ગણના
૨ હવે યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨ “ત્રણ કુળના બનેલા સમૂહ માટે+ જે જગ્યા ઠરાવવામાં આવી છે, એ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખે. તેઓ મુલાકાતમંડપની ચારે બાજુ પોતપોતાના પિતાના કુટુંબની નિશાની* નજીક તંબુ નાખે.
૩ “મુલાકાતમંડપની પૂર્વ તરફ* ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે છાવણી નાખે. એ સમૂહની આગેવાની યહૂદા કુળ લે. યહૂદાના દીકરાઓનો મુખી નાહશોન છે,+ જે અમિનાદાબનો દીકરો છે. ૪ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૭૪,૬૦૦ છે.+ ૫ યહૂદા કુળની બાજુમાં ઇસ્સાખાર કુળ છાવણી નાખે. ઇસ્સાખારના દીકરાઓનો મુખી નથાનએલ છે,+ જે સૂઆરનો દીકરો છે. ૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૪,૪૦૦ છે.+ ૭ એ પછી ઝબુલોન કુળ છાવણી નાખે. ઝબુલોનના દીકરાઓનો મુખી અલીઆબ છે,+ જે હેલોનનો દીકરો છે. ૮ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૭,૪૦૦ છે.+
૯ “યહૂદા કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૮૬,૪૦૦ પુરુષો છે. યહૂદાની છાવણી સૌથી પહેલા ઉઠાવવામાં આવે.+
૧૦ “મુલાકાતમંડપની દક્ષિણ તરફ ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની રૂબેન કુળ લે.+ રૂબેનના દીકરાઓનો મુખી અલીસૂર છે,+ જે શદેઉરનો દીકરો છે. ૧૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૬,૫૦૦ છે.+ ૧૨ એ પછી શિમયોન કુળ છાવણી નાખે. શિમયોનના દીકરાઓનો મુખી શલુમીએલ છે,+ જે સૂરીશાદ્દાયનો દીકરો છે. ૧૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૯,૩૦૦ છે.+ ૧૪ એ પછી ગાદ કુળ છાવણી નાખે. ગાદના દીકરાઓનો મુખી એલ્યાસાફ છે,+ જે રેઉએલનો દીકરો છે. ૧૫ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૫,૬૫૦ છે.+
૧૬ “રૂબેન કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૫૧,૪૫૦ પુરુષો છે. રૂબેનની છાવણી બીજા ક્રમે ઉઠાવવામાં આવે.+
૧૭ “મુલાકાતમંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે,+ લેવી કુળ બીજાં કુળોની વચ્ચે રહે.
“ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહો જે ક્રમમાં છાવણી નાખે, એ જ ક્રમમાં તેઓ આગળ વધે.+
૧૮ “મુલાકાતમંડપની પશ્ચિમ તરફ ત્રણ કુળનો બનેલો ત્રીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની એફ્રાઈમ કુળ લે. એફ્રાઈમના દીકરાઓનો મુખી અલિશામા છે,+ જે આમ્મીહૂદનો દીકરો છે. ૧૯ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૦,૫૦૦ છે.+ ૨૦ એ પછી મનાશ્શા કુળ+ છાવણી નાખે. મનાશ્શાના દીકરાઓનો મુખી ગમાલિયેલ છે,+ જે પદાહસૂરનો દીકરો છે. ૨૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૨,૨૦૦ છે.+ ૨૨ એ પછી બિન્યામીન કુળ છાવણી નાખે. બિન્યામીનના દીકરાઓનો મુખી અબીદાન છે,+ જે ગિદિયોનીનો દીકરો છે. ૨૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૫,૪૦૦ છે.+
૨૪ “એફ્રાઈમ કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૦૮,૧૦૦ પુરુષો છે. એફ્રાઈમની છાવણી ત્રીજા ક્રમે ઉઠાવવામાં આવે.+
૨૫ “મુલાકાતમંડપની ઉત્તર તરફ ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની દાન કુળ લે. દાનના દીકરાઓનો મુખી અહીએઝેર છે,+ જે આમ્મીશાદ્દાયનો દીકરો છે. ૨૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૬૨,૭૦૦ છે.+ ૨૭ એ પછી આશેર કુળ છાવણી નાખે. આશેરના દીકરાઓનો મુખી પાગીએલ છે,+ જે ઓક્રાનનો દીકરો છે. ૨૮ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૧,૫૦૦ છે.+ ૨૯ એ પછી નફતાલી કુળ છાવણી નાખે. નફતાલીના દીકરાઓનો મુખી અહીરા છે,+ જે એનાનનો દીકરો છે. ૩૦ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૩,૪૦૦ છે.+
૩૧ “દાન કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૫૭,૬૦૦ પુરુષો છે. સૌથી છેલ્લે દાન કુળની છાવણી ઉઠાવવામાં આવે.”+
૩૨ આ રીતે ઇઝરાયેલીઓનાં નામ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે નોંધવામાં આવ્યાં. બધી છાવણીઓમાંથી લશ્કર માટે પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+ ૩૩ જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ બીજા ઇઝરાયેલીઓ સાથે+ લેવીઓની નોંધણી કરવામાં આવી નહિ.+ ૩૪ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું. તેઓ ત્રણ ત્રણ કુળના સમૂહ પ્રમાણે+ તેમજ પોતાના કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે છાવણી નાખતા હતા અને ઉઠાવતા હતા.+