યશાયા
૩૯ એ સમયે બાલઅદાનના દીકરા, એટલે કે બાબેલોનના રાજા મેરોદાખ-બાલઅદાને સાંભળ્યું હતું કે હિઝકિયા બીમાર હતો અને હવે સાજો થયો છે.+ એટલે તેણે હિઝકિયાને પત્રો અને ભેટ મોકલ્યાં.+ ૨ હિઝકિયાએ તેના માણસોનો ખુશીથી આવકાર કર્યો અને તેઓને પોતાનો ભંડાર બતાવી દીધો.+ તેણે સોનું-ચાંદી, સુગંધી તેલ, મૂલ્યવાન તેલ, હથિયારોનો આખો ભંડાર અને પોતાના ભંડારોમાં જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. હિઝકિયાના મહેલમાં અને તેના આખા રાજમાં એવું કંઈ ન હતું, જે બતાવવાનું તેણે બાકી રાખ્યું હોય.
૩ યશાયા પ્રબોધકે હિઝકિયા રાજા પાસે આવીને પૂછ્યું: “એ માણસોએ શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા હતા?” હિઝકિયાએ કહ્યું: “તેઓ દૂર દેશ બાબેલોનથી આવ્યા હતા.”+ ૪ યશાયાએ પૂછ્યું: “તેઓએ તમારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ જવાબ આપ્યો: “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું. મારા ભંડારોમાં એવું કશું જ નથી જે મેં બતાવ્યું ન હોય.”
૫ યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાનો આ સંદેશો સાંભળો: ૬ ‘એવો સમય આવે છે જ્યારે તમારા મહેલમાંથી બધું જ બાબેલોન લઈ જવાશે. તમારા બાપદાદાઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યું છે, એ બધું પણ લઈ જવાશે. હા, કંઈ જ બાકી રહેશે નહિ,’+ એવું યહોવા કહે છે.+ ૭ ‘તમને જે દીકરાઓ થશે, એમાંના અમુકને બાબેલોન લઈ જવાશે. તેઓ બાબેલોનના રાજાના મહેલમાં દરબારીઓ બનશે.’”+
૮ હિઝકિયાએ યશાયાને કહ્યું: “યહોવાનો જે સંદેશો તમે જણાવ્યો એ યોગ્ય છે.” પછી તેણે કહ્યું: “હું જીવું ત્યાં સુધી શાંતિ અને સલામતી* રહે તો બસ છે.”+