નિર્ગમન
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહેજે કે તેઓ પાછા ફરીને પીહાહીરોથ સામે છાવણી નાખે, જે મિગ્દોલ અને સમુદ્રની* વચ્ચે છે. તેઓ બઆલ-સફોન સામે સમુદ્ર પાસે છાવણી નાખે.+ ૩ પછી ઇજિપ્તનો રાજા ઇઝરાયેલીઓ વિશે કહેશે, ‘તેઓ આમતેમ ભટકી રહ્યા છે. વેરાન પ્રદેશમાં તેઓ સપડાઈ ગયા છે.’ ૪ હું રાજાનું દિલ હઠીલું થવા દઈશ+ અને તે તમારો પીછો કરશે. હું રાજાને અને તેના આખા સૈન્યને હરાવીને પોતાને મહિમાવાન કરીશ.+ આમ ઇજિપ્તવાસીઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+ ઇઝરાયેલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે જ કર્યું.
૫ પછી ઇજિપ્તના રાજાને સમાચાર મળ્યા કે ઇઝરાયેલીઓ દેશ છોડીને જતા રહ્યા છે. એ સાંભળતા જ રાજા અને તેના સેવકોનું મન બદલાઈ ગયું+ અને તેઓએ કહ્યું: “આપણે કેમ આવું કર્યું? આપણે ઇઝરાયેલીઓને, આપણા ગુલામોને કેમ જવા દીધા?” ૬ તેથી રાજાએ પોતાના લડાઈના રથો તૈયાર કર્યા અને પોતાના સૈનિકોને સાથે લીધા.+ ૭ તેણે ઇજિપ્તના ૬૦૦ ઉત્તમ રથો અને બીજા બધા રથો લીધા. એ દરેક પર સૈનિકો સવાર હતા. ૮ આમ યહોવાએ ઇજિપ્તના રાજા ફારુનનું* દિલ હઠીલું થવા દીધું. એટલે તેણે ઇઝરાયેલીઓનો પીછો કર્યો, જેઓ ડર્યા વગર આગળ વધી રહ્યા હતા.+ ૯ રાજા પોતાના બધા રથો, ઘોડેસવારો અને સૈનિકો સાથે ઇઝરાયેલીઓનો પીછો કરતો કરતો+ તેઓની નજીક પહોંચ્યો. એ વખતે ઇઝરાયેલીઓએ સમુદ્ર પાસે પીહાહીરોથ નજીક છાવણી નાખી હતી, જે બઆલ-સફોન સામે હતું.
૧૦ રાજા નજીક આવી પહોંચ્યો ત્યારે, ઇઝરાયેલીઓએ જોયું કે ઇજિપ્તનું સૈન્ય તેઓનો પીછો કરી રહ્યું છે. એ જોઈને તેઓ ખૂબ ડરી ગયા અને યહોવાને પોકાર કરવા લાગ્યા.+ ૧૧ તેઓએ મૂસાને કહ્યું: “શું ઇજિપ્તમાં દફનાવવાની જગ્યા ન હતી કે, અમને આ વેરાન પ્રદેશમાં મરવા લઈ આવ્યા?+ કેમ અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? કેમ અમારી સાથે આવું કર્યું? ૧૨ શું અમે તમને ઇજિપ્તમાં કહ્યું ન હતું કે, ‘અમને અમારા હાલ પર છોડી દો, અમને ઇજિપ્તવાસીઓની ચાકરી કરવા દો’? વેરાન પ્રદેશમાં મરવા કરતાં ઇજિપ્તની ગુલામી સહેવી વધારે સારું છે.”+ ૧૩ મૂસાએ તેઓને કહ્યું: “ડરશો નહિ,+ દૃઢ ઊભા રહો અને જુઓ કે આજે યહોવા કઈ રીતે તમારો બચાવ કરે છે!+ જે ઇજિપ્તના લોકો આજે તમારી સામે છે, તેઓને તમે ફરી ક્યારેય જોશો નહિ.+ ૧૪ તમે શાંતિથી ઊભા રહો, યહોવા પોતે તમારા માટે યુદ્ધ કરશે!”+
૧૫ યહોવાએ મૂસાને કહ્યું: “તું મને કેમ પોકાર કરે છે? ઇઝરાયેલીઓને કહે કે મુસાફરી આગળ વધારે. ૧૬ તું તારી લાકડી લઈને સમુદ્ર પર હાથ લાંબો કર અને સમુદ્રના બે ભાગ કર. એટલે ઇઝરાયેલીઓ સમુદ્રની કોરી જમીન પર ચાલીને પેલે પાર જઈ શકશે. ૧૭ હું ઇજિપ્તવાસીઓનું દિલ હઠીલું થવા દઈશ, જેથી તેઓ તમારો પીછો કરે. હું રાજાને, તેના સૈન્યને, તેના રથોને અને તેના ઘોડેસવારોને હરાવીને પોતાને મહિમાવાન કરીશ.+ ૧૮ ઇજિપ્તના રાજાને, તેના રથોને અને તેના ઘોડેસવારોને હરાવીને હું પોતાને મહિમાવાન કરીશ ત્યારે, ઇજિપ્તવાસીઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+
