લેવીય
૧ અને યહોવાએ* મૂસાને બોલાવ્યો અને મુલાકાતમંડપમાંથી*+ તેની સાથે વાત કરતા કહ્યું: ૨ “ઇઝરાયેલીઓ* સાથે વાત કરીને તેઓને કહે: ‘જો તમારામાંથી કોઈ માણસ યહોવાને પ્રાણીઓનું અર્પણ ચઢાવે, તો એ ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી હોય.+
૩ “‘જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અગ્નિ-અર્પણ* ચઢાવે, તો એ ખોડખાંપણ વગરનો આખલો* હોય.+ તે એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રાજીખુશીથી+ યહોવાને અર્પી દે. ૪ અગ્નિ-અર્પણમાં આપેલા આખલાના માથા પર તે પોતાનો હાથ મૂકે. પછી તેના પ્રાયશ્ચિત્ત* માટે એ અર્પણ સ્વીકારવામાં આવશે.
૫ “‘પછી યહોવાની આગળ એ આખલાને કાપવો. હારુનના દીકરાઓ, એટલે કે યાજકો*+ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વેદી* પાસે એનું લોહી+ લાવે અને એની ચારે બાજુ છાંટે. ૬ અગ્નિ-અર્પણના આખલાનું ચામડું ઉતારી લેવું અને એ આખલાના ટુકડા કરવા.+ ૭ હારુનના દીકરાઓ, એટલે કે યાજકો વેદી પર આગ મૂકે+ અને એના પર લાકડાં ગોઠવે. ૮ પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો વેદી પર સળગતાં લાકડાં ઉપર આખલાના ટુકડા, એનું માથું અને એની ચરબી* ગોઠવે.+ ૯ આખલાનાં આંતરડાં અને પગ પાણીથી ધોવાં. પછી યાજક વેદી પર એને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.* એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
૧૦ “‘જો તે પોતાનાં ઘેટાં-બકરાંમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે,+ તો એ ખોડખાંપણ વગરનો ઘેટો અથવા બકરો હોય.+ ૧૧ એને વેદીની ઉત્તર તરફ યહોવા આગળ કાપવો. પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.+ ૧૨ એ પ્રાણીના ટુકડા કરવા અને પછી યાજક વેદી પર સળગતાં લાકડાં ઉપર પ્રાણીના ટુકડા, એનું માથું અને એની ચરબી* ગોઠવે. ૧૩ એ પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોવાં. પછી યાજક એને વેદી પર અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.
૧૪ “‘પણ જો તે યહોવાને પક્ષીનું અગ્નિ-અર્પણ ચઢાવે, તો એ હોલા અથવા કબૂતરનાં બચ્ચાં+ હોય. ૧૫ યાજક એને વેદી પાસે લાવીને એની ડોક કાપે* અને એનું લોહી વેદીની એક બાજુએ ઢોળી દે. પછી એ ડોક વેદી પર આગમાં ચઢાવે. ૧૬ યાજક પક્ષીના ગળાની થેલી* અને પીંછાં કાઢી નાખે અને વેદીની પૂર્વ બાજુએ જ્યાં રાખ* નાખવામાં આવે છે,+ ત્યાં ફેંકી દે. ૧૭ યાજક એને પાંખો પાસેથી ચીરે, પણ એના બે ભાગ છૂટા ન પાડે. પછી તે એને વેદી પર સળગતાં લાકડાં ઉપર ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.