ગણના
૧૪ ત્યારે બધા લોકોએ મોટેથી પોકાર કર્યો અને આખી રાત રડીને વિલાપ કર્યો.+ ૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત! ૩ યહોવા અમને તલવારથી મારવા એ દેશમાં કેમ લઈ જાય છે?+ હવે અમારી સ્ત્રીઓ અને બાળકોને લૂંટી લેવામાં આવશે.+ અમે ઇજિપ્ત પાછા જતા રહીએ+ એમાં જ શું અમારું ભલું નથી?” ૪ તેઓ એકબીજાને આમ પણ કહેવા લાગ્યા: “ચાલો, આપણે એક આગેવાન પસંદ કરીએ અને ઇજિપ્ત પાછા જઈએ!”+
૫ ત્યારે મૂસા અને હારુન બધા ઇઝરાયેલીઓ* સામે ઘૂંટણિયે પડ્યા અને જમીન સુધી માથું નમાવ્યું. ૬ દેશની જાસૂસી કરવા ગયા હતા એમાંના બે માણસોએ, એટલે કે નૂનના દીકરા યહોશુઆએ+ અને યફૂન્નેહના દીકરા કાલેબે+ પોતાનાં કપડાં ફાડ્યાં ૭ અને બધા ઇઝરાયેલીઓને કહ્યું: “જે દેશની જાસૂસી કરવા અમે ગયા હતા, એ ખરેખર અતિ ઉત્તમ દેશ છે.+ ૮ જો યહોવા આપણાથી ખુશ હશે, તો તે ચોક્કસ આપણને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જશે.+ ૯ પણ તમે યહોવા વિરુદ્ધ બંડ ન પોકારો અને એ દેશના લોકોથી ન ડરો,+ કેમ કે આપણે તેઓને ભરખી જઈશું.* તેઓનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નથી, પણ યહોવા આપણી સાથે છે.+ તેઓથી ગભરાશો નહિ.”
૧૦ પણ આખું ટોળું તેઓને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યું.+ એવામાં, યહોવાનું ગૌરવ બધા ઇઝરાયેલીઓ સામે+ મુલાકાતમંડપ પર પ્રગટ થયું.
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી આ લોકો મારું અપમાન કરશે?+ મેં તેઓ વચ્ચે આટલા બધા ચમત્કારો* કર્યા છે, છતાં ક્યાં સુધી તેઓ મારામાં શ્રદ્ધા નહિ મૂકે?+ ૧૨ હવે હું તેઓ પર ભારે રોગચાળો લાવીશ અને જડમૂળથી તેઓનો નાશ કરી દઈશ. હું તારામાંથી એક મોટી પ્રજા બનાવીશ, જે તેઓ કરતાં મહાન અને બળવાન હશે.”+
૧૩ પણ મૂસાએ યહોવાને કહ્યું: “તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. હવે જો તમે તેઓનો નાશ કરશો, તો ઇજિપ્તના લોકો એ વિશે સાંભળશે+ ૧૪ અને આ દેશના રહેવાસીઓને પણ જણાવશે. એ રહેવાસીઓ તો પહેલેથી જાણે છે કે, આ લોકો મધ્યે યહોવા છે+ અને તેઓ સામે તે મોઢામોઢ પ્રગટ થાય છે.+ તમે યહોવા છો અને તમારું વાદળ તમારા લોકો પર થોભે છે. દિવસે વાદળના સ્તંભમાં અને રાતે અગ્નિના સ્તંભમાં તમે તેઓની આગળ આગળ ચાલો છો.+ ૧૫ જો તમે એક જ વારમાં* આ લોકોને મારી નાખશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ વિશે સાંભળ્યું છે, તેઓ કહેશે: ૧૬ ‘આ લોકોને જે દેશ આપવાના યહોવાએ સમ ખાધા હતા, એમાં તે તેઓને લઈ જઈ શકતા ન હતા, એટલે તેમણે તેઓને વેરાન પ્રદેશમાં જ મારી નાખ્યા.’+ ૧૭ હે યહોવા, તમારું સામર્થ્ય મોટું મનાવો, જેમ તમે વચન આપ્યું હતું. તમે કહ્યું હતું: ૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+ ૧૯ મહેરબાની કરીને તમારા મહાન અને અતૂટ પ્રેમને લીધે આ લોકોનો અપરાધ માફ કરો. જેમ ઇજિપ્તથી લઈને હમણાં સુધી તમે તેઓને માફ કર્યા છે, તેમ હમણાં પણ તેઓને માફ કરો.”+
૨૦ પછી યહોવાએ કહ્યું: “સારું, તારા કહેવા પ્રમાણે હું તેઓને માફ કરું છું.+ ૨૧ પણ મારા સમ* કે આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરાઈ જશે,+ ૨૨ પણ જે લોકોએ મારું ગૌરવ જોયું છે તેમજ ઇજિપ્ત અને વેરાન પ્રદેશમાં મેં કરેલા ચમત્કારો જોયા છે,+ છતાં દસ વખત* મારી પરીક્ષા કરી છે+ અને મારું સાંભળ્યું નથી,+ તેઓમાંથી એક પણ માણસ ૨૩ એ દેશ ક્યારેય જોઈ નહિ શકે, જે વિશે મેં તેઓના પિતાઓ આગળ સમ ખાધા હતા. હા, જેઓ મારું અપમાન કરે છે તેઓમાંથી એક પણ માણસ એ દેશ જોઈ નહિ શકે.+ ૨૪ પણ મારો સેવક કાલેબ+ તેઓ કરતાં એકદમ અલગ છે અને તે પૂરા દિલથી મારી પાછળ ચાલતો રહ્યો છે. તે જે દેશમાં ગયો હતો, એ દેશમાં હું તેને ચોક્કસ લઈ જઈશ અને તેનો વંશજ એનો વારસો પામશે.+ ૨૫ એ દેશની ખીણમાં* અમાલેકીઓ અને કનાનીઓ+ વસે છે, માટે તમે આવતી કાલે પાછા ફરો અને લાલ સમુદ્રને રસ્તે વેરાન પ્રદેશમાં જાઓ.”+
૨૬ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૭ “આ દુષ્ટ લોકો ક્યાં સુધી મારી વિરુદ્ધ કચકચ કર્યા કરશે?+ ઇઝરાયેલીઓ મારી વિરુદ્ધ જે કચકચ કરે છે,+ એ મેં સાંભળી છે. ૨૮ તેઓને જણાવ, ‘યહોવા કહે છે, “મારા સમ,* તમે જે બોલ્યા છો, એ જ હું તમારી સાથે કરીશ!+ ૨૯ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે.+ જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી કરવામાં આવી હતી એ બધા, હા, મારી વિરુદ્ધ કચકચ કરનારા બધા માર્યા જશે.+ ૩૦ યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા.
