પહેલો કાળવૃત્તાંત
૨૧ પછી ઇઝરાયેલ પર હુમલો કરવા શેતાન* તૈયાર થયો. તેણે દાઉદને ઇઝરાયેલની ગણતરી કરવા ઉશ્કેર્યો.+ ૨ રાજાએ યોઆબને+ અને લોકોના મુખીઓને કહ્યું: “જાઓ અને બેર-શેબાથી દાન+ સુધી ઇઝરાયેલની ગણતરી કરો, જેથી મને લોકોની સંખ્યા જાણવા મળે.” ૩ પણ યોઆબે કહ્યું: “યહોવા પોતાના લોકોની સંખ્યા ૧૦૦ ગણી વધારે! હે રાજાજી મારા માલિક, શું તેઓ બધા મારા માલિકના સેવકો નથી? હે મારા માલિક, તમે શા માટે આવું કરવા માંગો છો? તમે કેમ ઇઝરાયેલ પાસે પાપ કરાવવા માંગો છો?”
૪ આખરે યોઆબે રાજાની વાત માનવી પડી. યોઆબ નીકળીને આખા ઇઝરાયેલમાં ફરી વળ્યો. ત્યાર બાદ તે યરૂશાલેમ પાછો ફર્યો.+ ૫ યોઆબે રાજા પાસે આવીને ગણતરી કરેલા લોકોની સંખ્યા જણાવી. ઇઝરાયેલના તલવારધારી લડવૈયાઓની સંખ્યા ૧૧,૦૦,૦૦૦ હતી અને યહૂદાના તલવારધારી લડવૈયાઓની સંખ્યા ૪,૭૦,૦૦૦ હતી.+ ૬ પણ લેવી અને બિન્યામીન કુળોની ગણતરી તેઓમાં કરવામાં આવી ન હતી,+ કેમ કે યોઆબને રાજાની વાત પર સખત નફરત થઈ હતી.+
૭ દાઉદે જે કર્યું એના લીધે સાચા ઈશ્વર ખૂબ નારાજ થયા અને તેમણે ઇઝરાયેલને સજા કરી. ૮ દાઉદે સાચા ઈશ્વરને કહ્યું: “લોકોની ગણતરી કરાવીને મેં મોટું પાપ કર્યું છે.+ કૃપા કરીને તમારા સેવકની ભૂલ માફ કરો,+ કેમ કે મેં ભારે મૂર્ખામી કરી છે.”+ ૯ દાઉદ માટે દર્શન જોનાર ગાદને+ યહોવાએ આ સંદેશો આપ્યો: ૧૦ “જા અને દાઉદને જણાવ કે ‘યહોવા આમ કહે છે: “હું તારા પર આ ત્રણમાંથી કઈ સજા લાવું, એ તું પસંદ કર.”’” ૧૧ એટલે ગાદે દાઉદ પાસે આવીને તેને જણાવ્યું: “યહોવા કહે છે, ૧૨ ‘આ ત્રણમાંથી પસંદ કર: શું તારા દેશમાં ત્રણ વર્ષ દુકાળ પડે?+ શું ત્રણ મહિના તારા દુશ્મનોની તલવાર તારી પાછળ પડીને તને હરાવે?+ શું ત્રણ દિવસ યહોવાની તલવાર ઇઝરાયેલના આખા વિસ્તાર પર આવી પડે, હા, ત્રણ દિવસ રોગચાળો ફાટી નીકળે+ અને યહોવાનો દૂત વિનાશ લાવે?’+ હવે સમજી-વિચારીને જણાવો, જેથી મને મોકલનારને હું જવાબ આપું.” ૧૩ દાઉદે ગાદને કહ્યું: “હું ભારે સંકટમાં આવી પડ્યો છું. મારે માણસના હાથમાં નથી પડવું.+ હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કેમ કે તે દયાના સાગર છે.”+
૧૪ પછી યહોવાએ આખા ઇઝરાયેલમાં રોગચાળો ફેલાવ્યો,+ જેના લીધે ૭૦,૦૦૦ લોકો માર્યા ગયા.+ ૧૫ પછી સાચા ઈશ્વરે યરૂશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. પણ જ્યારે દૂતે એમ કરવાનું શરૂ કર્યું, ત્યારે આફતને લીધે યહોવા દુઃખી દુઃખી થઈ ગયા.*+ વિનાશ લાવનાર દૂતને તેમણે કહ્યું: “બસ, બહુ થયું!+ હવે તારો હાથ પાછો વાળ.” એ સમયે યહોવાનો દૂત યબૂસી+ ઓર્નાનની ખળી+ પાસે ઊભો હતો.
