રોમનોને પત્ર
૯ ખ્રિસ્તના શિષ્ય તરીકે હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી. મારું અંતઃકરણ પવિત્ર શક્તિ દ્વારા સાક્ષી પૂરે છે કે, ૨ મારા દિલમાં ભારે શોક છે, એવી વેદના છે જે દૂર થતી જ નથી. ૩ મારા ભાઈઓ, જેઓ મારી જાતિના છે, તેઓ ખ્રિસ્તને પગલે ચાલતા નથી. તેઓના ભલા માટે હું તેઓની સજા ભોગવવા પણ તૈયાર છું. ૪ તેઓ તો ઇઝરાયેલીઓ છે. ઈશ્વરે તેઓને દીકરાઓ તરીકે દત્તક લીધા.+ તેમણે તેઓને પોતાનો મહિમા બતાવ્યો. તેઓને અનેક કરાર,*+ નિયમશાસ્ત્ર+ અને વચનો આપ્યાં.+ તેઓને સેવા કરવાનું સન્માન પણ આપ્યું.+ ૫ તેઓ આપણા બાપદાદાઓમાંથી આવ્યા છે+ અને તેઓના વંશમાંથી ખ્રિસ્ત આવ્યા છે.+ સર્વ પર રાજ કરનાર ઈશ્વરની હંમેશાં સ્તુતિ થાઓ. આમેન.
૬ એવું નથી કે ઈશ્વરનું વચન નકામું ગયું છે, કેમ કે ઇઝરાયેલથી* થયેલા સર્વ લોકો ખરેખર ઇઝરાયેલીઓ નથી.+ ૭ એવું પણ નથી કે તેઓ ઇબ્રાહિમના વંશજ હોવાથી તેમનાં બાળકો ગણાય છે.+ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું: “વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.”+ ૮ એ બતાવે છે કે ઇબ્રાહિમનાં બધાં બાળકો કંઈ ઈશ્વરનાં બાળકો ગણાતાં નથી.+ પણ ઈશ્વરના વચન પ્રમાણે જન્મેલાં બાળકો ખરા વંશજ ગણાય છે.+ ૯ કેમ કે ઈશ્વરે વચન આપ્યું હતું: “હું આવતા વર્ષે આ સમયે ચોક્કસ પાછો આવીશ અને સારાહને એક દીકરો થશે.”+ ૧૦ પછી આપણા પૂર્વજ ઇસહાકથી રિબકાએ જોડિયાં બાળકોનો ગર્ભ ધર્યો, ત્યારે પણ વચન આપવામાં આવ્યું હતું.+ ૧૧ એ સમયે હજુ બાળકોનો જન્મ થયો ન હતો. તેઓએ સારું કે ખરાબ કંઈ કર્યું ન હતું. પણ ઈશ્વરે પહેલેથી જણાવ્યું હતું કે તે કોને પસંદ કરશે, કેમ કે ઈશ્વર ચાહે તેને પસંદ કરે છે અને એનો આધાર માણસોનાં કામ પર નથી. ૧૨ ઈશ્વરે રિબકાને કહ્યું હતું: “મોટો દીકરો નાના દીકરાનો દાસ થશે.”+ ૧૩ જેમ શાસ્ત્ર કહે છે, “મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો અને એસાવનો ધિક્કાર કર્યો.”+
૧૪ તો શું આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર અન્યાય કરે છે? એવું જરાય નથી!+ ૧૫ કેમ કે ઈશ્વરે મૂસાને કહ્યું: “જેને હું દયા બતાવવા ચાહું છું, તેને હું દયા બતાવીશ અને જેને હું કરુણા બતાવવા ચાહું છું, તેને હું કરુણા બતાવીશ.”+ ૧૬ એટલે એ બધાનો આધાર વ્યક્તિની ઇચ્છા પર કે તેની મહેનત પર નહિ,* પણ દયા બતાવનાર ઈશ્વર પર છે.+ ૧૭ કેમ કે ઇજિપ્તના રાજા* વિશે શાસ્ત્ર કહે છે, “તને હમણાં સુધી જીવતો રાખવાનું કારણ એ છે કે, તું મારું સામર્થ્ય જુએ અને મારું નામ આખી પૃથ્વી પર જાહેર થાય.”+ ૧૮ તેથી ઈશ્વર ચાહે તેને દયા બતાવે છે, પણ જે હઠીલો બનવા ચાહે, તેને હઠીલો બનવા દે છે.+
