ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત.
૧૨૧ હું નજર ઉઠાવીને પર્વતો તરફ જોઉં છું.+
મને ક્યાંથી મદદ મળશે?
૨ આકાશ અને પૃથ્વીના રચનાર
યહોવા પાસેથી મને મદદ મળે છે.+
૩ તે તારા પગને ક્યારેય લપસી જવા દેશે નહિ.+
તારી રક્ષા કરનાર ક્યારેય ઝોકાં ખાશે નહિ.
૪ જુઓ, ઇઝરાયેલની રક્ષા કરનારને
ન ક્યારેય ઊંઘ ચઢશે, ન તે સૂઈ જશે.+
૫ યહોવા તારું રક્ષણ કરે છે.
યહોવા તારા જમણા હાથે રહીને તારા પર છાયા કરે છે.+
૬ દિવસે સૂર્ય અને રાતે ચંદ્ર
તારું કંઈ બગાડી શકશે નહિ.+
૭ યહોવા બધાં જોખમો સામે તારું રક્ષણ કરશે.+
તે તારા જીવનનું રક્ષણ કરશે.+
૮ આજથી લઈને યુગોના યુગો સુધી
યહોવા તારાં બધાં કામોમાં તારું રક્ષણ કરશે.