૧૮ પછી તેણે મને કહ્યું: “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘વેદી બંધાઈ જાય ત્યારે આ સૂચનો પાળવાં, જેથી એના પર અગ્નિ-અર્પણો ચઢાવવામાં આવે અને લોહી છાંટવામાં આવે.’+
૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું ટોળામાંથી એક આખલો* લે. એ પાપ-અર્પણ+ તરીકે સાદોકના વંશજો, લેવી યાજકોને આપ,+ જેઓ મારી સેવા કરવા મારી આગળ આવે છે. ૨૦ તું એમાંનું થોડું લોહી લઈને વેદીનાં ચાર શિંગડાં પર લગાડ. મોટી પાળીના ચાર ખૂણાઓ પર અને ચારે બાજુની ધાર પર એ લગાડ. આ રીતે વેદીને પાપથી શુદ્ધ કર અને એના માટે પ્રાયશ્ચિત્ત* કર.+ ૨૧ પછી પાપ-અર્પણ માટેનો આખલો લે અને પવિત્ર સ્થાનની બહાર મંદિરમાં ઠરાવેલી જગ્યાએ એને બાળ.+ ૨૨ બીજા દિવસે તું પાપ-અર્પણ તરીકે એક બકરાનું બલિદાન ચઢાવ, જે ખોડખાંપણ વગરનો હોય. યાજકો વેદીને પાપથી શુદ્ધ કરશે, જેમ તેઓએ આખલાના લોહીથી એને શુદ્ધ કરી હતી.’
૨૩ “‘તું વેદીને પાપથી શુદ્ધ કરવાનું પૂરું કરે પછી, ટોળામાંથી એક આખલાનું અને એક નર ઘેટાનું અર્પણ કર, જે ખોડખાંપણ વગરના હોય. ૨૪ તારે તેઓને યહોવા આગળ લાવવા. યાજકો તેઓ પર મીઠું નાખે+ અને યહોવાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. ૨૫ સાત દિવસો સુધી તારે દરરોજ પાપ-અર્પણ તરીકે નર બકરો ચઢાવવો.+ એની સાથે ટોળામાંથી એક આખલો અને નર ઘેટો ચઢાવવો. તારે ખોડખાંપણ વગરનાં* પ્રાણીઓનું અર્પણ કરવું. ૨૬ સાત દિવસો સુધી યાજકો વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તેઓ વેદી શુદ્ધ કરે અને વાપરવા માટે તૈયાર કરે. ૨૭ એ દિવસો પૂરા થયા પછી, આઠમા દિવસથી+ યાજકો વેદી પર તમારા* માટે અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવશે. એ પછી હું તમારો સ્વીકાર કરીશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”