ન્યાયાધીશો
૨ યહોવાનો દૂત+ ગિલ્ગાલથી+ બોખીમ ગયો અને ઇઝરાયેલીઓને કહ્યું: “હું તમને ઇજિપ્તમાંથી* એ દેશમાં લાવ્યો, જે વિશે મેં તમારા બાપદાદાઓની આગળ સમ ખાધા હતા.+ મેં કહ્યું હતું કે ‘તમારી સાથે કરેલો મારો કરાર* હું કદી તોડીશ નહિ.+ ૨ તમારે આ દેશમાં રહેતા લોકો સાથે કોઈ કરાર કરવો નહિ.+ તમારે તેઓની વેદીઓ* તોડી નાખવી.’+ પણ તમે મારું કહેવું માન્યું નથી.+ તમે કેમ એવું કર્યું? ૩ એટલે મેં કહ્યું: ‘હું આ દેશમાં રહેનારાઓને તમારી આગળથી હાંકી કાઢીશ નહિ.+ તેઓ તમને પોતાની જાળમાં ફસાવશે+ અને તેઓના દેવો તમને લલચાવીને ફાંદામાં નાખશે.’”+
૪ યહોવાના દૂતે ઇઝરાયેલીઓને એ જણાવ્યું ત્યારે, તેઓ મોટેથી રડવા લાગ્યા. ૫ એટલે તેઓએ એ જગ્યાનું નામ બોખીમ* પાડ્યું અને ત્યાં યહોવાને બલિદાનો ચઢાવ્યાં.
૬ યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે, બધા ઇઝરાયેલીઓ પોતપોતાને વારસામાં મળેલા દેશનો કબજો લેવા ગયા.+ ૭ યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયેલીઓ યહોવાને ભજતા રહ્યા. ત્યાર બાદ એ સમયના વડીલો જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓ ભક્તિમાંથી ફંટાયા નહિ. આ વડીલોએ જોયું હતું કે યહોવાએ ઇઝરાયેલ માટે કેવાં મોટાં કામો કર્યાં છે.+ ૮ પછી નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક ૧૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયો.+ ૯ તેઓએ તેને તિમ્નાથ-સેરાહમાં દફનાવ્યો,+ જે વિસ્તાર તેને વારસામાં મળ્યો હતો. એ ગાઆશ પર્વતની ઉત્તરે+ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલો છે. ૧૦ એ પેઢી તેઓના બાપદાદાઓની જેમ ગુજરી ગઈ.* એ પછીની પેઢી યહોવાને ઓળખતી ન હતી. તેમણે ઇઝરાયેલ માટે જે કર્યું હતું, એ જાણતી ન હતી.
૧૧ ઇઝરાયેલીઓએ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું અને તેઓએ બઆલની* મૂર્તિઓની પૂજા કરી.+ ૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+ ૧૩ તેઓ યહોવાને છોડીને બઆલ અને આશ્તોરેથની મૂર્તિઓને ભજવા લાગ્યા.+ ૧૪ એ કારણે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેઓએ ઇઝરાયેલીઓને લૂંટી લીધા.+ ઈશ્વરે ઇઝરાયેલીઓને તેઓની આસપાસના દુશ્મનોને હવાલે કર્યા.+ એ પછીથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શક્યા નહિ.+ ૧૫ યહોવાએ કહ્યું હતું તેમ અને યહોવાએ સમ ખાધા હતા તેમ,+ તેઓ જ્યાં ગયા ત્યાં યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. એટલે તેઓ પર આફત આવી પડી+ અને તેઓના બૂરા હાલ થયા.+ ૧૬ તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવવા યહોવાએ ન્યાયાધીશો* ઊભા કર્યા.+
૧૭ પણ ઇઝરાયેલીઓએ ન્યાયાધીશોનું જરાય સાંભળ્યું નહિ. તેઓ બીજા દેવોને ભજવા લાગ્યા* અને નમન કરવા લાગ્યા. તેઓના બાપદાદાઓ જે માર્ગે ચાલ્યા હતા, એમાંથી ભટકી જતા તેઓને વાર ન લાગી. તેઓના બાપદાદાઓ તો યહોવાની આજ્ઞાઓ પાળતા હતા,+ પણ ઇઝરાયેલીઓએ ન પાળી. ૧૮ યહોવા તેઓ માટે ન્યાયાધીશો ઊભા કરતા ત્યારે,+ યહોવા દરેક ન્યાયાધીશને સાથ આપતા. એ ન્યાયાધીશ જીવે ત્યાં સુધી ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવતા. ઇઝરાયેલીઓ પોતાના પર થતા અત્યાચાર અને જુલમને લીધે નિસાસા નાખતા ત્યારે,+ યહોવાને ખૂબ જ દુઃખ થતું.+
૧૯ ન્યાયાધીશના ગુજરી ગયા પછી તેઓ પાછા ભટકી જતા. તેઓ પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કરતા. તેઓ બીજા દેવોને ભજતા અને તેઓને નમન કરતા.+ તેઓ હઠીલા બનીને દુષ્ટ કામો કરતા રહ્યા. ૨૦ આખરે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+ તેમણે કહ્યું: “આ પ્રજાએ મારું કહેવું માન્યું નથી.+ તેઓએ મારો કરાર તોડ્યો છે,+ જે પાળવાની મેં તેઓના બાપદાદાઓને આજ્ઞા આપી હતી. ૨૧ એટલે યહોશુઆના મરણ પછી જે પ્રજાઓ બચી ગઈ છે, એમાંથી એકેય પ્રજાને હું ઇઝરાયેલ આગળથી હાંકી કાઢીશ નહિ.+ ૨૨ એનાથી ઇઝરાયેલીઓની કસોટી થશે કે તેઓ પોતાના બાપદાદાઓની જેમ યહોવાના માર્ગમાં ચાલશે કે કેમ.”+ ૨૩ એટલે યહોવાએ એ પ્રજાઓને રહેવા દીધી. એ પ્રજાઓને તેમણે ઉતાવળે હાંકી કાઢી નહિ અને યહોશુઆના હાથમાં સોંપી નહિ.