૧૬ દાઉદે નજર ઊંચી કરીને જોયું તો, યહોવાનો દૂત ધરતી અને આકાશ વચ્ચે ઊભો હતો. તેના હાથમાં યરૂશાલેમ તરફ લંબાવેલી તલવાર હતી.+ દાઉદ અને વડીલોએ કંતાન પહેરીને+ ભૂમિ સુધી માથું નમાવ્યું.+ ૧૭ દાઉદે સાચા ઈશ્વરને કહ્યું: “શું મેં લોકોની ગણતરી કરાવી ન હતી? પાપ તો મેં કર્યું છે અને ભૂલ મારી છે.+ બિચારા આ ઘેટાં જેવા લોકોનો શું વાંક? હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ, મારા પિતાના ઘર વિરુદ્ધ આવવા દો. તમારા લોકો પર આ આફત ન લાવો.”+
૧૮ યહોવાના દૂતે ગાદને+ આ સંદેશો આપ્યો: દાઉદને કહે કે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં યહોવા માટે એક વેદી બાંધે.+ ૧૯ એટલે ગાદના સંદેશા પ્રમાણે દાઉદ ત્યાં ગયો, જે સંદેશો ગાદે યહોવાના નામે આપ્યો હતો. ૨૦ ઓર્નાન એ સમયે ખળીમાં ઘઉં ઝૂડતો હતો. તેણે પાછળ ફરીને જોયું તો દૂત દેખાયો. ઓર્નાન સાથે તેના ચાર દીકરાઓ હતા, જે સંતાઈ ગયા. ૨૧ ઓર્નાને જોયું કે દાઉદ તેની તરફ આવતો હતો. એટલે તે તરત જ ખળીમાંથી દોડી ગયો અને દાઉદ આગળ ભૂમિ સુધી માથું નમાવીને પ્રણામ કર્યા. ૨૨ દાઉદે ઓર્નાનને કહ્યું: “તારી ખળીની જમીન મને વેચાતી આપ કે હું એમાં યહોવા માટે વેદી બાંધું. એની જે કિંમત હોય એ પૂરેપૂરી લઈને મને આપ, જેથી લોકો પર ઊતરી આવેલી આફત અટકાવી શકાય.”+ ૨૩ ઓર્નાને દાઉદને કહ્યું: “હે રાજાજી મારા માલિક, તમે ખળી લઈ લો, એને તમારી જ માનો. તમારી નજરમાં જે સારું લાગે એ કરો. હું અગ્નિ-અર્પણ માટે ઢોરઢાંક, બાળવા માટે અનાજ ઝૂડવાનાં પાટિયાં+ અને અનાજ-અર્પણ* માટે ઘઉં આપું છું. એ બધું હું તમને આપું છું.”
૨૪ જોકે દાઉદે ઓર્નાનને કહ્યું: “ના, હું તને પૂરેપૂરી કિંમત ચૂકવીને એ વેચાતાં લઈશ. જે તારું છે એ હું યહોવાને નહિ આપું અથવા તેમને એવાં અગ્નિ-અર્પણો નહિ ચઢાવું, જેની મેં કોઈ કિંમત ચૂકવી ન હોય.”+ ૨૫ એટલે દાઉદે એ જમીન માટે ઓર્નાનને ૬૦૦ શેકેલ* સોનું તોળી આપ્યું. ૨૬ દાઉદે ત્યાં યહોવા માટે એક વેદી બાંધી+ અને એના પર અગ્નિ-અર્પણો તેમજ શાંતિ-અર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાને વિનંતી કરી અને તેમણે અગ્નિ-અર્પણની વેદી પર આકાશમાંથી આગ વરસાવીને જવાબ આપ્યો.+ ૨૭ પછી યહોવાએ દૂતને આજ્ઞા કરી+ કે તલવાર પાછી મ્યાનમાં મૂકી દે. ૨૮ દાઉદે જોયું કે યહોવાએ તેને યબૂસી ઓર્નાનની ખળીમાં જવાબ આપ્યો છે. એ સમયથી દાઉદ ત્યાં અર્પણો ચઢાવવા લાગ્યો. ૨૯ મૂસાએ વેરાન પ્રદેશમાં બનાવેલો યહોવાનો મંડપ અને અગ્નિ-અર્પણની વેદી એ સમયે ગિબયોનના ભક્તિ-સ્થળે હતી.+ ૩૦ પણ દાઉદને યહોવાના દૂતની તલવારનો એટલો ડર લાગતો હતો કે તે ઈશ્વરની સલાહ લેવા ત્યાં જઈ શકતો ન હતો.