બીજો કાળવૃત્તાંત
૨૦ પછી મોઆબીઓ,+ આમ્મોનીઓ+ અને કેટલાક આમ્મોનીમ લોકો* ભેગા મળીને યહોશાફાટ સામે લડાઈ કરવા આવ્યા. ૨ યહોશાફાટને ખબર આપવામાં આવી કે “જુઓ, તમારી સામે મોટું ટોળું લડાઈ કરવા આવે છે. તેઓ સમુદ્રના* વિસ્તારમાંથી, અદોમથી+ આવે છે. તેઓ અત્યારે હાસસોન-તામાર, એટલે કે એન-ગેદીમાં+ છે.” ૩ એ સાંભળીને યહોશાફાટ ગભરાઈ ગયો. તેણે યહોવાનું માર્ગદર્શન મેળવવાનું નક્કી કર્યું.+ તેણે આખા યહૂદામાં ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો. ૪ યહૂદાના લોકો યહોવાની મદદ માંગવા ભેગા થયા.+ યહોવાની સલાહ લેવા તેઓ યહૂદાનાં બધાં શહેરોમાંથી આવ્યા.
૫ યહૂદા અને યરૂશાલેમના લોકો આગળ યહોશાફાટ ઊભો થયો. તેઓ યહોવાના મંદિરના નવા આંગણા સામે ભેગા થયા હતા. ૬ તેણે કહ્યું:
“હે યહોવા, અમારા બાપદાદાઓના ઈશ્વર! શું તમે જ સ્વર્ગમાંના ઈશ્વર નથી?+ શું બધી પ્રજાઓનાં રાજ્યો પર તમારી સત્તા નથી?+ તમારા હાથમાં બળ અને તાકાત છે. તમારી સામે કોઈ ઊભું રહી શકતું નથી.+ ૭ હે અમારા ઈશ્વર, શું તમે ઇઝરાયેલીઓ આગળથી આ દેશના લોકોને કાઢી મૂક્યા ન હતા? શું આ દેશ તમારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને કાયમી વારસા તરીકે આપ્યો ન હતો?+ ૮ પછી તેઓ એ દેશમાં રહેવા લાગ્યા. તેઓએ ત્યાં તમારા નામને મહિમા આપવા તમારા માટે એક મંદિર* બાંધ્યું.+ તેઓએ કહ્યું: ૯ ‘કદાચ અમારા પર આફત આવી પડે, એટલે કે તલવાર, આકરી સજા, રોગચાળો કે દુકાળ આવી પડે. એ સમયે અમે આ મંદિર અને તમારી આગળ ઊભા રહીશું (આ મંદિર તમારા નામને મહિમા આપવા માટે છે).+ અમારી તકલીફોમાં અમે તમને મદદનો પોકાર કરીએ ત્યારે, તમે સાંભળજો અને અમને બચાવજો.’+ ૧૦ હવે જુઓ, આમ્મોન, મોઆબ અને સેઈરના પહાડી વિસ્તારના+ માણસો ચઢી આવ્યા છે. જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા, ત્યારે તમે તેઓને એ લોકો પર હુમલો કરવા દીધો નહિ. એટલે ઇઝરાયેલીઓ તેઓ પાસેથી ફંટાઈને બીજે માર્ગે ગયા અને તેઓનો વિનાશ કર્યો નહિ.+ ૧૧ પણ જુઓ, તેઓ એનો કેવો બદલો આપે છે! તમે અમને જે દેશનો વારસો આપ્યો છે, એમાંથી અમને કાઢી મૂકવા તેઓ આવે છે.+ ૧૨ હે અમારા ઈશ્વર, શું તમે તેઓને સજા નહિ કરો?+ અમારા પર ચઢી આવતા આ મોટા ટોળા સામે અમે સાવ લાચાર છીએ. અમને ખબર નથી પડતી કે શું કરીએ.+ અમારી નજર તો તમારા પર છે.”+
૧૩ એ સમયે યહૂદાના બધા માણસો યહોવા આગળ ઊભા હતા. તેઓ સાથે તેઓની પત્નીઓ અને તેઓનાં નાનાં-મોટાં બાળકો પણ હતાં.
