માલાખી
૧ ઈશ્વરનો ન્યાયચુકાદો:
યહોવાએ* માલાખી* દ્વારા ઇઝરાયેલને આ સંદેશો જણાવ્યો:
૨ યહોવા કહે છે: “મેં તમારા પર પ્રેમ રાખ્યો છે.”+
પણ તમે કહો છો: “તમે અમારા પર કઈ રીતે પ્રેમ રાખ્યો છે?”
યહોવા કહે છે: “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો?+ પણ મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો ૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+
૪ “અદોમ* ભલે કહે, ‘અમને કચડી નાખવામાં આવ્યા છે. પણ અમે પાછા આવીશું અને ઉજ્જડ થયેલી જગ્યાઓ ફરી બાંધીશું.’ સૈન્યોના ઈશ્વર યહોવા* કહે છે: ‘તેઓ બાંધશે, પણ હું એને તોડી પાડીશ. અદોમ વિશે કહેવામાં આવશે કે એ “દુષ્ટોનો દેશ” છે અને “એના લોકોને યહોવાએ સદા માટે દોષિત ઠરાવ્યા છે.”+ ૫ તમે સગી આંખે જોશો અને કહેશો: “ઇઝરાયેલના આખા પ્રદેશ પર યહોવાનો મહિમા થાય.”’”
૬ “મારા નામનું અપમાન કરનાર યાજકો,*+ હું સૈન્યોનો ઈશ્વર યહોવા તમને પૂછું છું: ‘દીકરો પોતાના પિતાને અને ચાકર પોતાના માલિકને માન આપે છે.+ હવે જો હું તમારો પિતા હોઉં,+ તો તમે કેમ મને માન આપતા નથી?+ જો હું તમારો માલિક હોઉં, તો તમે કેમ મારો ડર* રાખતા નથી?’
“‘તમે કહો છો: “અમે કઈ રીતે તમારા નામનું અપમાન કર્યું છે?”’
૭ “‘મારી વેદી* પર અશુદ્ધ ખોરાક* ચઢાવીને.’
“‘તમે કહો છો: “અમે કઈ રીતે તમને અશુદ્ધ કર્યા છે?”’
“‘આમ કહીને કે, “યહોવાની મેજ+ ધિક્કારને લાયક છે.” ૮ જ્યારે તમે આંધળા પ્રાણીનું બલિદાન ચઢાવો છો, ત્યારે કહો છો: “એમાં કંઈ ખોટું નથી.” જ્યારે લંગડા કે બીમાર પ્રાણીનું બલિદાન ચઢાવો છો, ત્યારે કહો છો: “એમાં કંઈ ખોટું નથી.”’”+
“જરા તમારા અધિકારીને* એવાં પ્રાણીઓની ભેટ આપી જુઓ. શું તે એનાથી ખુશ થશે? શું તે તમારા પર કૃપા કરશે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૯ “હવે જરા ઈશ્વરને વિનંતી કરો કે તે કૃપા કરે. શું તમને લાગે છે કે તમે પોતાના હાથે જે બલિદાનો ચઢાવો છો, એના માટે તે તમારા પર કૃપા કરશે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૦ “દરવાજા* બંધ કરવા+ તો દૂરની વાત, પૈસા લીધા વગર કોઈ મારી વેદી પર અગ્નિ પણ સળગાવતો નથી.+ હું તમારાથી જરાય ખુશ નથી. તમારાં ભેટ-અર્પણોથી મને જરાય ખુશી મળતી નથી,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.+
૧૧ “પૂર્વથી પશ્ચિમ સુધી* બધી પ્રજાઓમાં મારા નામનો જયજયકાર થશે.+ દરેક જગ્યાએ બલિદાનો ચઢાવવામાં આવશે.* મારા નામે અર્પણો, શુદ્ધ ભેટો ચઢાવવામાં આવશે, કેમ કે બધી પ્રજાઓ મારા નામનો મહિમા ગાશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૨ “તમે આમ કહીને એને* ભ્રષ્ટ કરો છો,+ ‘યહોવાની મેજ અશુદ્ધ છે. એના પર ચઢાવેલો ખોરાક ધિક્કારને લાયક છે.’+ ૧૩ તમે એમ પણ કહો છો, ‘અમે આ બધાથી કંટાળી ગયા છીએ!’ તમે મોં પણ મચકોડો છો,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. “તમે તો ચોરેલાં, લંગડાં અને બીમાર પ્રાણીઓ મને ચઢાવો છો. હા, તમે એવાં પ્રાણીઓ મને ભેટમાં આપો છો! શું તમને લાગે છે, હું એવી ભેટ સ્વીકારીશ?”+ એવું યહોવા કહે છે.
૧૪ “હું રાજાઓનો રાજા છું+ અને બધી પ્રજાઓમાં મારું નામ ડર અને આદરથી લેવામાં આવશે.+ એટલે ધિક્કાર છે એ કપટી માણસને, જેની પાસે તંદુરસ્ત પ્રાણી* હોવા છતાં માનતા લઈને યહોવાને ખોડવાળું પ્રાણી ચઢાવે છે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.