રોમનોને પત્ર
૧૧ હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને ત્યજી દીધા છે?+ ના, જરાય નહિ! હું પોતે પણ ઇઝરાયેલી છું, ઇબ્રાહિમનો વંશજ અને બિન્યામીનના કુળનો છું. ૨ ઈશ્વરે જે લોકો પર પહેલા ખાસ ધ્યાન આપ્યું હતું, તેઓને ત્યજી દીધા નથી.+ એલિયાએ ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી હતી, એ વિશે શાસ્ત્ર જે કહે છે એ શું તમે નથી જાણતા? એલિયાએ કહ્યું હતું: ૩ “હે યહોવા,* તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તેઓએ તમારી વેદીઓ* તોડી પાડી છે અને હું એકલો જ બચી ગયો છું. હવે તેઓ મારો પણ જીવ લેવા માંગે છે.”+ ૪ ઈશ્વરે તેમને શું જવાબ આપ્યો? “હજુ પણ ૭,૦૦૦ એવા લોકો છે, જેઓ બઆલ* આગળ ઘૂંટણિયે પડ્યા નથી.”+ ૫ આજે પણ બચી ગયેલા અમુક લોકો છે,+ જેઓને ઈશ્વરની અપાર કૃપાને લીધે પસંદ કરવામાં આવ્યા છે. ૬ હવે જો પસંદ કરવું અપાર કૃપાથી હોય,+ તો એ આપણાં કાર્યોથી ન હોય શકે,+ નહિતર એ અપાર કૃપા, અપાર કૃપા ન કહેવાય.
૭ તો પછી આપણે શું કહીશું? ઇઝરાયેલી લોકો ખંતથી જે શોધતા હતા, એ તેઓને મળ્યું નહિ. પસંદ થયેલા અમુક લોકોને એ મળ્યું.+ બાકી લોકોનાં મન બહેર મારી ગયાં હતાં.+ ૮ જેમ શાસ્ત્ર કહે છે: “આજ સુધી ઈશ્વરે તેઓને ભરઊંઘમાં નાખ્યા છે.+ તેઓને એવી આંખો આપી નથી જે જુએ અને એવા કાન આપ્યા નથી જે સાંભળે.”+ ૯ દાઉદે પણ કહ્યું હતું: “તેઓની મિજબાની* તેઓ માટે ફાંદો અને જાળ, ઠોકર ખવડાવનાર પથ્થર અને સજા બની જાય. ૧૦ તેઓની આંખો અંધકારરૂપ થઈ જાય, જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ બોજથી વાંકી વળી જાય.”+
૧૧ હું પૂછું છું, શું યહૂદીઓ ઠોકર ખાઈને એ હદે પડી ગયા કે ઊભા ન થઈ શકે? ના, એવું નથી! પણ તેઓએ ખોટું પગલું ભર્યું એટલે બીજી પ્રજાના લોકોને ઉદ્ધાર મળ્યો. એનાથી યહૂદીઓને ઈર્ષા થઈ.+ ૧૨ તેઓના ખોટા પગલાથી દુનિયાને આશીર્વાદો મળ્યા અને તેઓની સંખ્યા ઘટવાને લીધે બીજી પ્રજાઓને વધારે આશીર્વાદો મળ્યા.+ તો વિચારો, તેઓની* સંખ્યા પૂરી થશે ત્યારે કેટલા વધારે આશીર્વાદો મળશે!
૧૩ હવે, તમે જેઓ બીજી પ્રજાના લોકો છો, તેઓ સાથે હું વાત કરું છું. હું બીજી પ્રજાઓ માટે એક પ્રેરિત છું,+ એટલે મારા સેવાકાર્યને ખૂબ મહત્ત્વનું ગણું છું.+ ૧૪ હું આશા રાખું છું કે હું કોઈક રીતે મારા લોકોમાં ઈર્ષા જગાડું અને તેઓમાંથી અમુકને બચાવું. ૧૫ તેઓને ત્યજી દેવાથી+ અમુક લોકોને ઈશ્વર સાથે સુલેહ કરવા મદદ મળી. જો ઈશ્વર હવે તેઓનો સ્વીકાર કરે, તો તેઓ જાણે મરણમાંથી પાછા જીવતા થશે. ૧૬ વધુમાં, બાંધેલા લોટમાંથી પ્રથમ હિસ્સા* તરીકે લીધેલો અમુક ભાગ જો પવિત્ર હોય, તો આખો લોટ પવિત્ર છે અને જો ઝાડનું મૂળ પવિત્ર હોય, તો ડાળીઓ પણ પવિત્ર છે.
