તિમોથીને બીજો પત્ર
૨ મારા દીકરા તિમોથી,+ અપાર કૃપાથી બળવાન થતો જા, જે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહેનારને મળે છે. ૨ તેં મારી પાસેથી જે સાંભળ્યું હતું અને જેને ઘણા સાક્ષીઓએ ટેકો આપ્યો હતો,+ એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દેજે. પછી એ બધું બીજાઓને શીખવવા તેઓ પાસે સારી લાયકાત હશે. ૩ ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે+ તારા ભાગનું દુઃખ સહન કરજે.+ ૪ સૈનિક પોતાને ભરતી કરનારને ખુશ કરવા ચાહતો હોવાથી કોઈ પણ વેપાર-ધંધામાં* પડતો નથી.* ૫ જો રમતોમાં પણ કોઈ માણસ નિયમો પ્રમાણે ન રમે, તો તેને ઇનામ* મળતું નથી.+ ૬ સખત મહેનત કરનાર ખેડૂતને પાકનો હિસ્સો સૌથી પહેલા મળવો જોઈએ. ૭ મારી વાતો પર સતત વિચાર કરજે. ઈશ્વર તને બધી વાતોમાં સમજણ* આપશે.
૮ યાદ રાખજે કે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હતા+ અને તે દાઉદના વંશજ હતા.+ હું એ ખુશખબર ફેલાવું છું.+ ૯ હું એ ખુશખબર માટે દુઃખ સહન કરું છું અને ગુનેગાર તરીકે કેદના બંધનમાં છું.+ પણ ઈશ્વરના શબ્દોને કોઈ બંધનમાં રાખી શકતું નથી.+ ૧૦ એટલે હું પસંદ થયેલાઓ માટે બધું સહન કરી રહ્યો છું,+ જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુ દ્વારા મળનાર ઉદ્ધાર અને હંમેશ માટેનું ગૌરવ મેળવી શકે. ૧૧ આ વાત ભરોસાપાત્ર છે: જો આપણે તેમની સાથે મરી ગયા હોઈશું, તો તેમની સાથે જીવીશું પણ ખરા.+ ૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+ ૧૩ ભલે આપણે વિશ્વાસઘાત કરીએ, પણ ઈશ્વર વિશ્વાસુ રહે છે, કેમ કે તે પોતાનો નકાર કરી શકતા નથી.*
૧૪ તેઓને આ બધું યાદ કરાવતો રહેજે અને ઈશ્વરની આગળ તેઓને શીખવતો રહેજે* કે શબ્દો વિશે વાદવિવાદ ન કરે. એ તો સાવ નકામું છે, કેમ કે એનાથી સાંભળનારને નુકસાન થાય છે.* ૧૫ તું એવો સેવક બનવા પૂરો પ્રયત્ન કર, જેના પર ઈશ્વરની કૃપા હોય, જેણે કોઈ કામને લીધે શરમાવું ન પડે અને જે સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવતો હોય.+ ૧૬ પણ પવિત્ર વાતોની વિરુદ્ધ હોય એવી નકામી વાતોથી દૂર રહેજે,+ કેમ કે એવી વાતો તો તને ઈશ્વરથી વધારે ને વધારે દૂર લઈ જશે ૧૭ અને એ વાતો સડાની* જેમ ફેલાઈ જશે. એવી વાતો ફેલાવનારા લોકોમાં હુમનાયસ અને ફિલેતસ છે.+ ૧૮ આ માણસો સત્યથી ભટકી ગયા છે અને કહે છે કે મરી ગયેલા લોકો જીવતા થઈ ગયા* છે.+ તેઓ અમુક લોકોની શ્રદ્ધા ડગાવી રહ્યા છે. ૧૯ તેમ છતાં, ઈશ્વરે નાખેલો પાકો પાયો અડગ રહે છે અને એના પર આ મહોર* છે: “જેઓ પોતાના છે તેઓને યહોવા* ઓળખે છે”+ અને “જે કોઈ યહોવાને* નામે પોકાર કરે છે,+ તે દુષ્ટ કામ કરવાનું છોડી દે.”
૨૦ હવે મોટા ઘરમાં ફક્ત સોના-ચાંદીનાં જ નહિ, લાકડાં અને માટીનાં વાસણો પણ હોય છે. અમુક વાસણો ખાસ* કામ માટે વપરાય છે, પણ બીજાં વાસણો સામાન્ય* કામ માટે વપરાય છે. ૨૧ એટલે, જો કોઈ વ્યક્તિ સામાન્ય કામ માટે વપરાતાં વાસણોથી દૂર રહેશે, તો તે ખાસ કામ માટે વપરાતું વાસણ* બનશે. તે પવિત્ર કરાયેલું, પોતાના માલિકને ઉપયોગી અને દરેક સારા કામ માટે તૈયાર થયેલું વાસણ બનશે. ૨૨ તેથી, યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે, પણ જેઓ શુદ્ધ હૃદયથી ઈશ્વરને પોકારે છે, તેઓની સાથે સત્ય, શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ મેળવવા ખૂબ પ્રયત્ન કરજે.
૨૩ મૂર્ખ અને નકામી દલીલોમાં પડીશ નહિ.+ તું જાણે છે કે એનાથી તકરાર ઊભી થાય છે. ૨૪ ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી* વર્તવું જોઈએ,+ શીખવવાની આવડત કેળવવી જોઈએ, અન્યાય થાય ત્યારે પોતાના પર કાબૂ રાખવો જોઈએ,+ ૨૫ જેઓ સહમત થતા નથી, તેઓને નમ્રભાવે* સમજાવવું જોઈએ.+ કદાચ એવું બને કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની* તક આપે, જેથી તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે+ ૨૬ અને તેઓની અક્કલ ઠેકાણે આવે અને શેતાનના* ફાંદામાંથી છૂટી શકે, જેણે પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવા તેઓને જીવતા પકડ્યા છે.+