૧૪ એ લોકોના ટોળામાં યાહઝીએલ પર યહોવાની શક્તિ ઊતરી આવી. તે ઝખાર્યાનો દીકરો હતો, જે બનાયાનો દીકરો, જે યેઈએલનો દીકરો, જે માત્તાન્યાનો દીકરો હતો. તેઓ લેવી આસાફના વંશજો હતા. ૧૫ યાહઝીએલે કહ્યું: “ઓ યહૂદાના લોકો અને યરૂશાલેમના લોકો! હે યહોશાફાટ રાજા! તમે બધા સાંભળો! યહોવા તમને કહે છે, ‘આ મોટા ટોળાને લીધે ડરશો નહિ કે ગભરાશો નહિ. આ યુદ્ધ તમારું નથી, પણ ઈશ્વરનું છે.+ ૧૬ તમે આવતી કાલે તેઓની સામે જાઓ. તેઓ સીસના ઘાટે આવતા હશે. યરૂએલના વેરાન પ્રદેશ આગળ ખીણના છેડે તમને તેઓનો ભેટો થશે. ૧૭ તમારે આ યુદ્ધમાં લડવું નહિ પડે. તમારી જગ્યાએ અડગ ઊભા રહો.+ યહોવા કઈ રીતે તમને બચાવે છે,* એ નજરે જુઓ.+ હે યહૂદા અને યરૂશાલેમ, ડરશો નહિ કે ગભરાશો નહિ.+ આવતી કાલે તેઓ સામે જાઓ. યહોવા તમારી સાથે રહેશે.’”+
૧૮ તરત જ યહોશાફાટે ઘૂંટણિયે પડીને ભૂમિ સુધી માથું નમાવ્યું. યહૂદા અને યરૂશાલેમના બધા લોકોએ પણ યહોવા આગળ નમન કર્યું અને યહોવાની ભક્તિ કરી. ૧૯ પછી લેવીઓમાંથી કહાથીઓ અને કોરાહીઓના વંશજો+ મોટા અવાજે ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો જયજયકાર કરવા ઊભા થયા.+
૨૦ બધા વહેલી સવારે ઊઠ્યા અને તકોઆના વેરાન પ્રદેશમાં+ ગયા. તેઓ જતાં હતા ત્યારે, યહોશાફાટે ઊભા થઈને કહ્યું: “હે યહૂદાના લોકો અને હે યરૂશાલેમના લોકો! તમારા ઈશ્વર યહોવામાં શ્રદ્ધા મૂકો, જેથી તમે અડગ રહી શકો. તેમના પ્રબોધકોમાં ભરોસો રાખો.+ એમ કરશો તો તમે સફળ થશો.”
૨૧ તેણે લોકોની સલાહ લીધા પછી, પવિત્ર કપડાં પહેરેલા માણસોને યહોવા આગળ ગાવા અને તેમનો જયજયકાર કરવા પસંદ કર્યા.+ તેઓ સૈનિકો આગળ ચાલતાં ચાલતાં ગાતા હતા: “યહોવાનો આભાર માનો, કેમ કે તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+
૨૨ તેઓ ખુશીથી ગાવા લાગ્યા. તરત જ યહોવાએ યહૂદા સામે લડવા આવેલા આમ્મોન, મોઆબ અને સેઈરના પહાડી વિસ્તારના લોકો પર ઓચિંતો હુમલો કરાવ્યો. તેઓએ એકબીજાની કતલ કરી.+ ૨૩ સેઈરના પહાડી વિસ્તારના લોકોનો નાશ કરવા અને નામનિશાન મિટાવી દેવા આમ્મોનીઓ અને મોઆબીઓ તેઓ પર તૂટી પડ્યા.+ સેઈરના લોકોને ખતમ કરી દીધા પછી, તેઓએ એકબીજાને મારી નાખ્યા.+
