નિર્ગમન
૫ પછી મૂસા અને હારુને ઇજિપ્તના રાજા પાસે જઈને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘મારા લોકોને વેરાન પ્રદેશમાં જવા દે, જેથી તેઓ મારા માટે તહેવાર ઊજવી શકે.’” ૨ રાજાએ કહ્યું: “યહોવા કોણ+ કે તેની વાત માનીને હું ઇઝરાયેલીઓને જવા દઉં?+ હું કોઈ યહોવાને ઓળખતો નથી! કાન ખોલીને સાંભળી લો, હું ઇઝરાયેલીઓને જવા નહિ દઉં.”+ ૩ પણ તેઓએ કહ્યું: “હિબ્રૂઓના ઈશ્વરે અમારી સાથે વાત કરી છે. અમારે ત્રણ દિવસની મુસાફરી કરીને* વેરાન પ્રદેશમાં જવું છે. ત્યાં અમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવવું છે.+ જો એમ નહિ કરીએ, તો તે અમારા પર બીમારી લાવશે અથવા અમને તલવારથી મારી નાખશે.” ૪ રાજાએ તેઓને કહ્યું: “મૂસા અને હારુન, તમે કેમ લોકોને કામથી દૂર લઈ જવા માંગો છો? નીકળો અહીંથી અને કામે લાગો!”+ ૫ પછી રાજાએ કહ્યું: “જુઓ, આ દેશમાં તમારા લોકોની વસ્તી કેટલી બધી છે! શું તમે એમ ચાહો છો કે, તેઓ પોતાનું કામ પડતું મૂકીને તમારી પાછળ આવે?”
૬ એ જ દિવસે રાજાએ અધિકારીઓ અને ઇઝરાયેલી ઉપરીઓને હુકમ કર્યો: ૭ “હવેથી ઈંટો બનાવવા તમે મજૂરોને પરાળ* આપતા નહિ.+ તેઓને જાતે જઈને એ ભેગું કરવા દો. ૮ પણ તેઓ અગાઉ જેટલી ઈંટો બનાવતા હતા, એટલી જ ઈંટો બનાવવાની તેઓને ફરજ પાડો. તેઓનું કામ જરાય ઓછું કરતા નહિ. તેઓ કામચોર છે, એટલે કહ્યા કરે છે, ‘અમારે જવું છે, અમારા ઈશ્વરને બલિદાન ચઢાવવું છે!’ ૯ તેઓ પાસે સખત મજૂરી કરાવો. તેઓને જરાય નવરા પડવા ન દો, જેથી તેઓ પાસે ખોટી વાતો પર ધ્યાન આપવાનો સમય જ ન રહે.”
૧૦ અધિકારીઓએ+ અને ઉપરીઓએ લોકો પાસે જઈને કહ્યું: “સાંભળો, રાજા કહે છે, ‘હવેથી હું તમને પરાળ નહિ આપું. ૧૧ જાઓ, પોતે જઈને જ્યાંથી પણ પરાળ મળે, ત્યાંથી ભેગું કરી લાવો. પણ ઈંટો તો તમારે એટલી જ બનાવવી પડશે.’” ૧૨ પછી લોકો પરાળ ભેગું કરવા આખા ઇજિપ્તમાં ફરી વળ્યા. ૧૩ અધિકારીઓ તેઓ પર બળજબરી કરતા અને કહેતા: “પરાળ આપવામાં આવતું હતું ત્યારે, તમે રોજ જેટલું કામ કરતા હતા, એટલું જ કામ તમારે હમણાં પણ કરવું પડશે.” ૧૪ રાજાના અધિકારીઓએ જે ઇઝરાયેલી ઉપરીઓ નીમ્યા હતા, તેઓને માર મારીને+ પૂછ્યું: “તમે હવે પહેલાં જેટલી ઈંટો કેમ નથી બનાવતા? ગઈ કાલે પણ બનાવી ન હતી અને આજે પણ બનાવી નથી.”
૧૫ ઇઝરાયેલી ઉપરીઓએ રાજા પાસે જઈને ફરિયાદ કરી: “તમે તમારા સેવકો સાથે આ રીતે કેમ વર્તો છો? ૧૬ અમને પરાળ આપવામાં આવતું નથી, છતાં અધિકારીઓ કહે છે, ‘ઈંટો બનાવો! ઈંટો બનાવો!’ વાંક તમારા લોકોનો છે, પણ માર અમને પડે છે.” ૧૭ રાજાએ કહ્યું: “તમે આળસુ છો, કામચોર છો!+ એટલે જ તમે કહો છો, ‘અમારે જવું છે, યહોવાને બલિદાન ચઢાવવું છે.’+ ૧૮ જાઓ, પાછા કામે લાગી જાઓ! તમને કોઈ પરાળ આપવામાં નહિ આવે. પણ અગાઉ તમે જેટલી ઈંટો બનાવતા હતા, એટલી જ તમારે હમણાં પણ બનાવવી પડશે.”
૧૯ રોજ બનતી ઈંટોમાં જરાય ઘટાડો કરવાનો નથી, એ હુકમ વિશે જાણીને ઇઝરાયેલી ઉપરીઓ સમજી ગયા કે, તેઓ મોટી મુસીબતમાં મુકાઈ ગયા છે. ૨૦ તેઓ રાજાની હજૂરમાંથી બહાર નીકળ્યા ત્યારે, મૂસા અને હારુન તેઓને મળવા ઊભા હતા. ૨૧ તરત જ ઉપરીઓ બોલી ઊઠ્યા: “તમારા બંનેના લીધે રાજા અને તેમના અધિકારીઓ અમને ધિક્કારવા લાગ્યા છે! અમને મારી નાખવા તમે તેઓના હાથમાં તલવાર આપી છે. હવે યહોવા તમારાં કાર્યો જુએ અને તમને સજા કરે.”+ ૨૨ પછી મૂસાએ યહોવાને પોકાર કર્યો: “હે યહોવા, તમે કેમ આ લોકોને રિબાવો છો? તમે કેમ મને અહીં મોકલ્યો છે? ૨૩ હું તમારા નામે રાજા પાસે ગયો+ ત્યારથી તે આ લોકો પર વધારે કઠોર બન્યો છે+ અને તમે પણ તમારા લોકોને હજી બચાવ્યા નથી.”+