૧૯ પછી સાચા ઈશ્વરનો દૂત+ જે ઇઝરાયેલીઓની આગળ ચાલતો હતો, તે ત્યાંથી હટીને તેઓની પાછળ ગયો. તેઓની આગળ જે વાદળનો સ્તંભ હતો, એ ત્યાંથી ખસીને તેઓની પાછળ ઊભો રહ્યો.+ ૨૦ વાદળનો સ્તંભ ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓની વચ્ચે આવી ગયો.+ વાદળના સ્તંભને લીધે એક બાજુ ગાઢ અંધારું હતું અને બીજી બાજુ રાત હોવા છતાં અજવાળું હતું.+ એટલે ઇજિપ્તનું સૈન્ય આખી રાત ઇઝરાયેલીઓની નજીક આવી ન શક્યું.
૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+ ૨૨ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરતા હતા+ ત્યારે, તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી રહ્યું.+ ૨૩ ઇજિપ્તવાસીઓએ તેઓનો પીછો કર્યો. રાજાના બધા રથો અને તેના ઘોડેસવારો ઇઝરાયેલીઓની પાછળ પાછળ સમુદ્રમાં ગયા.+ ૨૪ સવારના પહોરમાં* યહોવાએ વાદળના સ્તંભ અને અગ્નિના સ્તંભ વચ્ચેથી ઇજિપ્તવાસીઓને જોયા.+ પછી તેમણે તેઓને મૂંઝવણમાં નાખી દીધા. ૨૫ તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, એટલે તેઓ માટે રથ ચલાવવા મુશ્કેલ થઈ પડ્યું. ઇજિપ્તવાસીઓ એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો અહીંથી ભાગી જઈએ! ઇઝરાયેલીઓ પાસેથી નાસી જઈએ, કેમ કે તેઓ વતી યહોવા આપણી સામે યુદ્ધ કરી રહ્યા છે.”+
૨૬ પછી યહોવાએ મૂસાને કહ્યું: “સમુદ્ર પર તારો હાથ લાંબો કર, જેથી એનું પાણી ઇજિપ્તવાસીઓ પર, તેઓના રથો પર અને ઘોડેસવારો પર ફરી વળે.” ૨૭ મૂસાએ તરત જ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પાછો હતો એવો થઈ ગયો. ઇજિપ્તવાસીઓ ત્યાંથી નાસતા હતા ત્યારે, યહોવાએ તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા.+ ૨૮ ઇઝરાયેલીઓનો પીછો કરવા સમુદ્રમાં ઊતરેલા રાજાનાં સૈન્ય, તેના રથો અને ઘોડેસવારો પર પાણી ફરી વળ્યું.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+
૨૯ પણ ઇઝરાયેલીઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ એ વખતે તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી ગયું હતું.+ ૩૦ આમ યહોવાએ એ દિવસે ઇઝરાયેલીઓને ઇજિપ્તના હાથમાંથી છોડાવ્યા.+ તેઓએ સમુદ્ર કિનારે ઇજિપ્તવાસીઓની લાશો જોઈ. ૩૧ ઇઝરાયેલીઓએ એ પણ જોયું કે યહોવાએ કઈ રીતે પોતાની મહાન શક્તિથી* ઇજિપ્તને હરાવ્યું. એટલે તેઓ યહોવાનો ડર* રાખવા લાગ્યા. તેઓએ યહોવા અને તેમના સેવક મૂસામાં ભરોસો મૂક્યો.+