૧૯ કોઈ મને પૂછશે: “તો ઈશ્વર આપણામાં કેમ દોષ કાઢે છે? તેમની ઇચ્છા સામે કોણ ઊભું રહી શકે?” ૨૦ પણ હે માણસ, તું કોણ કે ઈશ્વરને સામો જવાબ આપે?+ શું કોઈ ઘડેલી વસ્તુ પોતાના ઘડનારને કહેશે, “તેં મને આવી કેમ બનાવી?”+ ૨૧ શું કુંભારને માટી પર હક નથી+ કે તે એક જ ગારામાંથી એક વાસણ ખાસ* કામ માટે અને બીજું વાસણ સામાન્ય* કામ માટે બનાવે? ૨૨ ઈશ્વર તો ચાહતા હતા કે તે પોતાનો ગુસ્સો બતાવે અને પોતાની તાકાત જાહેર કરે. છતાં તે કોપનાં વાસણોને, એટલે કે તેમને ગુસ્સે કરનાર લોકોને ધીરજથી સહન કરે છે, જેઓ નાશને લાયક છે. ૨૩ તેમણે દયાનાં વાસણોને પોતાનો ભવ્ય મહિમા બતાવવા એવું કર્યું.+ તેમણે તેઓને મહિમા મેળવવા તૈયાર કર્યાં છે. ૨૪ એ વાસણો આપણે છીએ, જેઓને તેમણે યહૂદીઓમાંથી જ નહિ, બીજી પ્રજાઓમાંથી પણ બોલાવ્યા છે.+ ૨૫ હોશિયાના પુસ્તકમાં લખ્યું હતું એ પ્રમાણે જ થઈ રહ્યું છે: “જેઓ મારા લોકો ન હતા,+ તેઓને હું ‘મારા લોકો’ કહીશ અને જેઓ મને વહાલા ન હતા,* તેઓને હું ‘વહાલા’ કહીશ.+ ૨૬ જે જગ્યાએ તેઓને કહેવામાં આવ્યું હતું, ‘તમે મારા લોકો નથી,’ ત્યાં તેઓને કહેવામાં આવશે, ‘તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો.’”+
૨૭ યશાયા પ્રબોધક ઇઝરાયેલ વિશે પોકાર કરે છે: “ભલે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય, તોપણ બહુ થોડાને જ બચાવવામાં આવશે.+ ૨૮ કેમ કે યહોવા* પૃથ્વીનો ન્યાય કરશે, પૂરેપૂરો ન્યાય કરશે અને જલદી જ એને સજા ફટકારશે.”+ ૨૯ યશાયાએ પહેલેથી જણાવ્યું હતું: “જો સૈન્યોના ઈશ્વર યહોવાએ* આપણા માટે વંશજ રાખ્યો ન હોત, તો આપણે સદોમ જેવા થઈ ગયા હોત, આપણી દશા ગમોરાહ જેવી થઈ ગઈ હોત.”+
૩૦ તો પછી આપણે શું કહીશું? બીજી પ્રજાના લોકો ભલે ખરા માર્ગે ચાલતા નથી, છતાં શ્રદ્ધાને લીધે તેઓને નેક* ગણવામાં આવે છે.+ ૩૧ ઇઝરાયેલીઓએ નિયમ પ્રમાણે ખરા માર્ગે ચાલવાનો પ્રયત્ન તો કર્યો, પણ નિયમનું પૂરેપૂરું પાલન ન કરી શક્યા. ૩૨ કેમ ન કરી શક્યા? કેમ કે તેઓ શ્રદ્ધાથી નહિ, પણ કાર્યોથી નેક ગણાવવા માંગતા હતા. તેઓએ “ઠોકર ખવડાવનાર પથ્થર” પર ઠોકર ખાધી.+ ૩૩ જેમ શાસ્ત્ર કહે છે: “જુઓ! હું સિયોનમાં ઠોકર ખવડાવનાર પથ્થર+ અને ઠેસ પહોંચાડનાર ખડક મૂકું છું, પણ જે કોઈ એના પર શ્રદ્ધા મૂકે છે તે નિરાશ નહિ થાય.”+