૨૪ યહૂદાના લોકો વેરાન પ્રદેશના ચોકી કરવાના બુરજ પાસે આવી પહોંચ્યા.+ તેઓએ દુશ્મનોના ટોળા તરફ નજર કરી તો જુઓ, તેઓની લાશો જમીન પર પડેલી હતી!+ તેઓમાંથી એકેય બચ્યો ન હતો. ૨૫ યહોશાફાટ અને તેના લોકોએ આવીને તેઓમાં લૂંટ ચલાવી. તેઓને લૂંટમાં પુષ્કળ માલ-સામાન, કપડાં અને કીમતી ચીજવસ્તુઓ મળી આવ્યાં. તેઓએ પોતાના માટે ઘણી વસ્તુઓ લૂંટી, પણ એ બધી ઊંચકી જઈ શક્યા નહિ.+ લૂંટની ચીજવસ્તુઓ એટલી બધી હતી કે એ ભેગી કરીને લઈ જતાં તેઓને ત્રણ દિવસ લાગ્યા. ૨૬ ચોથા દિવસે તેઓ બરાખાહની ખીણ* પાસે ભેગા થયા. ત્યાં તેઓએ યહોવાનો જયજયકાર કર્યો. એટલે એ જગ્યાનું નામ બરાખાહની* ખીણ પડ્યું,+ જે આજ સુધી છે.
૨૭ યહૂદા અને યરૂશાલેમના બધા માણસો ખુશી મનાવતાં મનાવતાં યરૂશાલેમ પાછા આવ્યા. તેઓની આગળ યહોશાફાટ હતો. યહોવાએ તેઓને દુશ્મનો પર જીત અપાવી હોવાથી, તેઓ બહુ ખુશ હતા.+ ૨૮ તેઓ તારવાળાં વાજિંત્રો, વીણા+ અને રણશિંગડાં+ વગાડતાં વગાડતાં યરૂશાલેમ આવ્યા. તેઓ યહોવાના મંદિરે ગયા.+ ૨૯ ઇઝરાયેલના દુશ્મનો સામે યહોવાએ લડાઈ કરી, એ સાંભળીને બધાં રાજ્યો પર ભય છવાઈ ગયો.+ ૩૦ એટલે યહોશાફાટના રાજમાં શાંતિ હતી. તેના ઈશ્વરે તેને બધી બાજુથી સલામતી આપી હતી.+
૩૧ યહોશાફાટ યહૂદા પર રાજ કરતો રહ્યો. તે રાજા બન્યો ત્યારે ૩૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમ પર ૨૫ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અઝૂબાહ હતું, જે શિલ્હીની દીકરી હતી.+ ૩૨ યહોશાફાટ પોતાના પિતા આસાના માર્ગે ચાલ્યો+ અને એમાંથી ભટકી ગયો નહિ. તેણે યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું.+ ૩૩ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વરની ભક્તિ કરવા મન મક્કમ કર્યું ન હતું.+
૩૪ શરૂઆતથી લઈને અંત સુધીનો યહોશાફાટનો બાકીનો ઇતિહાસ હનાનીના+ દીકરા યેહૂનાં+ લખાણોમાં જોવા મળે છે. ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં એ મળી આવે છે. ૩૫ પછી યહૂદાના રાજા યહોશાફાટે ઇઝરાયેલના દુષ્ટ રાજા અહાઝ્યા સાથે સંપ કર્યો.+ ૩૬ તાર્શીશ જવા માટે વહાણો+ બનાવવા યહોશાફાટે તેની સાથે ભાગીદારી કરી. તેઓ એસ્યોન-ગેબેરમાં+ વહાણો બનાવતા હતા. ૩૭ પણ મારેશ્શાહના દોદાવાહૂના દીકરા એલીએઝરે યહોશાફાટ વિરુદ્ધ આવી ભવિષ્યવાણી કરી: “તમે અહાઝ્યા સાથે સંપ કર્યો હોવાથી, યહોવા તમારાં કામોનો નાશ કરશે.”+ એટલે તેઓનાં વહાણ ભાંગી ગયાં+ અને તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.