૧૭ પણ ઝાડની અમુક ડાળીઓ તોડી નાખવામાં આવી. તું જંગલી જૈતૂનનું ઝાડ હતો, તોપણ તને તેઓમાં કલમ કરવામાં આવ્યો. હવે તું જૈતૂનના મૂળમાંથી પોષણ મેળવે છે. ૧૮ પણ એવું ન વિચાર કે તું તૂટેલી ડાળીઓ કરતાં ચઢિયાતો છે. જો તું એવું અભિમાન કરે+ તો યાદ રાખજે, તું મૂળને નહિ, પણ મૂળ તને આધાર આપે છે. ૧૯ અમુક કહેશે: “ડાળીઓ તોડવામાં આવી, જેથી મને કલમ કરવામાં આવે.”+ ૨૦ એ સાચું છે! કેમ કે શ્રદ્ધાની ખામીને લીધે તેઓને તોડવામાં આવી,+ પણ તારી શ્રદ્ધાને લીધે તને એ જગ્યા આપવામાં આવી.+ એટલે તું ઘમંડ ન કર, પણ ડર રાખ. ૨૧ જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો શું તે તને બચાવશે? ૨૨ તું જોઈ શકે છે કે ઈશ્વર કૃપાળુ છે+ અને કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ માટે તે કડક છે,+ કેમ કે તેઓમાં શ્રદ્ધા ન હતી. જ્યાં સુધી તું તેમની કૃપાને લાયક રહીશ, ત્યાં સુધી તે તને કૃપા બતાવતા રહેશે, નહિતર તને પણ કાપી નાખવામાં આવશે. ૨૩ જો યહૂદીઓ શ્રદ્ધા બતાવે, તો તેઓને ફરીથી કલમ કરવામાં આવશે,+ કેમ કે ઈશ્વર એવું કરી શકે છે. ૨૪ તને જંગલી જૈતૂનના ઝાડમાંથી કાપીને કુદરત વિરુદ્ધ બગીચાના જૈતૂનના ઝાડમાં કલમ કરવામાં આવ્યો. તો પછી અસલ ડાળીઓને પોતાના જૈતૂનના ઝાડમાં કલમ કરવી કેટલું સહેલું છે!
૨૫ ભાઈઓ, હું ચાહું છું કે તમે પવિત્ર રહસ્ય જાણો,+ જેથી તમે પોતાને વધુ પડતા બુદ્ધિમાન ન ગણો. એ રહસ્ય આ છે: બીજી પ્રજાના લોકોની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી, અમુક ઇઝરાયેલીઓનાં દિલ હઠીલાં રહેશે ૨૬ અને આ રીતે આખા ઇઝરાયેલને+ બચાવવામાં આવશે. જેમ શાસ્ત્ર કહે છે: “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર* આવશે+ અને યાકૂબના વંશજોમાંથી દુષ્ટતા દૂર કરશે. ૨૭ જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,+ ત્યારે એ કરાર હું તેઓ સાથે કરીશ.”+ ૨૮ સાચે જ, તેઓ* ઈશ્વરે આપેલી ખુશખબરના દુશ્મન છે અને એનાથી તમને ફાયદો થયો છે. પણ ઈશ્વરે તેઓને પસંદ કર્યા અને પ્રેમ બતાવ્યો, કેમ કે તેમણે તેઓના બાપદાદાઓને વચન આપ્યું હતું.+ ૨૯ ઈશ્વર પોતાની ભેટો માટે અને પોતાના બોલાવેલા લોકો માટે અફસોસ* કરશે નહિ. ૩૦ એક સમયે તમે ઈશ્વરની આજ્ઞા માનતા ન હતા.+ પણ યહૂદીઓએ આજ્ઞા ન માની,+ એટલે તમારા પર કૃપા બતાવવામાં આવી.+ ૩૧ હા, તેઓએ આજ્ઞા ન માની, એટલે તમારા પર કૃપા બતાવવામાં આવી. પણ તમારી જેમ કદાચ તેઓને પણ કૃપા બતાવવામાં આવે. ૩૨ કેમ કે બધા લોકો આજ્ઞા તોડે છે અને ઈશ્વરે તેઓને એ સ્થિતિમાં રહેવા દીધા છે,+ જેથી તે બધા પર કૃપા બતાવી શકે.+
૩૩ ઈશ્વરના આશીર્વાદ અને બુદ્ધિ અને જ્ઞાનનો કોઈ પાર નથી! તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે? તેમના માર્ગો કોણ સમજી શકે? ૩૪ કેમ કે લખેલું છે: “યહોવાનું* મન કોણ જાણે છે? તેમને કોણ સલાહ આપી શકે?”+ ૩૫ અથવા “કોણે પહેલા ઈશ્વરને કંઈક આપ્યું છે કે ઈશ્વરે તેને પાછું આપવું પડે?”+ ૩૬ કેમ કે બધું તેમની પાસેથી, તેમના દ્વારા અને તેમના માટે છે. હંમેશાં તેમને જ મહિમા મળતો રહે. આમેન.