યોહાનને થયેલું પ્રકટીકરણ
૫ રાજ્યાસન પર જે બેઠા હતા+ તેમના જમણા હાથમાં મેં એક વીંટો જોયો. એની બંને બાજુ* લખાણ હતું. એના પર સાત મહોર* મારવામાં આવી હતી. ૨ મેં જોયું કે એક શક્તિશાળી દૂત મોટા અવાજે આમ કહેતો હતો: “આ વીંટો ખોલવા અને એની મહોર તોડવા કોણ યોગ્ય છે?” ૩ પણ સ્વર્ગમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચે કોઈ પણ એ વીંટો ખોલવા કે એમાં જોવા માટે યોગ્ય ન હતું. ૪ હું ખૂબ રડ્યો, કેમ કે વીંટો ખોલવા અને એમાં જોવા કોઈ યોગ્ય મળ્યું નહિ. ૫ પણ વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. યહૂદા કુળના+ સિંહને જો, જે દાઉદના+ કુટુંબના*+ છે. તેમણે જીત મેળવી છે,+ જેથી વીંટો અને એની સાત મહોર ખોલે.”
૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે. ૭ ઘેટું તરત આગળ આવ્યું અને રાજ્યાસન પર જે બેઠેલા હતા, તેમના જમણા હાથમાંથી તેણે વીંટો લીધો.+ ૮ જ્યારે તેણે વીંટો લીધો, ત્યારે ચાર કરૂબો અને ૨૪ વડીલો+ ઘેટાની આગળ ઘૂંટણિયે પડ્યા. દરેક વડીલ પાસે વીણા હતી અને ધૂપથી* ભરપૂર સોનાના વાટકા હતા. (ધૂપ એટલે પવિત્ર લોકોની પ્રાર્થનાઓ.)+ ૯ તેઓ આ નવું ગીત ગાતા હતા:+ “વીંટો લેવા અને એની મહોર ખોલવા તમે યોગ્ય છો, કેમ કે તમારું બલિદાન ચઢાવવામાં આવ્યું. તમારા લોહીથી તમે ઈશ્વર માટે+ દરેક કુળ, બોલી,* પ્રજા અને દેશોમાંથી+ લોકો ખરીદી લીધા. ૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+
૧૧ મેં રાજ્યાસન, કરૂબો અને વડીલોની આસપાસ ઘણા દૂતો જોયા. મેં તેઓનો અવાજ સાંભળ્યો. તેઓની સંખ્યા લાખોના લાખો અને હજારોના હજારો હતી.+ ૧૨ તેઓ મોટા અવાજે કહેતા હતા: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું,+ તે શક્તિ, ધનદોલત, બુદ્ધિ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”+
૧૩ સ્વર્ગમાં, પૃથ્વી પર, પૃથ્વી નીચે+ અને સમુદ્ર પર બધાને મેં આમ કહેતા સાંભળ્યા: “રાજ્યાસન પર જે બેઠેલા છે+ તેમને અને ઘેટાને+ સદાને માટે+ સ્તુતિ, મહિમા,+ માન અને બળ મળે.” ૧૪ ચાર કરૂબોએ કહ્યું: “આમેન!” અને વડીલોએ ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી.