ગણના
૧ અને તેઓ ઇજિપ્તથી* નીકળ્યા, એના બીજા વર્ષના બીજા મહિનાના પહેલા દિવસે+ યહોવાએ* સિનાઈના વેરાન પ્રદેશમાં મૂસા સાથે વાત કરી.+ તેમણે મુલાકાતમંડપમાં*+ તેને કહ્યું: ૨ “તું અને હારુન ઇઝરાયેલીઓની* આખી પ્રજાની વસ્તી-ગણતરી કરો.+ એકેએક પુરુષની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો* પ્રમાણે કરો. ૩ તું અને હારુન એવા પુરુષોનાં નામ લખો, જે ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના હોય+ અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય. દરેક પુરુષનું નામ તેની ટુકડી* પ્રમાણે લખો.
૪ “તમારી સાથે દરેક કુળમાંથી એક પુરુષ લો, જે તેના પિતાના કુટુંબનો વડો હોય.+ ૫ તમને મદદ કરનાર પુરુષોનાં નામ આ છે: રૂબેન કુળના શદેઉરનો દીકરો અલીસૂર;+ ૬ શિમયોન કુળના સૂરીશાદ્દાયનો દીકરો શલુમીએલ;+ ૭ યહૂદા કુળના અમિનાદાબનો દીકરો નાહશોન;+ ૮ ઇસ્સાખાર કુળના સૂઆરનો દીકરો નથાનએલ;+ ૯ ઝબુલોન કુળના હેલોનનો દીકરો અલીઆબ;+ ૧૦ યૂસફના દીકરા એફ્રાઈમના કુળના+ આમ્મીહૂદનો દીકરો અલિશામા અને મનાશ્શા કુળના પદાહસૂરનો દીકરો ગમાલિયેલ; ૧૧ બિન્યામીન કુળના ગિદિયોનીનો દીકરો અબીદાન;+ ૧૨ દાન કુળના આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર;+ ૧૩ આશેર કુળના ઓક્રાનનો દીકરો પાગીએલ;+ ૧૪ ગાદ કુળના દેઉએલનો દીકરો એલ્યાસાફ;+ ૧૫ નફતાલી કુળના એનાનનો દીકરો અહીરા.+ ૧૬ ઇઝરાયેલીઓમાંથી એ પુરુષોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પિતાના કુળના મુખીઓ,+ એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા છે.”+
૧૭ ઈશ્વરે જે પુરુષોને પસંદ કર્યા હતા, તેઓને મૂસા અને હારુને પોતાની સાથે લીધા. ૧૮ તેઓએ બીજા મહિનાના પહેલા દિવસે બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા, જેથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના+ એકેએક પુરુષની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે થઈ શકે. ૧૯ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેઓએ કર્યું. આમ મૂસાએ સિનાઈના વેરાન પ્રદેશમાં એ બધાનાં નામ નોંધ્યાં.+
૨૦ ઇઝરાયેલના પ્રથમ જન્મેલા* દીકરા રૂબેનના+ એકેએક વંશજની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૧ રૂબેન કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૬,૫૦૦ થઈ.
૨૨ શિમયોનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૩ શિમયોન કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૯,૩૦૦ થઈ.
૨૪ ગાદના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૫ ગાદ કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૫,૬૫૦ થઈ.
૨૬ યહૂદાના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૭ યહૂદા કુળના પુરુષોની કુલ સંખ્યા ૭૪,૬૦૦ થઈ.
૨૮ ઇસ્સાખારના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૯ ઇસ્સાખાર કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૪,૪૦૦ થઈ.
૩૦ ઝબુલોનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૧ ઝબુલોન કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૭,૪૦૦ થઈ.
૩૨ યૂસફના દીકરા એફ્રાઈમના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૩ એફ્રાઈમ કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૦,૫૦૦ થઈ.
૩૪ મનાશ્શાના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૫ મનાશ્શા કુળના પુરુષોની કુલ સંખ્યા ૩૨,૨૦૦ થઈ.
૩૬ બિન્યામીનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૭ બિન્યામીન કુળના પુરુષોની કુલ સંખ્યા ૩૫,૪૦૦ થઈ.
૩૮ દાનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૯ દાન કુળના પુરુષોની કુલ સંખ્યા ૬૨,૭૦૦ થઈ.
૪૦ આશેરના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૪૧ આશેર કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૧,૫૦૦ થઈ.
૪૨ નફતાલીના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૪૩ નફતાલી કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૩,૪૦૦ થઈ.
૪૪ મૂસાએ હારુન અને ઇઝરાયેલના ૧૨ મુખીઓ સાથે મળીને એ નોંધણી કરી. એ દરેક મુખી પોતપોતાના પિતાના કુટુંબને રજૂ કરતો હતો. ૪૫ જે પુરુષની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે ઇઝરાયેલના લશ્કરમાં જોડાઈ શકતો હતો, એવા દરેક ઇઝરાયેલીનું નામ તેના પિતાના કુટુંબ પ્રમાણે નોંધવામાં આવ્યું. ૪૬ પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+
૪૭ પણ બીજાં કુળો સાથે લેવીઓની*+ નોંધણી તેઓના પિતાનાં કુળ પ્રમાણે કરવામાં આવી નહિ.+ ૪૮ યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “તું લેવી કુળના પુરુષોની નોંધણી ન કર. બીજા ઇઝરાયેલીઓ સાથે તું તેઓની ગણતરી ન કર.+ ૫૦ તું લેવીઓને સાક્ષીલેખના* મંડપની,*+ એનાં બધાં વાસણોની અને મંડપની સર્વ વસ્તુઓની જવાબદારી સોંપ.+ તેઓ મંડપને અને એનાં બધાં વાસણોને ઊંચકશે.+ તેઓ મંડપમાં સેવા કરશે+ અને મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખશે.+ ૫૧ મંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો થાય ત્યારે, લેવીઓ મંડપના ભાગો છૂટા પાડશે.+ મંડપને પાછો ગોઠવવાનો થાય ત્યારે, લેવીઓ એને ઊભો કરશે. લેવી સિવાય બીજો કોઈ પણ માણસ* મંડપની નજીક આવે તો, તેને મારી નાખવો.+
૫૨ “દરેક ઇઝરાયેલી પોતપોતાની છાવણી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહ માટે ઠરાવેલી જગ્યા પ્રમાણે,*+ પોતપોતાની ટુકડી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ૫૩ લેવીઓએ સાક્ષીલેખના મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખવા, જેથી ઇઝરાયેલીઓ પર મારો ક્રોધ સળગી ન ઊઠે.+ સાક્ષીલેખના મંડપની સંભાળ રાખવાની* જવાબદારી લેવીઓની છે.”+
૫૪ યહોવાએ મૂસાને જે બધી આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે ઇઝરાયેલીઓએ કર્યું. તેઓએ એમ જ કર્યું.