૩૧ “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.* ૩૨ પણ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે. ૩૩ હવે તમારા દીકરાઓ ૪૦ વર્ષ સુધી+ વેરાન પ્રદેશમાં ઘેટાં-બકરાં ચરાવશે. વેરાન પ્રદેશમાં તમારામાંના છેલ્લા માણસની લાશ નહિ પડે ત્યાં સુધી+ તેઓ તમારી બેવફાઈની* સજા ભોગવશે. ૩૪ તમે ૪૦ દિવસ+ ફરીને એ દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસ માટે એક વર્ષને હિસાબે ૪૦ વર્ષ સુધી+ તમે તમારા અપરાધની સજા ભોગવશો. ત્યારે તમને ખબર પડશે કે, મારી વિરુદ્ધ જવાનું* કેવું પરિણામ આવે છે!
૩૫ “‘“હું યહોવા એ બોલ્યો છું. આ દુષ્ટ લોકો, એટલે કે જે લોકો મારી વિરુદ્ધ થયા છે તેઓના હું આવા હાલ કરીશ: આ વેરાન પ્રદેશમાં તેઓનો અંત આવશે, તેઓ અહીં જ મરણ પામશે.+ ૩૬ જે માણસોને મૂસાએ દેશની જાસૂસી માટે મોકલ્યા હતા અને જેઓએ પાછા આવીને ખરાબ અહેવાલ આપ્યો હતો+ અને લોકોને મૂસા વિરુદ્ધ કચકચ કરવા ઉશ્કેર્યા હતા, ૩૭ હા, જે માણસોએ એ દેશ વિશે ખરાબ અહેવાલ આપ્યો હતો, તેઓને સજા મળશે અને તેઓ યહોવા આગળ માર્યા જશે.+ ૩૮ પણ દેશની જાસૂસી કરવા ગયા હતા, તેઓમાંથી ફક્ત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ ચોક્કસ જીવતા રહેશે.”’”+
૩૯ જ્યારે મૂસાએ સર્વ ઇઝરાયેલીઓને એ જણાવ્યું, ત્યારે તેઓએ ભારે શોક કર્યો. ૪૦ એટલું જ નહિ, તેઓ સવારે વહેલા ઊઠ્યા અને પર્વતના શિખર પર જવા લાગ્યા. તેઓએ એકબીજાને કહ્યું: “આપણે પાપ કર્યું છે.+ પણ હવે આપણે એ દેશમાં જવા તૈયાર છીએ, જે વિશે યહોવાએ કહ્યું છે.” ૪૧ પણ મૂસાએ કહ્યું: “તમે યહોવાના હુકમની ઉપરવટ કેમ જાઓ છો? તમે સફળ નહિ થાઓ. ૪૨ યહોવા તમારી સાથે નથી, એટલે પર્વત પર ન જાઓ. તમે તમારા દુશ્મનો સામે હારી જશો.+ ૪૩ ત્યાં તમારે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરવો પડશે+ અને તમે તલવારથી માર્યા જશો. તમે યહોવાના માર્ગે ચાલવાનું છોડી દીધું છે, એટલે યહોવા પણ તમને સાથ નહિ આપે.”+
૪૪ તેમ છતાં, લોકો ઘમંડી બનીને પર્વતના શિખર તરફ ગયા.+ પણ યહોવાનો કરારકોશ છાવણીની વચ્ચે જ રહ્યો અને મૂસા પણ ત્યાંથી હઠ્યો નહિ.+ ૪૫ પછી એ પર્વત પર રહેતા અમાલેકીઓ અને કનાનીઓ નીચે આવ્યા અને ઇઝરાયેલીઓ પર તૂટી પડ્યા. તેઓએ ઇઝરાયેલીઓને છેક હોર્માહ સુધી નસાડી મૂક્યા.+