નિર્ગમન
૩ મૂસા ઘેટાંપાળક બન્યો અને તે પોતાના સસરા યિથ્રોનાં ઘેટાં-બકરાં સાચવતો હતો.+ યિથ્રો મિદ્યાનનો યાજક હતો. એક દિવસ મૂસા ટોળાને ચરાવવા વેરાન પ્રદેશની પશ્ચિમે જતો હતો. ફરતાં ફરતાં તે હોરેબ પર્વત આગળ આવી પહોંચ્યો. એ સાચા ઈશ્વરનો પર્વત હતો.+ ૨ પછી યહોવાનો* એક દૂત* બળતા ઝાડવાની જ્વાળાઓમાં મૂસા આગળ પ્રગટ થયો.+ મૂસાએ જોયું કે ઝાડવું સળગી રહ્યું છે, પણ ભસ્મ થતું નથી. ૩ તેથી તેણે વિચાર્યું: “આ તો કેટલું અદ્ભુત છે! હું નજીક જઈને જોઉં કે, એ ઝાડવું કેમ ભસ્મ થતું નથી.” ૪ યહોવાએ જોયું કે મૂસા ઝાડવા નજીક જઈ રહ્યો છે ત્યારે, તેમણે ઝાડવામાંથી બૂમ પાડતા કહ્યું: “મૂસા! મૂસા!” એ સાંભળીને તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૫ ઈશ્વરે તેને કહ્યું: “વધારે નજીક આવતો નહિ. તારાં ચંપલ કાઢ, કેમ કે તું ઊભો છે એ જગ્યા પવિત્ર* છે.”
૬ પછી ઈશ્વરે કહ્યું: “હું તારા બાપદાદાઓનો* ઈશ્વર છું. ઇબ્રાહિમનો ઈશ્વર,+ ઇસહાકનો ઈશ્વર+ અને યાકૂબનો ઈશ્વર છું.”+ એ સાંભળીને મૂસાએ પોતાનું મોં ઢાંકી દીધું, કેમ કે તે સાચા ઈશ્વરની સામે જોતા ડરતો હતો. ૭ ઈશ્વર યહોવાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો જુલમ મેં જોયો છે. હા, મેં તેઓને સખત મજૂરી કરતા જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓની પીડા હું સારી રીતે જાણું છું.+ ૮ હું મારા લોકોને ઇજિપ્તના હાથમાંથી છોડાવવા નીચે ઊતરીશ.+ હું તેઓને ઉત્તમ અને વિશાળ દેશમાં, હા, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ.+ એ દેશમાં લઈ જઈશ, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.+ ૯ હવે મારા લોકોનો પોકાર મારા કાને પડ્યો છે. ઇજિપ્તવાસીઓ તેઓ પર જે જુલમ ગુજારે છે, એ મેં નજરોનજર જોયું છે.+ ૧૦ હું તને ઇજિપ્તના રાજા પાસે મોકલીશ. તું મારા લોકોને, હા, ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.”+
૧૧ મૂસાએ સાચા ઈશ્વરને કહ્યું: “રાજા પાસે જઈને ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર હું કોણ?” ૧૨ તેમણે કહ્યું: “હું જરૂર તારી સાથે રહીશ.+ હું તને વચન આપું છું કે તું મારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢીશ, પછી તમે બધા આ પર્વત પર સાચા ઈશ્વરની ભક્તિ કરશો.+ મારું એ વચન પૂરું થશે ત્યારે, તને ખાતરી થઈ જશે કે મેં જ તને મોકલ્યો છે.”
૧૩ મૂસાએ સાચા ઈશ્વરને કહ્યું: “જો હું ઇઝરાયેલીઓને જઈને કહું કે, ‘તમારા બાપદાદાઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’+ તો હું શું કહું?” ૧૪ ઈશ્વરે તેને કહ્યું: “હું જે બનવા ચાહું છું, એ બનીશ.”*+ તેમણે આગળ કહ્યું: “ઇઝરાયેલીઓને કહેજે, ‘જે પોતાને “હું બનીશ” કહે છે, તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.’”+ ૧૫ ઈશ્વરે ફરી મૂસાને કહ્યું:
“તું ઇઝરાયેલીઓને કહેજે, ‘તમારા ઈશ્વર યહોવાએ, હા, તમારા બાપદાદાઓના ઈશ્વરે, ઇબ્રાહિમના ઈશ્વરે,+ ઇસહાકના ઈશ્વરે+ અને યાકૂબના ઈશ્વરે+ મને તમારી પાસે મોકલ્યો છે.’ હંમેશ ને હંમેશ માટે એ જ મારું નામ છે.+ પેઢી દર પેઢી એ જ નામથી મને યાદ રાખવામાં આવશે. ૧૬ હવે જા, ઇઝરાયેલના વડીલોને ભેગા કરીને કહે, ‘ઈશ્વર યહોવાએ, હા, તમારા બાપદાદાઓના ઈશ્વરે, ઇબ્રાહિમના, ઇસહાકના અને યાકૂબના ઈશ્વરે મારી આગળ પ્રગટ થઈને કહ્યું છે: “મેં તમારા પર ધ્યાન આપ્યું છે+ અને ઇજિપ્તમાં તમારી ખરાબ હાલત જોઈ છે. ૧૭ હું તમને ઇજિપ્તના પંજામાંથી, તેના જુલમમાંથી છોડાવીશ.+ પછી તમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં+ લઈ જઈશ, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ,+ પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ+ વસે છે.”’
૧૮ “તેઓ જરૂર તારી વાત માનશે.+ તું અને ઇઝરાયેલના વડીલો જઈને ઇજિપ્તના રાજાને કહેજો: ‘હિબ્રૂઓના* ઈશ્વર યહોવાએ+ અમારી સાથે વાત કરી છે. તમે અમને ત્રણ દિવસની મુસાફરી કરીને* વેરાન પ્રદેશમાં જવાની મંજૂરી આપો, જેથી અમે અમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવી શકીએ.’+ ૧૯ પણ હું સારી રીતે જાણું છું કે, ઇજિપ્તનો રાજા તમને નહિ જવા દે. મારી શક્તિનો પરચો મળશે પછી જ તે તમને જવા દેશે.+ ૨૦ એટલે મારે હાથ ઉગામીને ઇજિપ્તને સજા કરવી પડશે અને અદ્ભુત કામો દેખાડવાં પડશે. એ પછી જ રાજા તમને જવા દેશે.+ ૨૧ ઇજિપ્તના લોકોની રહેમનજર તમારા પર થાય, એવું હું કરીશ. તમે ત્યાંથી ખાલી હાથે નહિ નીકળો.+ ૨૨ દરેક સ્ત્રીએ પોતાની પડોશણ અને પોતાના ઘરમાં રહેતી બીજી સ્ત્રીઓ પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગવાં. એ તમારે પોતાનાં દીકરા-દીકરીઓને પહેરાવવાં. આમ તમે ઇજિપ્તના લોકોને લૂંટી લેશો.”+